લંડનઃ બ્રિટનમાં ડાઈવોર્સના પ્રમાણમાં ઊછાળો આવ્યો છે. વકીલોના કહેવા અનુસાર લગ્ન અગાઉ ભાવિ પતિ-પત્ની વચ્ચે કરારનું પ્રમાણ વધી ગયું છે, જેમાં ‘વફાદારીની શરતો’ સામેલ કરવામાં આવે છે, જેના પરિણામે જીવનસાથીઓ વધુ નાણા અથવા પ્રોપર્ટી લઈને લગ્નનાં બંધનમાંથી છૂટાં થવાનું પસંદ કરે છે.
અભ્યાસ અનુસાર પત્નીઓ ડાઈવોર્સ લેતાં અગાઉ લગભગ પાંચ વર્ષનો પેનલ્ટી પીરિયડ પૂરો થાય તેની રાહ જુએ છે. જ્યારે નાખુશ પતિઓ આ સમયગાળા અગાઉ જ છૂટાં થવાનું પસંદ કરે છે જેથી પત્નીઓને વધુ નાણા આપવા પડે નહિ. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૦૩થી ૨૦૧૫ના ગાળામાં ડાઈવોર્સનું પ્રમાણ ઘટવાનું વલણ હતું પરંતુ, ૨૦૧૬માં સંખ્યા ૭,૦૦૦ના વધારા સાથે ૧૦૬,૯૫૯એ પહોંચી હતી.
પ્રીન્યુપીટલ અથવા પ્રીનપ કરારમાં પતિ અને પત્ની ચોક્કસ સમય, જે સામાન્યપણે પાંચ વર્ષનો રખાય છે, સાથે રહે તો પત્નીને દંપતીની સંપત્તિમાં વધુ હિસ્સો મળે તેવી વફાદારીની જોગવાઈઓ રાખવામાં આવે છે. હોલ બ્રાઉન ફેમિલી લો ફર્મના વિશ્લેષણ મુજબ લગ્નથી અસંતુષ્ટ પત્નીઓ તેમના ધનવાન પતિઓ પાસે ડાઈવોર્સ માગે તે અગાઉ પાંચ વર્ષના પેનલ્ટી ગાળા સુધી રાહ જોવાનું પસંદ કરે છે. બીજી તરફ, નાખુશ પતિઓ કોર્ટ દ્વારા સંપત્તિનું વિભાજન થાય તે સમયે પોતાની પ્રોપર્ટીનું રક્ષણ કરવા અને પત્નીને વધુ ભાગ આપવો ન પડે તે માટે પાંચ વર્ષ અગાઉ જ ડાઈવોર્સ પ્રક્રિયા આરંભે છે.
આમ તો, લગ્નકરારમાં વફાદારીની શરતો બંને સાથીને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સામેલ કરવામાં આવે છે પરંતુ, તેનો દુરુપયોગ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૦માં જર્મન વારસદાર પત્ની કેટરિન રેડમેકરના કેસમાં આપેલા ચુકાદા સાથે બ્રિટિશ કાયદામાં પ્રીનપ કરારનો સમાવેશ કરાયો હતો. ફાઈનાન્સિયર નિકોલસ ગ્રેનાટિનોથી ડાઈવોર્સના કેસમાં મિસ રેડમેકરની ૧૦૦ મિલિયન પાઉન્ડની સંપત્તિનું રક્ષણ કરવા માટેના પ્રીનપ કરારને ધ્યાનમાં લેવાયો હતો. આ પછી આ કરારનું પ્રમાણ વધી ગયું છે.


