લંડન અને ગ્લાસગોમાં છૂરાબાજીએ આતંક ફેલાવ્યો

Friday 03rd July 2020 05:35 EDT
 
 

લંડન, ગ્લાસગોઃ યુકેમાં છૂરાબાજીની ઘટનાઓ વધી રહી છે. રવિવાર ૨૮ જૂને હેકનીમાં ક્લેપ્ટન કોમન ખાતે જ્યુઈશ બેકરીની બહાર એક પુરુષ પર ચાકુથી હુમલો કરાયો હતો. એક મહિલા પણ અન્ય સ્ટેબિંગમાં ઈજા પામી હતી. પોલીસે હુમલાના શકમંદની ધરપકડ કરી હતી. આ હુમલાઓના પગલે સશસ્ત્ર પોલીસ ઉતરી આવી હતી. શનિવારે પુરુષોના બે જૂથો વચ્ચે અથડામણમાં છૂરાબાજી થઈ હતી.  અગાઉ, શુક્રવાર ૨૬ જૂનની બપોરે ગ્લાસગોમાં એસાઈલમ સીકર દ્વારા છરાબાજીની ઘટનામાં છ વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ પહેલા ગત સપ્તાહે રીડિંગ ખાતે પણ છૂરાબાજીની ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. સંખ્યાબંધ લોકો માર્ગો પર ફરતા રહ્યા હતા અને પોલીસે અથડામણો સંદર્ભે સાત વ્યક્તિની ધરપકડ કરી હતી.

હેકનીમાં ક્લેપ્ટન કોમન ખાતે રવિવાર ૨૮ જૂને જ્યુઈશ બેકરીની બહાર શોપ ફ્લોર પર એક પુરુષ પર ચાકુથી હુમલો કરાયો હતો. તેને ત્રણ ઘા વાગ્યા હતા. જ્યુઈશ કોમ્યુનિટી ગ્રૂપના વોલન્ટીઅર્સ તેને પ્રાથમિક સારવાર આપી રહ્યા હતા ત્યારે જ રાત્રિના ૧૧.૨૦ કલાકે એક મહિલા પર છૂરાથી હુમલો થયો હતો. પોલીસે એક શકમંદની ધરપકડ પણ કરી હતી. બીજી તરફ, સાઉથ લંડનના ક્લેપહામ કોમન અને ટૂટિંગબેક કોમન ખાતે ગેરકાયદે નાચગાનની સામૂહિક પાર્ટીઓને વિખેરવા પોલીસે કાર્યવાહી કરી હતી. ગત ચાર દિવસથી આરોગ્ય નિયંત્રણોનો ભંગ કરતી આવી પાર્ટીઓને વિખેરવા પોલીસ પગલાં લેતી રહી છે જેમાં પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચી છે. વેસ્ટ કિલ્બર્ન ખાતે મ્યુઝિક ઈવેન્ટમાં પોલીસ ઓફિસર્સ પર હુમલા બદલ બે સહિત કુલ પાંચ વ્યક્તિની ધરપકડ કરાઈ હોવાનું મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું.

અગાઉ લંડનમાં ૨૫ જૂને ચાકુની હિંસાની ઘટના નોંધાઈ હતી જેમાં એક યુવાન વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, ૨૨ જૂને એન્ફિલ્ડના એડમોન્ટોન ખાતે ત્રણ પુરુષો છૂરાબાજીનો શિકાર બન્યા હતા. ૨૦ જૂને હેરિન્જેના વાલ્ડેગ્રેવ રોડ પર એક ઘરમાં મિહાઈ ગાએ નામે ૪૮ વર્ષના પુરુષ પર છૂરાથી હુમલો કરાયો હતો. તેને હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ, બીજા દિવસે બપોરે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકની ઓળખીતી એક વ્યક્તિની ધરપકડ થઈ હતી.

સુદાનના નિર્વાસિત છૂરાબાજે છને ઘાયલ કર્યા

રીડિંગ શહેરમાં એસાઈલમ માગનારા સાદાલ્લાહના છૂરાબાજીના આતંક પછી સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શુક્રવાર ૨૬ જૂનની બપોરે સુદાનના એક એસાઈલમ સીકરે ચાકૂથી હુમલો કરી છ વ્યક્તિને ઘાયલ કર્યા હતા. વેસ્ટ જ્યોર્જ સ્ટ્રીટ નજીક પાર્ક ઈન હોટલ ખાતે માનસિક રીતે અસ્થિર કહેવાયેલા હુમલાખોરે ઘણા લોકો પર છૂરાથી હુમલો કરી આતંક ફેલાવ્યો હતો. પોલીસે આખરે હુમલાખોરને ઠાર માર્યો હતો. હુમલાખોરને પકડવા જતા ૪૨ વર્ષીય પોલીસમેન ડેવિડ વ્હાઈટ પણ ઘવાયા હતા જેઓ, હોસ્પિટલમાં ગંભીર સ્થિતિમાં છે. અગાઉ, આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયાનું કહેવાયું હતું.

સુદાનથી આવેલા આ માણસે પાર્ક ઈન હોટલના રિસેપ્શન હોલમાં કોરોના વાઈરસ મહામારીમાં તે ‘ઘણો ભૂખ્યો’ હોવાની ફરિયાદ કર્યા પછી આવેશમાં આવી લોકોને ઈજા પહોંચાડવાની ધમકી આપી હતી. આવેશપૂર્ણ હુમલાખોરથી લોકોને બચાવવા જતા પોલીસમેન ડેવિડ વ્હાઈટ પણ ગંભીરપણે ઘવાયા હતા. સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ હુમલાખોરને ઠાર માર્યો હતો. એક સાક્ષીએ જણાવ્યું હતું કે હોટેલમાં રહેતા અન્ય નિર્વાસિતો સામે હિંસાની ધમકી આપી હતી. સિએરા લિઓનના ૧૭ વર્ષના તરુણ સહિત ૧૮,૨૦,૩૮ અને ૫૩ વર્ષની વયના પાંચ ઈજાગ્રસ્તોને ગ્લાસગો રોયલ ઈન્ફર્મરી અને ક્વીન એલિઝાબેથ યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઈજાગ્રસ્તોમાં હોટેલના બે રિસેપ્સનિસ્ટ, મેઈન્ટેનન્સ કર્મચારીનો સમાવેશ થયો હતો.

ગ્લાસગોમાં કોરોના વાઈરસ મહામારી દરમિયાન ઘરબારવિહોણા ૩૦૦ જેટલા એસાઈલમ સીકર્સને કામચલાઉ રહેઠાણ અપાયું છે તેવી છ હોટેલમાં પાર્ક ઈન હોટલ પણ છે. હુમલા સમયે આ હોટેલમાં ૧૦૦ જેટલા નિર્વાસિતો રહેતા હોવાનું મનાય છે. આ નિર્વાસિતોને ખરાબ હાલતમાં રખાતા હોવાની ફરિયાદો છે. તેઓને બાથરુમ્સ શેર કરવાની ફરજ પડાય છે જેથી, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી અને માનસિક હાલત ખરાબ રહેતી હોવાની પણ ફરિયાદો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter