લંડનઃ SGVP (સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્) ગુરુકુલ પરિવારના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી લંડન ખાતે નવ નવેમ્બર - રવિવારના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ વર્ષે શાકોત્સવની ‘Celebration of Hinduism’ થીમ સાથે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. શાકોત્સવ દરમિયાન યોજાયેલી સત્સંગ સભામાં સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની અધ્યક્ષતામાં ચાલી રહેલા વિશ્વસ્તરીય ‘સર્વજીવહિતાવહ’ સત્કાર્યોનું ઓડિયો વિઝયુઅલના માધ્યમથી દર્શન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વીડિયો આશીર્વાદ પાઠવતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘લોયાના ગામધણી દરબાર સુરા ખાચરના ભાવને વશ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયા, નાગડકા વગેરે વિસ્તારના ખેડૂતોને ન્યાલ કરવા માટે આજથી 200 વર્ષ પહેલા સૌ પ્રથમવાર શાકોત્સવ ઉજવ્યો હતો.’ વર્તમાન સમસ્યાઓનું સમાધાન જણાવતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ વિશેષમાં જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં ધન અને ધાન્યની બહુ મોટી સમસ્યા નથી. વર્તમાન સમયમાં ‘મનની શાંતિ’ મોટી સમસ્યા છે. ક્યારેય ન સાંભળ્યા હોય તેવા મનોરોગ માનવીને ઘેરી રહ્યા છે. આ મનોરોગથી મુક્ત રહેવા માટે વૈજ્ઞાનિકો સલાહ આપે છે કે, વ્યક્તિએ સમૂહમાં રહેવું જોઈએ, સમૂહમાં ગીતોનું ગાન કરવું જોઈએ, સમૂહમાં નાચવું જોઈએ અને કોઈ સારા કાઉન્સિલરની સલાહ લેવી જોઈએ.
જ્યારે આવા મનોરોગ આપણને ક્યારેય ઘેરી ન વળે તેના માટે આપણા ઋષિમુનિઓ અને સાધુસંતો સલાહ આપે છે કે, સમૂહમાં બેસીને સત્સંગ કરો, સત્સંગથી મનને શાંતિ મળશે. સમૂહમાં ધૂન-ભજન કરો, સમૂહમાં પ્રાર્થના કરો. સમૂહમાં રાસ રમો, મહાપુરુષોના ચરણોમાં બેસીને સત્સંગ કરનારાને ક્યારેય મનોરોગ થતા જ નથી માટે સત્સંગ જેવું કાઉન્સેલીંગ ક્યાંય થતું નથી.’ આ પ્રસંગે SGVP ગુરુકુલની શાખા SGVP દ્રોણેશ્વર ખાતે વિનામૂલ્યે અભ્યાસ કરનારી કન્યાઓ માટે વિદ્યાસહાય કરનારા યજમાનો તથા સ્વયંસેવકોને અભિનંદન પાઠવતા સ્વામીશ્રીએ પોતાના હૃદયની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. વાત્સલ્યમૂર્તિ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ વીડિયો આશીર્વાદ દરમિયાન આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
SGVP ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલક સ્વામીશ્રી રામસુખદાસજીએ સંતાનોને સુસંસ્કૃત કરવા તથા હિંદુ સંસ્કૃતિનો અભ્યાસ કરાવવા વાલીઓને ભલામણ કરી હતી. શાકોત્સવના ભાગરૂપે સાધુ ભક્તિવેદાંતદાસે ‘Celebration of Hinduism’ વિષયને આધારે મનનીય પ્રવચન કર્યું હતું. સ્વામી શ્રુતિવલ્લભદાસજી તથા સ્વામી દિવ્યસાગરદાસજીએ શાકોત્સવને શોભાવવા માટે સ્વયંસેવકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
શાકોત્સવનો આનંદ માણવા માટે લંડન ઉપરાંત વિવિધ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ વિસ્તારના કાઉન્સિલરો, શશીભાઈ વેકરીયા (ડાયરેક્ટર, વાસ્ક્રોફ્ટ કોન્ટ્રાક્ટર્સ), માવજીભાઈ વરસાણી (પ્રમુખશ્, કચ્છી લેવા પટેલ સમાજ), આર.પી. પટેલ (પ્રમુખશ્, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન) તેમજ જલારામ મંદિર, એશિયન ફાઉન્ડેશન, બાગેશ્વરધામ – યુકે વગેરે સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત ખાસ રહ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર-યુકેના ટ્રસ્ટી રવજીભાઈ હિરાણી, ગોવિંદભાઈ કેરાઈ, ગોવિંદભાઈ રાઘવાણીના માર્ગદર્શન અનુસાર મહેશ વોરા, દિનેશ જાદવા વગેરે સહિતના મોટી સંખ્યામાં સ્વયંસેવક ભાઈ-બહેનોએ શાકોત્સવને શોભાવવા માટે ખૂબ જ સુંદર તૈયારીઓ કરી હતી. સભાને અંતે ભક્તજનોએ પ્રસાદ આરોગીને શાકોત્સવનો આનંદ માણ્યો હતો.


