લાખો ડ્રાઈવર્સ સ્પીડના ગુનાની ભારે પેનલ્ટીના નિયમોથી અજાણ

Wednesday 26th April 2017 06:55 EDT
 
 

લંડનઃ અતિ ઝડપે કાર દોડાવતા ડ્રાઈવરો પર ભારે પેનલ્ટી લાદવાની નવી સત્તાનો અમલ ૨૪ એપ્રિલથી શરૂ થઈ ગયો છે પરંતુ, લાખો ડ્રાઈવર્સ તેનાથી અજાણ છે. નવા કડક નિયમો હેઠળ સ્પીડભંગના અતિ ગંભીર કેસમાં ડ્રાઈવરે તેમની સાપ્તાહિક ટેઈક-હોમ કમાણીના દોઢ ગણો દંડ ભરવાનો થશે. સામાન્ય કેસમાં વાર્ષિક કમાણી ૫૦,૦૦૦ પાઉન્ડ હશે તેને ૧,૦૦૦ પાઉન્ડનો દંડ ભરવો પડી શકે. ૮૪ ટકા વાહનચાલકોએ કહ્યું હતું કે તેઓ દંડના નિયમોથી અજાણ છે.

સેન્ટન્સિંગ કાઉન્સિલ દ્વારા નિશ્ચિત કરાયેલા નવા નિયમો હેઠળ મેજિસ્ટ્રેટને મોટરચાલકોને તેમની સાપ્તાહિક ટેઈક-અવે કમાણીના ૧૫૦ ટકા સુધી દંડ કરવાની સત્તા મળશે. અત્યાર સુધી ૧૦૦ ટકા દંડ કરી શકાતો હતો. મોટરવે પર અતિ ઝડપે વાહન ચલાવવા સબબે ૨૫૦૦ પાઉન્ડ સુધી જ્યારે અન્ય માર્ગો માટે ૧,૦૦૦ પાઉન્ડનો દંડ કરી શકાશે. સ્પીડના નાના ગુનાઓ માટે ગુનેગારની સાપ્તાહિક કમાણીના ૫૦ ટકા સુધી પેનલ્ટી લાદી શકાશે. બેન્ડ-એના ગુનાઓ માટે લાયસન્સ પર ત્રણ પોઈન્ટ આવશે, જ્યારે બેન્ડ-બીના ગુનાઓ માટે ૭થી ૨૮ દિવસનું ડિસ્ક્વોલિફિકેશન અથવા લાયસન્સ પર ૪-૬ પોઈન્ટ તેમજ બેન્ડ-સીના ગુનાઓ માટે ૭થી ૫૬ દિવસનું ડિસ્ક્વોલિફિકેશન અથવા લાયસન્સ પર ૬ પોઈન્ટ મૂકવામાં આવશે.

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૫માં સ્પીડના ગુનાઓ માટે ૧૬૬,૬૯૫ લોકોને સજા તેમજ ૧૬૬,૨૧૬ લોકોને દંડ કરાયો હતો. સરેરાશ દંડ ૧૮૮ પાઉન્ડનો હતો, જ્યારે બે વ્યક્તિને જેલમાં મોકલાયા હતા. ઈયુ કાયદાની સરખામણીએ બ્રિટનમાં વાહન કાયદા હળવાં છે.

------------------------------------------------

સ્પીડ લિમીટ  બેન્ડ એ   બેન્ડ બી      બેન્ડ સી

(MPH)

૨૦          ૨૧-૩૦      ૩૧-૪૦     ૪૧અને વધુ

૩૦          ૩૧-૪૦      ૪૧-૫૦   ૫૧અને વધુ

૪૦         ૪૧-૫૫      ૫૬-૬૫    ૬૬અને વધુ

૫૦         ૫૧-૬૫       ૬૬-૭૫      ૭૬અને વધુ

૬૦         ૬૧-૮૦       ૮૧-૯૦    ૯૧અને વધુ

૭૦         ૭૧-૯૦      ૯૧-૧૦૦   ૧૦૧અને વધુ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter