લંડનઃ ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ ઉપરાંત બીવીએમના પ્રિન્સિપાલ ડો. ઈંદ્રજીત એન. પટેલ તેમજ અવિનાશભાઈ પટેલ, ભૈરવભાઈ ત્રિવેદી, રાજેશ જૈન સહિતના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ પટેલે સ્નેહમિલનના સફળ આયોજનને બિરદાવતા ભરપૂર પ્રશંસા કરી હતી. તેમણે બીવીએમ સાથે ચારુતર વિદ્યામંડળની ભગિની સંસ્થાઓને સાથે રાખી યુકે અને યુરોપમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે સૌને પ્રેરિત કર્યા હતા, જેથી દરેક સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો એકબીજા સાથે પરિચય કેળવાય તેમજ વલ્લભ વિદ્યાનગરના સર્વાંગી વિકાસ માટે વ્યાપક સ્તરે કામગીરી થઇ શકે.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઈંદ્રજિત એન. પટેલે સંસ્થાના ઇતિહાસની યાદ તાજી કરતાં કહ્યું બીવીએમની સ્થાપના 14 જૂન 1948ના રોજ લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને શ્રી ઘનશ્યામદાસજી બિરલાના યોગદાનથી થઈ છે જ્યારે તેના ઉદ્ઘાટન પ્રસંગે લોર્ડ માઉન્ટ બેટન ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય ધરતી એવી વલ્લભ વિદ્યાનગરમાં એન્જિનિયરિંગ કોલેજના પાયા નાખીને જેમણે અવિરત શિક્ષણયજ્ઞની શરૂઆત કરી એવા ઋષિસમાન પૂ. ભાઇકાકા અને ભીખાભાઇને સહર્ષ યાદ કરીએ. સમયાંતરે આ શિક્ષણ યજ્ઞને બોર્ડ ઓફ ગવર્નન્સના ચેરમેન મોરારજીભાઇ દેસાઈ, શ્રી જી.વી. માવલંકર, ડો. એચ.એમ. પટેલ, ડો. સી.એલ. પટેલ અને હાલના અધ્યક્ષ ભીખુભાઈ પટેલે આગળ ધપાવ્યો છે. ડો. પટેલે બીવીએમના સ્થાપના વર્ષ 1948થી 2025 સુધીનો ઇતિહાસ, વિકાસ ગાથા, સંસ્થાની ઉપલબ્ધિઓ, અમૃત મહોત્સવ પર્વ, નવીનીકરણ - આધુનિકીકરણની વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે આગામી સમયમાં યુકે અને યુરોપમાં બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્કિંગ મજબૂત બનાવીને બીવીએમના સર્વાંગી અને સાતત્યપૂર્ણ વિકાસમાં સહયોગી બનવા માટે તત્પરતા દર્શાવી હતી. તેમણે સ્થાપના કાળથી વર્તમાન સમય સુધીના સ્થાપકો, દાતાઓ તેમજ આ સ્નેહમિલનને સફળ બનાવનાર બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાજેશ જૈન, પંકિત શાહ, બાલુ પટેલ, દિલીપ પટેલ, જયના પટેલ, પ્રીતિ પટેલ તથા
અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા બીવીએમ એલ્યુમની એસોસિએશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
જ્યારે ટીમ યુકેએ બીવીએમના સર્વગ્રાહી વિકાસમાં અનુદાન આપવા અને વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થી આ સંગઠન સાથે જોડાય તે માટે નિયમિત નેટવર્કિંગ ઇવેન્ટ યોજવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
ઉલ્લેખનીય છે કે બીવીએમ પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનના ભાગરૂપે વર્ષ 2022માં યુએસએ તથા કેનેડા, ઓસ્ટ્રેલિયામાં બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.