લંડનઃ લંડનસ્થિત ભારતીય મૂળની લેખિકા ચેતના મારૂની સૌપ્રથમ નવલકથા ‘વેસ્ટર્ન લેન’ને 2023ના બુકર પ્રાઈઝ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી. બ્રિટિશ ગુજરાતી વાતાવરણના સંદર્ભમાં કેન્યામાં જન્મેલા ચેતના મારૂની નવલકથાની જટિલ માનવ લાગણીઓના રૂપક તરીકે સ્ક્વોશની રમતનો ઉપયોગ કરવા બદલ બુકરના જજિસ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. મારૂની નવલકથામાં ગોપી નામની 11 વર્ષની છોકરી અને તેના પરિવાર સાથેના તેના સંબંધો આલેખવામાં આવ્યાં છે.
કેનેડિયન નવલકથાકાર અને જજિંગ પેનલના અધ્યક્ષ એસી એડ્યુજ્ઞાને જણાવ્યું હતું કે, મારૂની નવલકથા હતાશા સામે ઝઝૂમી રહેલા પરિવારની સ્થિતિને સ્ફટિકીય ભાષામાં અભિવ્યક્ત કરે છે.
ચેતના મારૂએ જણાવ્યું હતું કે, મારી નવલકથાને સ્પોર્ટ્સ નોવેલ કહેવી યોગ્ય ગણાશે. આ નવલકથા આવનારા યુગની, ઘરેલુ સ્થિતિ વર્ણવતી, ઇમિગ્રન્ટ્સના અનુભવની નવલકથા છે.


