લંડનઃ બ્રિટિશ રાજધાનીમાં નાઈફ કે છરાબાજીના અપરાધો વધતા રહ્યાં છે ત્યારે ચોંકાવનારી માહિતી એ જાહેર થઈ છે કે ગત બે વર્ષ દરમિયાન પોલીસમાં દરરોજ છરાબાજીથી સ્ટેબિંગ કે બ્લેડ મારવાની ૪૦ ઘટના નોંધાઈ છે. ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન અંતર્ગત વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮ દરમિયાન સરેરાશ દર ચાર દિવસે એક વ્યક્તિની છરો મારીને હત્યા કરાઈ હતી.
મેટ્રોપોલીટન પોલીસે આ બે વર્ષમાં કુલ ૨૯,૨૩૨ એટલે કે દિવસમાં સરેરાશ ૪૦ નાઈફ ઓફેન્સ નોંધ્યા હતા. આમ છતાં, આ બે વર્ષમાં માનવહત્યા અને સ્ટેબિંગની ઘટનાઓ ઘટી હોવાનો દાવો કરાયો છે. ૨૦૧૮માં ચાકુથી હુમલાનું પ્રમાણ ૫૦૦ જેટલું ઘટ્યું હતું. વર્ષ ૨૦૧૭માં સ્ટેબિંગની ઘટનાઓ ૪,૭૮૪ અને વર્ષ ૨૦૧૮માં ૪,૨૪૬ની રહી હતી. વર્ષ ૨૦૧૯ના સત્તાવાર આંકડા જાહેર કરાયા નથી પરંતુ, લંડનના મેયર સાદિક ખાન અનુસાર નોંધપાત્ર ઘટાડો થયો છે. બે વર્ષમાં લંડનના સધર્ક બરોમાં ચાકુના સૌથી વધુ અપરાધ ૧,૫૯૪ તેમજ ચાકુથી માનવહત્યાના ૧૭ કેસ થયા હતા. બક્સલીમાં સૌથી ઓછી ૩૩ ઘટના હતી અને ચાકુથી કોઈનું મોત નીપજ્યું ન હતું.
મેટ્રોપોલીટન પોલીસની પ્રવક્તાએ જણાવ્યું હતું કે પોલીસ દળ ટુંક સમયમાં તેના સત્તાવાર નાણાકીય વર્ષના અંતના આંકડા જાહેર કરશે. જોકે, ૨૦૧૭-૨૦૧૮ના ગાળા વચ્ચે લંડને હિંસામાં જે વધારો જોયો હતો તેના સ્થાને ચાવીરુપ વિસ્તારોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે.


