લંડનઃ વીકએન્ડના દિવસોમાં લંડનમાં છુરાબાજીની અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ૧૪ વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે કોલ્સડોન, સ્ટ્રેધામ, ચિઝલહર્સ્ટ, પિમલિકો અને હેરોમાં છુરાબાજીની ઘટનાઓ નોંધી હતી. પોલીસે ૨૨ વર્ષના બે યુવાનોના મોત પછી ક્રોયડન અને કિલ્બર્નમાં હત્યાની તપાસ આરંભી હતી. કેપિટલમાં વધુ પોલીસ અધિકારીઓ ગોઠવી દેવાયા હતા. મૃતકોના નામ જાહેર કરાયા નથી.
શુક્રવારની રાત્રે સાઉથ લંડનના ક્રોયડનમાં વિઝબીચ રોડ, થોર્ન્ટન હીથના ફ્લેટ્સના બ્લોકમાં ૨૨ વર્ષના યુવાનની છરાબાજીમાં હત્યા અને બે વ્યક્તિને ઈજા પછી હિંસાનું તાંડવ શરુ થયું હતું. ૫ ફેબ્રુઆરી શુક્રવારે સાંજના ૬.૫૬ અને રાત્રિના ૯.૧૨ કલાકના ગાળામાં કુલ ૯ વ્યક્તિ છુરાબાજીની ઘટનાઓમાં ઈજા પામી હતી. આ ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી ન હોવાનું મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું. આ ઘટનાઓ કોઈની ધરપકડ કરાઈ નથી.
આ ઉપરાંત, શનિવાર ૬ ફેબ્રુઆરીની રાત્રે કિલ્બર્નમાં છુરાબાજીની ઘટનામાં પુરુષોના જૂથથી નાસી છૂટેલા ૨૨ વર્ષના સ્વેન બાડઝાકને ગંભીર ઈજા પહોંચી હતી. તેને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સ્વેન અને તેના મિત્રને પુરુષોના જૂથ સાથે બોલાચાલી થઈ હોવાનું મનાય છે. બે મિત્રો નાસી છૂટ્યા હતા પરંતુ, સ્વેન નીચે પડી ગયા પછી હુમલાખોરોએ તેને માર્યો હતો. સ્વેનના મિત્રે કોઈ દુકાનમાં આશરો લીધો હતો. તેને પણ ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

