લગ્ન માટે લઘુતમ વય ૧૮ કરવાનું બિલ રજૂ

Friday 14th September 2018 07:19 EDT
 
 

લંડનઃ બળજબરીથી કરાવાતાં લગ્ન અટકાવવા માટે લઘુતમ વય ૧૮ કરવાનું ખાનગી બિલ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરાયું છે. વર્તમાન કાયદો માતાપિતાની સંમતિ સાથે ૧૬ અથવા ૧૭ વર્ષના બાળકોને લગ્ન કરવાની છૂટ આપે છે. યુકેમાં ગયા વર્ષે લગભગ સંભવિત ૧૨,૦૦૦ લગ્ન બળજબરીથી કરાવાયાં હોવાનું કહેવાય છે, જેમાંના ૨૫ ટકાથી વધુ લગ્ન ૧૮ વર્ષથી નીચેના બાળકોના હોવાનું મનાય છે.

ઈક્વલિટીઝ મિનિસ્ટર બેરોનેસ વિલિયમ્સે લોર્ડ્સ ગૃહ સમક્ષ જણાવ્યું હતું કે બળજબરીથી શોષણયુક્ત સંબંધોમાં ધકેલાતાં લોકોના રક્ષણ માટે લગ્નની લઘુતમ વય વધારીને ૧૮ વર્ષ થઈ શકે છે. સરકાર માતાપિતાની સંમતિ સાથે ૧૬ અથવા ૧૭ વર્ષના બાળકોને લગ્નની છૂટ આપતા કાયદાની સમીક્ષા કરવા માગે છે કે કેમ તેવા પ્રશ્નના ઉત્તરમાં બેરોનેસે જણાવ્યું હતું કે આ બાબતે ચોક્કસ વિચારાશે. પૂર્વ કન્ઝર્વેટિવ સેક્રેટરી પ્રીતિ પટેલ અને પૂર્વ શેડો ઈક્વલિટીઝ મિનિસ્ટર સારાહ ચેમ્પિયન સહિત બંને મુખ્ય રાજકીય પક્ષના સાંસદોએ બિલને ટેકો આપ્યો હતો.

હાઉસ ઓફ કોમન્સમાં ટોરી સાંસદ પૌલીન લેથામે લગ્નની કાનૂની વય ૧૮ વર્ષ કરવા માટે રજૂ કરેલા બિલની ચર્ચા કરાઈ હતી. ૧૦ મિ્નિટની ચર્ચા પછી તેને બીજા વાંચન માટે દાખલ કરાયું હતું. મિસ લેથામે જણાવ્યું હતું કે માતાપિતાની સંમતિ સલામતી બક્ષતી નથી. ઈચ્છા વિરુદ્ધ કોઈના લગ્ન કરાવવા તે ક્રિમિનલ ગુનો બને છે, જે માટે મહત્તમ સાત વર્ષની સજા થઈ શકે છે. મોટા ભાગે એશિયન કોમ્યુનિટીઝમાં માતાપિતાના દબાણ હેઠળ સગીર વયના સંતાનોને એશિયન દેશોમાં લઈ જઈ લગ્નો કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter