નામર્દ લોકોના હથિયાર ગણાતા એસિડ દ્વારા હુમલો કરનારા લોકોને આજીવન કેદ સુધીની સજા ફટકારવા અને એસિડ જેવા ખતરનાક રસાયણનો હથિયાર તરીકે ઉપયોગ ન કરી શકાય તે માટે સરકાર દ્વારા આકરા પગલા લેવાઇ રહ્યા છે. હોમ સેક્રેટરી એમ્બર રડે એસિડ એટેક પર કાબુ મેળવવા માટે આવા હુમલામાં સંડોવાયેલા લોકોને આજીવન કેદની સજા ફટકારવા માટે સૂચન કર્યું હતું. ૧૮ વર્ષ કરતા અોછી વયની વ્યક્તિને એસિડ નહિં વેચવાના, માત્ર કાર્ડ પેમેન્ટ દ્વારા જ એસિડ વેચવાના અને જો વ્યક્તિ શંકાસ્પદ જણાય તો સત્વરે પોલીસને જાણ કરવા દુકાનદારોને સૂચના અપાઇ છે. ૨૧ વર્ષની સ્વરૂપવાન યુવતી રેશમ ખાન અને તેના પિતરાઇ ભાઇ જમીલ મુખ્તાર પર ઈસ્ટ લંડનમાં ગત તા. ૨૧ જૂને કરાયેલા એસિડ હુમલા પછી સરકાર સફાળી જાગી ઉઠી છે.
બીજી તરફ ગયા સપ્તાહે એસિડ એટેકનો ભોગ બનનાર ફૂડ ડીલીવરી ડ્રાઇવર જાબેબ હુસૈનની આગેવાની હેઠળ આજે લંડનમાં ફૂડ ડીલીવરી કરતા અને સ્કુટર-મોપેડ ચલાવતા લોકોએ પાર્લામેન્ટ સ્કવેર ખાતે દેખાવો કરી 'નો મોર એસિડ એટેક્સ'ના સુત્રોચ્ચારો કર્યા હતા. કેટલાય ફૂડ ડીલીવર ડ્રાઇવરો પોતાના પર એસિડ એટેક્સ કરવામાં આવશે એવા ભયને કારણે રાતના ૮ વાગ્યા પછી કામ કરવાનું ટાળી રહ્યા છે જેની અસર ફૂડ અને રેસ્ટોરંટ ઇન્ડ્રસ્ટ્રીઝ પર થઇ રહી છે.
રેશમ ખાન અને જમીલ પર કરાયેલા એસિડ એટેક્સ પછી છેલ્લા એક સપ્તાહમાં કુલ ૭ લોકો પર એસિડ એટેક્સ થઇ ચૂક્યા છે. ગત તા. ૪ જુલાઇના રોજ માઇલ એન્ડ ખાતે એક સગર્ભા મહિલા પોતાના પતિ સાથે જતી હતી ત્યારે તેના પેટ પર અને તેના પતિ પર એસિડ છાંટવામાં આવ્યો હતો. જેમને તુરંત જ બો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધતા જતા એસિડ એટક્સને પગલે લંડન એમ્બ્યુલન્સ દ્વારા એસિડ એટેક્સ વખતે સાવચેતી જાળવવા માર્ગદર્શીકા જાહેર કરી છે.
ઇસ્ટ લંડનમાં રેશમ ખાન અને તેના પિતરાઇ ભાઇ જમીલ પર કરાયેલા એસિડ હુમલા બાદ એક કિશોરને લંડનમાં ગંભીર ઇજા પહોંચાડવા, એસિડ એટેક સહિત ગંભીર ઇજા પહોંચાડી શકાય તેવા પદાર્થ રાખવા સહિતના ૧૫ જેટલા હુમલાઅો બદલ કોર્ટમાં રજૂ કરી તહોમત ફરમાવાહયું હતું. તેને સ્ટ્રેટફર્ડ યુથ કોર્ટમાં રજૂ કરાયો હતો અને હાલ તે કસ્ટોડીયલ રીમાન્ડ હેઠળ છે. જ્યારે ગત શુક્રવારે સ્ટોક ન્યુઇંગ્ટનમાં ગંભીર ઇજા પહોંચાડવાના અને લુંટ કરવાના આરોપસર પકડવામાં આવેલા ૧૫ વર્ષના તરૂણને અોગસ્ટ માસમાં હાજર થવાની શરતે જામીન પર પછોડવામાં આવ્યો હતો. આજ રીતે તા. ૧૮ જુલાઇના રોજ મુસ્તુફા અહમદ નામના ૧૯ વર્ષના યુવાનને એસિડ એટેક્સના આરોપ બદલ થેમ્સ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. નોર્થ અને ઇસ્ટ લંડનમાં ફૂડ ડીલીવરી કરતા સ્કુટર સવાર લોકો પર મોપેડ પર આવેલા બે કિશોરોએ એસિડ એટેક કર્યો હતો. માત્ર ૭૧ મિનિટમાં ગત ગુરૂવારે એક સાથે કરાયેલા ૫ એસિડ હુમલાઅો બાદ સરકારની ઉંઘ ઉડી ગઇ હતી. ગુરૂવારે રાત્રે કરાયેલા હુમલાઅો બદલ મોપેડ સવાર ઉક્ત બે કિશોરની ધરપકડ કરાઇ ગહતી. શુક્રવારે સાંજે ડેગેનહામ, ઇસ્ટ લંડનમાં ૨૦ વર્ષના એક યુવાન પર મોપેડ પર આવેલા બે યુવાનોએ એસિડ જેવું પ્રવાહી છાંટી હુમલો કર્યો હતો તેમ પોલીસે જણાવ્યું છે.
સરકાર સખત પગલા લેશે: એમ્બર રડ
હોમ સેક્રેટરી એમ્બર રડે સન્ડે ટાઇમ્સમાં આ આંગે લખતા જણાવ્યું હતું કે "સરકાર એસિડ હુમલાઅોને પગલે કાયદામાં ધરમૂળથી ફેરફાર કરી રહી છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા પ્રોસિક્યુટરને જે માર્ગદર્શન અપાય છે તેમાં ફેરફાર કરાઇ રહ્યો છે જેથી એસિડ અને તેના જેવા અન્ય પ્રવાહીને જોખમી શસ્ત્ર તરીકે ગણાવી શકાય. આજ રીતે પોઇઝન એક્ટમાં પણ સુધારા કરવા વિચારવામાં આવી રહ્યું છે. પોલીસથી લઇને પ્રોસિક્યુટર્સને આ મુદ્દે અમર્યાદ અત્તાઅો અપાશે જેથી તેઅો આવો ગુનો કરતા લોકોને સજા અપાવી શકે. પોલીસ આવા હુમલાખોરોને પકડવા માટએ સ્ટોપ એન્ડ સર્ચનો ઉપયોગ પણ વધારી દેનાર છે.
ક્રાઇમ મિનિસ્ટર સારાહ ન્યુટને સોમવારે હાઉસ અોફ કોમન્સમાં આ બાબતે સરકારના આયોજનને રજૂ કર્યો હતો. સારાહે જણાવ્યું હતું કે એવા કેટલાય પ્રવાહી છે જે ટોયલેટ ક્લીનર તરીકે ખુલ્લે આમા આસાનીથી વેચાય છે. અમે દુકાનદારો અને ઉત્પાદકો સાથે આવા ઘાતક પ્રવાહીને કઇ રીતે નરમ કરીને વેચી શકાય તે અંગે વાત કરી રહ્યા છીએ. ૯૧ ટકા જેટલી શક્તિ ધરાવતો સલ્ફ્યુરીક એસિડ ગટર સાફ કરવા માટે ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે. સન્ડે ટાઇમ્સ દ્વારા કરાયેલ તપાસમાં તો એમ જણાયું હતંું કે ૧૨ વર્ષનો એક બાળક સ્પોર્ટ્સ ડ્રિંક્સની બોટલમાં એસિડ ભરીને શાળાએ લઇ ગયો હતો.
એસિડ એક હાથવગુ શસ્ત્ર
એસિડ સર્વાઇવર ટ્રસ્ટના જેફ શાહના જણાવ્યા મુજબ "ગેંગ સાથે સંકળાયેલા છોકરાઅો માટે કોન્સન્ટ્રેટેડ એસિડ એક હાથવગુ શસ્ત્ર બની ગયું છે. કાવતરાખોરો માટે એસિડ આસાન શસ્ત્ર બની ગયો છે કેમ કે તે એસિડ સાથે પકડાય તો તેમની સામે ચાર્જ મૂકાતો નથી. ખૂબજ સસ્તા પણ અસરદાર શસ્ત્રને બાળકો ગમે તેમ વાપરી શકે છે"
મિડલસેક્સ યુનિવર્સીટીમાં ક્રિમિનોલોજિસ્ટ ડો. સાયમન હા્ડીંગ જણાવે છે કે "જો તમે છરી સાથે પકડાવ તો વધારે ગંભીર આરોપ લાગે છે અને વધારે લાંબી સજા પણ મળી શકે છે. પરંતુ એસિડ સાથે પકડાવ તો તેટલી સજામળી શકતી નથી” વળી એસિડ સાથે પકડાનાર યુવાનીયાઅો સામે આરોપ સાબિત કરવો પણ મુશ્કેલ બને છે. આ બધા કારણોને લઇને કિશોરો અને યુવાનોમાં એસિડને શસ્ત્ર તરીકે વાપરવાનું ગાંડપણ વધ્યું છે.
અત્યારે હાલને તબક્કે જો કોઇ પર હુમલો કરવાના ઇરાદે એસિડ કે તેના જેવું પ્રવાહી ધારણ કર્યું હોય તો તે વ્યક્તિને અસરકારક શસ્ત્ર રાખ્યું છે તેમ માની વધુમાં વધુ ચાર વર્ષની સજાની જોગવાઇ છે.
ડીઆઇવાય શોપ અને અન્ય દુકાનોમાં ટોયલેટ સાફ કરવા માટે વપરાતા એસિડ અને તેના જેવા પ્રવાહી કોઇ જ રોકટોક વગર મળતા હોવાથી અને પકડાય તો પણ પોલીસ કોઇ સજા કરાવી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી એસિડ હુમલાઅો ખૂબજ વધી ગયા છે.
રેશમ ખાન અને જમીલની જીંદગી બદલાઇ ગઇ
રેશમ ખાન પોતાની ૨૧મી વર્ષગાંઠની ઉજવણી કરવા તેના પિતરાઇ જમીલ સાથે ૨૧ જૂનની સવારે કારમાં બહાર નીકળી હતી ત્યારે બેક્ટનમાં ટ્રાફિક લાઈટ્સ પાસે કારમાં બેઠાં હતાં ત્યારે હુમલાખોરે તેમના પર એસિડ જેવું પ્રવાહી ફેંક્યું હતું. જેમાં જમીલ મુખ્તાર કોમામાં ચાલ્યો ગયો હતો અને રેશમનો ચહેરો બળી ગયો હતો.
રેશમ ખાને જણાવ્યું હતું કે, ‘ટ્રાફિક લાઈટ પાસે ઉભા રહેલા એક માણસે અચાનક કારની બારીમાંથી અમારા પર એસિડ જેવું પ્રવાહી ફેંક્યું હતું અને ભાગી ગયો હતો. એસિડ પડતા મને સખત પીડા થવા લાગી હતી અને જાણે કે કપડા અને ચહેરો બળવા લાગ્યા હોય તમે લાગતું હતું. ના છુટકે કપડા કાઢીને મદદ માટે ચીસો પાડતા ૪૫ મિનીટ પછી અમને મદદ મળી હતી અને એક વ્યક્તિએ હોસ્પિટલ પહોંચાડ્યાં હતાં.’
સાયપ્રસથી એક વર્ષના એક્સચેન્જ પ્રોગ્રામ પછી હાલમાં જ પાછી ફરેલી રેશમને ચહેરા પર સ્કીન ગ્રાફ્ટીંગ કરાયું છે અને તેનો ચહેરો પહેલા જેવો જ સુંદર લાગશે કે કેમ તેના વિશે શંકા છે. રેશમને એક જ ચિંતા છે કે તેનું હવે પછીનું જીવન હવે કેવું હશે? ‘રેશમ ખૂબ જ ધગશ અને આત્મવિશ્વાસ ધરાવતી યુવતી છે અને તે પોતાનો બિઝનેસ શરૂ કરવાનીઅને એશિયન બ્રાઈડલ, મેક-અપ અને હેર આર્ટિસ્ટ મોડેલ બનવા વિચારતી હતી.
રેશમ અને જમીલ પર એસિડ ફેંકવાના આરોપ બદલ કેનિંગ ટાઉનના જોહ્ન ટોમલીન નામનો ૨૪ વર્ષનો યુવાન રવિવાર તા. ૯ના રોજ ઇસ્ટ લંડનના પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. જેને થેમ્સ મેજીસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
શરીર ઉપર ૨૫૦ અોપરેશન કરવા પડ્યા
એસિડ એટેકનો ભોગ બનેલી કેટી પાઇપરે જણાવ્યું હતું કે આવા એસિડ હુમલા કરનારાઅોને તો દાખલો બેસે તે માટે આજીવન કારાવાસની સજા થવી જોઇએ. ટીવી પ્રેઝન્ટર, લેખક અને અને ચેરિટી કેમ્પેઇનર ઉપર નવ વર્ષ પહેલા તેના બોયફ્રેન્ડે એસિડ એટેક કર્યો હતો. કેટીને પહેલા હતી તેવી તો ન કરી શકાય પરંતુ તેના ઉપર ૨૫૦ અોપરેશન કરવા પડ્યા હતા. તેણીએ જણાવ્યું હતું કે જ્યારે હું કોમામાંથી બહાર આવી અને મેં મારો ચહેરો અરીસામાં જોયો ત્યારે હું મારી જાતને અોળખી શકી નહોતી. મને આત્મહત્યા કરવાનું મન થતું હતું.”
ખૂબજ ધૃણાસ્પદ એવા એસિડ એટેક્સ કરનારાઅો કદાચ પોતાના રોષ, તાણ અને વિકૃત માનસને પગલે એક વખત કોઇને નિશાન બનાવી દે છે. પરંતુ ભોગ બનાર વ્યક્તિનું જીવન એસિડ હુમલાપછી દોજખ જેવું બની જાય છે. એમાં પણ જો તે વ્યક્તિ સ્ત્રી હોય તો તેના જીવન સામે કંઇ કેટલાય પ્રશ્નાર્થ લાગી જાય છે.
એસિડ એટેક વિષે કેટલાક આંકડા
* બ્રિટનભરમાં ૨૦૧૩માં એસિડ એટેકના ૧૮૩ બનાવ સામે ૨૦૧૬-૧૭માં કુલ ૫૦૪ બનાવ બન્યા.
* માત્ર લંડનમાં જ ગયા વર્ષે થયેલા ૨૬૧ અેસિડ એટક્સ સામે આ વર્ષે કુલ ૪૫૮ કેસ થયા.
* નવેમ્બર ૧૬થી એપ્રિલ ૨૦૧૭ દરમિયાન એસિડ કે અન્ય જોખમી પ્રવાહી વડે ઇજા પહોંચાડવાના ૪૦૮ બનાવો યુકેમાં બન્યા.
* એસિડ હુમલો કરનારા નામર્દ અપરાધીઅોમાં દર પાંચે એક અપરાધી ૧૮ વર્ષ કરતા નીચેની વયનો હતો.
* ભારત આટલો વિશાળ દેશ હોવા છતાં ગત વર્ષે યુકેની સરખામણીએ ૮૦૨ એસિડ હુમલા થયા હતા. કદાચ થોડાઘણાં હુમલા પોલીસ સમક્ષ નોંધાયા ન હોય પણ તેમ છતાં યુકેનો આંકડો ખતરનાક અને ચિંતાજનક છે.
* ભારતમાં ૨૦૧૧માં ૧૦૬, ૨૦૧૨માં ૧૦૬, ૨૦૧૩માં ૧૧૬, ૨૦૧૪માં ૨૨૫ અને ૨૦૧૫માં ૨૪૯ એસિડ એટક થયા હતા.


