લંડનઃ ભારતીય વિદ્યા ભવન ખાતે ડો. સુપ્રિયા દૂધાલ દ્વારા આયોજીત આર્ટ એલિમેન્ટ્સ, ગ્રૂપ પેન્ટિંગ્સ ઈન્ટરનેશનલ શોનું આયોજન કરાયું હતું. સોમવાર તા.૨૭ સુધી યોજાયેલા આ પ્રદર્શન શનિવાર ૨૫ ઓગસ્ટે ખૂલ્લું મૂકાયું હતું. ગ્રૂપ શોમાં દુનિયાના ૧૮ આર્ટિસ્ટના પેન્ટિંગ પ્રદર્શિત કરાયા હતા. તેમાં લંડનના ૯, ભારતના વિવિધ વિસ્તારોના ૮ અને મલેશિયાના એક આર્ટિસ્ટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે જાણીતા રોબોટિક સર્જન ડો. સુબોધ કાંબલેના હસ્તે કેક કાપીને NHS ની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.
માત્ર ૫૭ દિવસમાં ૩૨ દેશમાં સોલો કાર ડ્રાઈવ કરનારા વિશ્વના પ્રથમ મહિલા ભારુલતા પટેલ-કાંબલે, જાણીતા બ્રિટિશ એક્ટર અને માર્શલ આર્ટિસ્ટ તથા કાર્યક્રમના મુખ્ય અતિથિ જહોન કેરિગન, રગ્બીના ભૂતપૂર્વ મેયર રમેશ શ્રીવાસ્તવ, મેટ્રોપોલિટન પોલીસ હિંદુ એસોસિએશનના ચેરમેન સત્યા મિન્હાસ, મેટ્રોપોલિટન પોલીસ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વર્ષા મિસ્ત્રી અને ક્વિન એલિઝાબેથ દ્વિતીય દ્વારા સન્માનિત રંજુલા મદાણીએ પેન્ટિંગના પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું.
ડો. સુપ્રિયા દુધાલે વિવિધ સંસ્કૃતિ અને દેશોના કલાકારોને તક પૂરી પાડવા અને તેમની પ્રતિભા દર્શાવવા માટે ગ્રૂપ શોનું આયોજન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન મુલાકાતીઓને કળાને માણવા અને સમજવાની તેમજ કલાકારો સાથે ચર્ચાની તક મળી હતી. તે દરમિયાન વર્કશોપ અને પોસ્ટર કોમ્પિટિશનનું પણ આયોજન કરાયું હતું. વિજેતાઓેનું લંડનના સિનિયર આર્ટિસ્ટ સુનિતા ખેડેકરના હસ્તે ઈનામ આપીને સન્માન કરાયું હતું.
લીમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનારા નહેરુ સેન્ટર, લંડન ખાતે ગયા મેમાં અને જૂનમાં ફ્રાંસમાં સફળ સોલો એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું.


