લંડનઃ પેન્સિલથી તૈયાર કરાયેલી ગાંધીજીની દુર્લભ તસવીર અને શરદચંદ્ર બોઝના પરિવારને ગાંધીજીએ લખેલા પત્રોની ૧૧મી જુલાઈએ ઓક્શનર કંપની સોથબી દ્વારા હરાજી યોજાશે. સોથેબીના અંદાજ મુજબ આ ચિત્રના ૮,૦૦૦થી ૧૨,૦૦૦ પાઉન્ડ જ્યારે બધા પત્રોના ૨૩,૦૦૦થી ૩૩,૦૦૦ પાઉન્ડ ઉપજશે.
૧૯૩૧માં રાષ્ટ્રપિતા ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડનમાં હતા તે વખતે વિખ્યાત બ્રિટિશ ચિત્રકાર જ્હોન હેનરી એમ્શેવિટ્સે બાપુ લખતા હોય તેવું એક પેન્સિલ ચિત્ર તૈયાર કર્યું હતું. પેન્સિલથી બનેલું હોય એવું આ ચિત્ર દુર્લભ છે. આ પોટ્રેટ પર ગાંધીજીએ તેમના હસ્તાક્ષર કરી આપ્યા હતા અને લખ્યું હતું ‘ ટ્રુથ ઈઝ ગોડ’. મુલાકાત દરમિયાન ગાંધીજી મુરિયલ લેસ્ટરના આમંત્રણથી લંડનના ઈસ્ટ એન્ડમાં કિંગ્સ્લે હોલ ખાતે રહેતા હતા. અગાઉ મુરિયલ ભારતમાં ગાંધીજીના આશ્રમમાં રહ્યા હતા.
હરાજીમાં બીજી આકર્ષણની બાબત ગાંધીજીએ તેમની હત્યા થઈ તેના થોડા મહિના અગાઉ સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ અને આઝાદીના લડવૈયા શરદ ચંદ્ર બોઝને બંગાળના ભાગલા બાબતે લખેલા પત્રો છે. ગાંધીજીએ તેમાં બંગાળની એકતા જાળવી રાખવા માટેના શરદચંદ્રના સંઘર્ષની વાત કરી હતી. ગાંધીજીએ તેમને સંઘર્ષનો અંત લાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ગાંધીજીએ બોઝ પરિવાર પ્રત્યે સ્નેહ અને આદર વ્યક્ત કરતા પત્રો પણ લખ્યા હતા તેની પણ હરાજી થશે.


