લંડનઃ લાખો બ્રિટિશ પરિવારો આરોગ્યપ્રદ કે પોષણયુક્ત ખોરાક પોસાતો નથી. ખોરાકી ગરીબી સામે કાર્યવાહીના અભાવે ઘણા બાળકોએ ખરાબ આરોગ્ય સાથે જીવન જીવવું પડે છે. જે ડાયેટની ભલામણ કરાય છે તે ઘણા પરિવારો માટે ઘણું ખર્ચાળ રહે છે. આના સામે, બિનઆરોગ્યપ્રદ ખોરાક સસ્તો હોવાં સાથે ખરીદવામાં સરળ રહે છે પરંતુ, તેનાથી મેદસ્વિતાને ઉત્તેજન મળે છે. સમગ્ર યુરોપમાં બ્રિટિશરો સૌથી વધુ પ્રોસેસ્ડ ફૂડ ખાય છે.
હાઉસ ઓફ લોર્ડ્સની ફૂડ, પોવર્ટી, હેલ્થ એન્ડ એન્વિરોન્મેન્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે લાખો બ્રિટિશ પરિવારોને આરોગ્યપ્રદ ખોરાક ખાવાનું પોસાતું નથી અને તેમના બાળકોએ ખરાબ આરોગ્યનું જીવન જીવવું પડે છે. યુકે દ્વારા જે રીતે ખોરાકનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ કરાય છે તે આરોગ્યપ્રદ આહાર માટે અવરોધ છે અને ગરીબ બાળકોને સૌથી વધુ સહન કરવું પડે છે. રિપોર્ટ અનુસાર જે આહાર લેવાની ભલામણ કરાય છે તે ભારે ખર્ચાળ હોય છે. સિસ્ટમની ખરાબી, સમય અને નાણાની તંગી અનુભવતા પરિવારોને સસ્તાં અને સહેલાઈથી પ્રાપ્ત બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવા મજબૂર કરે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે યુરોપમાં સૌથી વધુ બ્રિટિશરો ક્રિસ્પ્સ, બેકન અને તૈયાર ભોજન સહિત ભારે પ્રોસેસ કરાયેલો ખોરાક ઉપયોગમાં લે છે અને પરિણામે તેમનું મેદસ્વિતા પ્રમાણ પણ સૌથી ઊંચું છે. યુકેમાં લગભગ બે તૃતીઆંશ વયસ્કો અને એક તૃતીઆંશ બાળકો ઓવરવેઈટ છે.
લોર્ડ્સ કમિટીએ ફૂડ પોવર્ટીનો મુદ્દો હલ કરવા તત્કાળ કાર્યવાહીની જરુર હોવાનું જણાવ્યું છે. યુકેમાં પાંચમાંથી એક વ્યક્તિ ગરીબીમાં જીવે છે. બ્રિટનના મોટા ભાગના પરિવારો પાસે પસંદગી રહેતી નથી. પૂરતી આવક ન હોવાથી તેમણે ભૂખ્યાં સુવું પડે અથવા બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવો પડે છે. કોરોના વાઈરસ મહામારીના કારણે ૨૦૦,૦૦૦થી વધુ બાળકો ગરીબીમાં ધકેલાયાં છે અને મોટા ભાગના ભૂખ્યાં રહે છે.