લાખો બ્રિટિશરોને સતાવી રહેલી ક્રિસમસ ઉજવણીના ખર્ચની ચિંતા

Saturday 08th December 2018 06:16 EST
 
 

લંડનઃ ક્રિસમસનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે લાખો બ્રિટિશરો ઉજવણીનો ખર્ચ કેવી રીતે કાઢવો તેની ચિંતામાં છે. એક અભ્યાસ અનુસાર પરિવારના સભ્યો અને મિત્રો માટે પ્રેઝન્ટ્સ, ખોરાક, ડ્રિન્ક્સ, મહેમાનોની આગતાસ્વાગતા, પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા પાછળ ૧,૦૮૬ પાઉન્ડનો ખર્ચ થવાનો અંદાજ છે. મોટા ભાગના લોકો ઉજવણીનો ખર્ચ કાઢવા માટે નાણા ઉધાર લેવાનું વિચારી રહ્યાં છે.

અભ્યાસમાં સંશોધકોએ ૨,૦૦૦ લોકોનો મત લીધો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ત્રણમાંથી એક વ્યક્તિ ઉજવણી માટે ક્રેડિટ કાર્ડ, લોન અથવા ઓવરડ્રાફ્ટ લેવાનું વિચારે છે. અડધોઅડધ લોકોએ કહ્યું હતું કે વધારાની નાણાકીય મદદ વિના તેઓ મુશ્કેલી અનુભવશે. આગોતરી તૈયારી ન કરાઈ હોય તેવા સંજોગોમાં સરેરાશ બ્રિટિશર ક્રિસમસ ગયા પછી ૨૮૭ પાઉન્ડના દેવાંમાં ઉતરી જાય છે. નાની રતમોની બચત કરવી, વધુ કલાક કામ કરવું અને સમગ્ર વર્ષ દરમિયાન ગીફ્ટ ખરીદતા રહેવાથી વર્ષના અંતે આંખમાં પાણી લાવી દેતાં દેવાંમાંથી બચી શકાય તેમ પણ લોકો માને છે.

ગીફ્ટ્સની વાત કરીએ તો સરેરાશ પેરન્ટ બાળકદીઠ ૧૪૨ પાઉન્ડ ખર્ચશે અને ૧૦માંથી એક પેરન્ટ તેમના બાળકો માટે ૩૦૦ પાઉન્ડથધી વધુની ભેટો ખરીદી શકે છે. સ્ત્રીઓ પોતાના પાર્ટનર માટે ૧૧૦ પાઉન્ડની ખરીદી કરશે જ્યારે વધુ ઉદારતા સાથે પુરુષો તેમના જીવનસાથી માટે અંદાજે ૧૪૦ પાઉન્ડની ખરીદી કરશે. વ્યક્તિ તેમના માતાપિતા અને ભાઈ-બહેનો માટે ૧૪૭ પાઉન્ડની અને દૂરના સંબંધીઓ માટે ૬૭ પાઉન્ડનો ખર્ચ કરશે. મિત્રો, કામના સ્થળે સાથીઓ અને બાળકોના મિત્રોને ગીફ્ટ્સ માટે સરેરાશ ૫૯ પાઉન્ડ અલગ રાખી શકે છે.

સામાન્ય રીતે બ્રિટિશરો ક્રિસમસ કાર્ડ્સ માટે ૧૫ પાઉન્ડ, ક્રિસમસ ડેકોરેશન માટે ૨૧ પાઉન્ડ, ઉજવણીના ડ્રિન્ક્સ માટે ૯૩ પાઉન્ડ, ફૂડ માટે ૧૧૬ પાઉન્ડ તેમજ માનવંતા મહેમાનો માટે થોડા વધુ ખર્ચ કરીકે ૬૧ પાઉન્ડ અલાયદા રાખે છે. સરેરાશ જોઈએ તો ક્રિસમસ પાર્ટી તેમજ ચર્ચ સહિત અન્ય સ્થળોએ હાજરી આપવા પાછળ ૯૨ પાઉન્ડનો ખર્ચ કરવામાં આવે છે.

 ક્રિસમસની રજાઓમાં સગાં અને મિત્રોને મળવા કે પ્રવાસમાં જવા માટે પેટ્રોલ, વાહન ભાડે રાખવું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પાછળ ૭૬ પાઉન્ડનો, જ્યારે એકોમોડેશન પાછળ ૭૦ પાઉન્ડનો ખર્ચ કરાય છે. મોટા ભાગના લોકો પોતાના બજેટ કરતા લગભગ બમણો ખર્ચ કરી નાખે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter