લાખો ઘર માટે વોટર અને એનર્જી બિલ્સ વધી જશે

Wednesday 13th February 2019 02:36 EST
 
 

લંડનઃ યુકેના લાખો ઘરને એપ્રિલ મહિનાથી વોટર અને એનર્જી બિલ્સમાં ભારે વધારો સહન કરવાનો આવશે. વોટર બિલ્સમાં સરેરાશ બે ટકાનો વધારો થશે, જે આઠથી ૪૧૫ પાઉન્ડનો હશે. આ જ રીતે ૧૧ મિલિયન ઘરને એનર્જી બિલ્સમાં સરેરાશ ૧૦૦ પાઉન્ડનો વધારો નડશે. એનર્જી ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટર Ofgem દ્વારા એનર્જી પ્રાઈસ કેપની સમીક્ષા કરવામાં આવી હતી.

અગાઉ થેરેસા સરકાર દ્વારા પહેલી જાન્યુઆરીએ સ્ટાન્ડર્ડ વેરીએબલ ટેરિફ્સ (SVTs) પરની મર્યાદા જાહેર કરવામાં આવી હતી અને એનર્જી કંપનીઓ દ્વારા શોષિત યુકેના લાખો પરિવારોને વાર્ષિક સરેરાશ ૭૬ પાઉન્ડની બચત થશે તેવો દાવો પણ કરાયો હતો. જોકે, રેગ્યુલેટર દ્વારા આ ટેરિફ્સની સમીક્ષા કરાયા પછી પહેલી એપ્રિલથી વાર્ષિક ૧૧૭થી ૧૨૫૪ પાઉન્ડ સુધીનો વધારો થશે તેમ જણાવાયું હતું.

લાખો ઘરને એપ્રિલ મહિનાથી વોટર બિલ્સમાં સરેરાશ બે ટકાનો વધારો સહન કરવાનો થશે જેના પરિણામે બિલ્સ ૪૧૫ પાઉન્ડ જેટલા વધી જશે. ઈન્ડસ્ટ્રીની સંસ્થા વોટર યુકેએ જણાવ્યું હતું કે પાણી અને સુએજના ભાવ પહેલી એપ્રિલથી વધશે, જે વાર્ષિક બિલમાં આઠ પાઉન્ડ વધારશે. સંસ્થાએ કહ્યું હતું કે બિલ્સમાં વધારો થશે પરંતુ, વાસ્તવિક રીતે પાણીના ભાવ ૨૦૧૫થી ૨૦૨૦ના ગાળામાં પાંચ ટકાથી નીચે ગયા છે. ધ કન્ઝ્યુમર કાઉન્સિલ ફોર વોટરના જણાવ્યા અનુસાર અન્ય વધતી લિવિંગ કોસ્ટ્સ સામે સંઘર્ષ કરી રહેલા પરિવારો માટે આવો કોઈ વધારો આવકાર્ય નહિ રહે. નાનો વધારો પણ ત્રણ મિલિયન પરિવારોને પીડા પહોંચાડશે.

બીજી તરફ, સરકારના એનર્જી ભાવવધારા સામે મર્યાદાથી સંભવિત રક્ષણ ધરાવતા ૧૧ મિલિયન પરિવારોએ વાર્ષિક ૧૦૦ પાઉન્ડનો ભાવવધારો સહન કરવો પડશે. ગ્રાહકોને સરેરાશ ૭૬ પાઉન્ડ અથવા કુલ એક બિલિયન પાઉન્ડની બચત થશે તેવા દાવા ખોટા પુરવાર થઈ રહ્યા છે. પ્રી પેમેન્ટ મીટર્સ સાથેના વધુ છ મિલિયન પરિવારોએ પણ વાર્ષિક ૧૦૬થી ૧૨૪૨ પાઉન્ડ સુધીનોઆવો જ ભાવવધારો સહન કરવાનો આવશે. Which?ના નિષ્ણાતોએ આ વધારાને આંખે પાણી લાવી દેનારો ગણાવ્યો હતો. Ofgemના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગેસ અને ઈલેક્ટ્રિસિટીના જથ્થાબંધ ભાવમાં ઘણો વધારો થયો હોવાથી આ સમીક્ષા થઈ છે તેનાથી પ્રોવાઈડર્સનો નફો વધવાનો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter