લંડનઃ લોર્ડ સ્વરાજ પૌલે બીજી જુલાઇએ લંડન ઝૂમાં તેમના સ્વ. પત્ની લેડી અરુણા પૌલની સ્મૃતિમાં નવનિર્મિત સ્મારકનું અનાવરણ કર્યું હતું. આ અવસરે તેમણે યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનમાં લેડી પૌલની સ્મૃતિમાં નિર્માણ પામનારા નવા બિલ્ડીંગ માટે એક મિલિયન પાઉન્ડનું ડોનેશન જાહેર કર્યું હતું.
લેડી પૌલનું નવું સ્મારક તેમનાં સ્વ. પુત્રી અંબિકા પૌલની સ્મૃતિમાં બનાવાયેલા આઇકોનિક ફાઉન્ટેનની એકદમ નજીક બનાવવામાં આવ્યું છે. અંબિકાનું નિધન 1968માં માત્ર ચાર વર્ષની વયે લ્યુકેમિયાની બીમારીથી થયું હતું. લેડી પૌલે 86 વર્ષની વયે ગયા વર્ષે મે મહિનામાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
લોર્ડ પૌલે કહ્યું હતું કે હું એ જાહેર કરતાં અત્યંત આનંદની લાગણી અનુભવું છું કે અરુણાના જીવન અને સિદ્ધિઓને બિરદાવવા યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટને તેમની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના બિલ્ડીંગને લેડી અરુણા સ્વરાજ પૌલ નામકરણ કરવાનો નિર્ણય કર્યો છે.


