લાખો પેન્શનર્સને ઓછી ચૂકવણી

Wednesday 26th January 2022 05:06 EST
 
 

લંડનઃ યુકેની સરકારી પેન્શન યોજનાઓ તેના હેતુઓ સિદ્ધ કરી શકી ન હોવાનું પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)ના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે. લાખો પેન્શનર્સને ઓછી ચૂકવણી થતી હોવાનું પણ સંસદીય સમિતિએ જણાવ્યું છે. આવા પેન્શનર્સને શોધી કાઢી તેમને સરેરાશ ૮,૯૦૦ પાઉન્ડની ચૂકવણી કરવાની થશે.

આશરે ૧૨.૪ મિલિયન લોકોને સરકારી પેન્શન ચૂકવવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક્સ એન્ડ પેન્શન્સ (DWP) દ્વારા ગત સપ્ટેમ્બરમાં જણાવાયું હતું કે બહુમતી મહિલાઓ સહિત ૧૩૪,૦૦૦ પેન્શનર્સને તેમની લાયકાત કરતાં ઓછું સરકારી પેન્શન ચૂકવાયાનો અંદાજ છે જેની કુલ રકમ એક બિલિયન પાઉન્ડથી પણ વધુ થતી હતી. ૧૩૪,૦૦૦ પેન્શનર્સમાંથી અંદાજે ૯૪,૦૦૦ પેન્શનર જીવતા હોવાનું મનાય છે.

નેશનલ ઓડિટ ઓફિસે પણ જણાવ્યું હતું કે સરકારી પેન્શનરોને જટિલ નિયમો અને આઉટડેટેડ IT સિસ્ટમ્સના કારણે લાંબા સમયથી અને કેટલાક કેસીસમાં ૧૯૮૫થી ઓછી રકમો ચૂકવાય છે. PACની તપાસમાં જણાયું હતું કે ઓછીિ ચૂકવાયેલી રકમો એક પેન્સથી ૧૨૮,૦૦૦ પાઉન્ડ વચ્ચેની હતી. ફેબ્રુઆરી ૨૦૨૧માં ધ ગાર્ડિયનમાં ૭૯ વર્ષના એન્જેલા જેનરનો કિસ્સો જાહેર કરાયો હતો જેમને માત્ર સાપ્તાહિક ૮૬ પેન્સનું સરકારી પેન્શન મળતું હતું પરંતુ, ક્લેઈમ કર્યાં પછી પેન્શન વધારીને સાપ્તાહિક ૮૦.૪૫ પાઉન્ડ કરાયું હતું.. તેમને સરકાર પાસેથી પેન્શન તરીકે ૪૨,૭૦૦ પાઉન્ડ લેણાં નીકળ્યાં હતા. આવા ઘણાં કિસ્સા નજરમાં આવ્યા હતા.

હવે DWP ૨૦૧૮થી તેની ભૂલ સુધારી રહેલ છે અને તેનો બોજ કરદાતાઓના શિરે આવશે કારણકે ૨૦૨૩ના અંત સુધીમાં ભૂલસુધાર સ્ટાફ પાછળનો ખર્ચ ૨૪ મિલિયન પાઉન્ડ થવાનો અંદાજ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter