લંડનના ટ્રોકાડેરોમાં મસ્જિદ નિર્માણની યોજનાનો વિરોધ

Wednesday 27th May 2020 00:47 EDT
 
 

લંડનઃ મુસ્લિમોને એજ્યુકેશનલ ગ્રાન્ટ્સ અને સ્કોલરશિપ આપતી ચેરિટી અઝીઝ ફાઉન્ડેશન દ્વારા લંડનના પિકાડેલી સર્કસ વિસ્તારમાં ઐતિહાસિક ટ્રોકાડેરો બિલ્ડિંગના એક હિસ્સાને મસ્જિદ અને કોમ્યુનિટી સેન્ટરમાં ફેરવવાની યોજના મૂકી છે જેનું સમર્થન અને ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. લંડનનો આ વિસ્તાર તેના બાર્સ અને નાઈટલાઈફ માટે પ્રખ્યાત છે અને આવા સ્થળે ધર્મસ્થાન યોગ્ય ન ગણાય તેવી દલીલ કરાઈ છે.

ચેરિટી અઝીઝ ફાઉન્ડેશને ટ્રોકાડેરો બિલ્ડિંગના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરને ધર્મસ્થાન અને કોમ્યુનિટી સેન્ટરમાં ફેરવવાની પરવાનગી માટે વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલને અરજી કરી છે. ટ્રોકાડેરો બિલ્ડિંગની માલિકી લંડન અને સાઉથ ઈસ્ટમાં ૨ બિલિયન પાઉન્ડનો પોર્ટફોલિયો ધરાવતી ક્રાઈટેરિઓન કેપિટલના ચીફ એક્ઝિક્યુટિવ આસિફ અઝીઝ હસ્તક છે. અઝીઝે ૨૦૧૫માં અઝીઝ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર મસ્જિદના પ્રસ્તાવથી વેસ્ટ એન્ડ રહેતા અને કામ કરતા મુસ્લિમ સમુદાયની સેવા થશે તેમજ તમામ ધર્મના લોકો માટે કોમ્યુનિટી સ્પેસ પૂરી પડાશે. હાલ વેસ્ટ એન્ડમાં મુસ્લિમો માટે બંદગી કરવા પૂરી ક્ષમતાની વ્યવસ્થા નથી તેમજ મહિલાઓ માટે પણ બંદગીની જગ્યા ન હોવાથી આ જગ્યાની જરુર હોવાનું જણાવાયું છે.

ટ્રોકાડેરો બિલ્ડિંગનું બેઝમેન્ટ ૨૦૦૫થી ખાલી છે. પ્રાર્થના-બંદગીની જગ્યા સપ્તાહમાં સવારે ૧૧થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલ્લી રહેશે અને તેમાં શુક્રવારની નમાજ સિવાય ૧૦૦થી ઓછાં લોકો હાજર રહેવાની ધારણા છે. શુક્રવારની નમાજમાં ૧,૦૦૦ લોકોની ક્ષમતા પૂર્ણ રહી શકે છે.

અનામી વ્હાઈટ નેશનાલિસ્ટ વ્લોગર ‘ધ આઈકોનોક્લાસ્ટ’ દ્વારા મૂકાયેલા એક વીડિયોમાં લોકોને આ મસ્જિદ પ્લાનનો વિરોધ કરવા જણાવાયું છે. આ પછી વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલ સમક્ષ વિરોધને પ્રવાહ વધ્યો છે. લોકોએ દેશના ઈતિહાસમાં સંસ્કૃતિ અને આનંદપ્રમોદનું સ્થળ બની રહેલા વિસ્તારમાં મસ્જિદ બંધબેસતી ઈમારત ન હોવાનું જણાવ્યું છે. અહીં અન્ય કોઈ ધર્મસ્થાન નથી અને મસ્જિદ બનાવવાથી આ વિસ્તારની લાક્ષણિકતા ઓળખાય તેવી રહેશે નહિ તેવી દલીલો પણ કરાઈ છે.

આ દરખાસ્ત પર વેસ્ટમિન્સ્ટર કાઉન્સિલનો પરામર્શ ૨૮મેએ બંધ થાય છે અને વર્ષના અંત સુધીમાં નિર્ણયની ધારણા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter