લંડનની પરિણીતાની ફરિયાદઃ પતિએ બીજા લગ્ન કરી છૂટાછેડા લીધા, હવે ત્રીજીના ચક્કરમાં

Wednesday 17th January 2018 06:35 EST
 

અમદાવાદ, લંડનઃ મૂળ ગુજરાતી મહિલા પ્રીતિ હિમાંશુભાઈ ચૌહાણે તેના પતિ હિમાંશુ ચૌહાણે તેની સાથે માત્ર લંડનના વિઝા માટે લગ્ન કર્યા હોવાની ફરિયાદ અમદાવાદ મહિલા પોલીસમથકમાં કરી છે. બન્ને અલગ થયા તે પહેલા જ તેના પતિએ લંડનથી અમદાવાદ આવીને બીજા લગ્ન કર્યાં અને તે મહિલાને છૂટાછેડા આપીને હવે સુરતની અન્ય મહિલા સાથે લગ્નના ચક્કરમાં છે. લંડનમાં રહેતી બિનનિવાસી મહિલાએ આક્ષેપ કર્યો કર્યો છે કે, તેના છૂટાછેડાનો કેસ હજુ લંડનની કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેનો પતિ અમદાવાદ આવી ગયો છે.

લંડનમાં સેન્ટ જેમ્સ કોર્ટ નજીક રહેતી અને ત્યાંની જ એક હોસ્પિટલમાં કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતી પ્રીતિ હિમાંશુભાઈ ચૌહાણ (ઉ.૩૭)એ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે, તેમનાં પ્રથમ લગ્ન ૨૦૦૬માં થયાં હતાં અને તે જ વર્ષે તેણે છૂટાછેડા પણ લઈ લીધાં હતા. આ પછી ૨૦૦૭માં તેમનાં લગ્ન અમદાવાદના ગોરના કુવા પાસે ભગવત પાર્કમાં રહેતા હિમાંશુ ચૌહાણ સાથે થયાં હતાં. લગ્નનાં થોડાક જ મહિનામાં પ્રિતી ચૌહાણ સ્ટુડન્ટ વિઝા પર લંડન ગઈ અને સાથે પતિને પણ કેર ટેકર તરીકેના વિઝા મળ્યા હતા. બન્ને લંડનમાં સ્થાયી થયાના થોડા જ સમયમાં તેનો પતિ તેને ત્રાસ આપવા લાગ્યો હતો. ૨૦૧૪માં તેના સાસુ પણ થોડા સમય માટે લંડન આવ્યાં અને તે પણ તેને ત્રાસ આપવાં લાગ્યાં હતાં.

દરમિયાન ૨૦૧૭માં હિમાંશુ ચૌહાણને લંડનના કાયમી વિઝા મળી ગયા હતા. કાયમી વિઝા મળતા જ તેણે પ્રીતિબહેનને કહ્યું કે, તારી સાથે તો વિઝા માટે જ લગ્ન કર્યા હતા. આમ કહી તે લંડનમાં અલગ રહેવા લાગ્યા અને સ્થાનિક કોર્ટમાં ડિવોર્સ માટેનો કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન, પ્રીતિબહેનને જાણવા મળ્યું હતું કે, તેમના પતિએ વર્ષ ૨૦૧૨માં અમદાવાદના ચાંદલોડીયાની વૈશાલી નામની યુવતી સાથે એસ. જી. હાઈવેના પાર્ટી પ્લોટમાં લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ થોડા વર્ષમાં જ વૈશાલીથી છૂટાછેડા લઈને તે હાલ સુરતની એક યુવતી સાથે લગ્ન કરવાની ફિરાકમાં છે.

મહિલા પોલીસે હિમાંશુ ચૌહાણ અને તેની માતા હંસાબહેન ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter