લંડનઃ એક સંતાનની ૩૦ વર્ષીય ભારતીય માતા પ્રદીપ કૌર મિડલસેક્સ, હાર્લિગ્ટનની શેરેટન સ્કાયલાઈન હોટેલમાં હાઉસકીપરનું કામ કરતી હતી. તે ઘેર પાછી ન આવતાં પતિએ તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. એક સપ્તાહ પછી તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં વેસ્ટ લંડનના હાયેઝમાં હાર્લિગ્ટન બ્રિજ નજીક મળ્યો હતો. આ ઘટના સંબંધે ૨૫ વર્ષીય લેટવિયન વાડમિસ રુસ્કુલ્સ સામે જાતીય હુમલા અને હત્યાનો આરોપ લગાવાયો છે.
પ્રદીપ કૌર ચાલીને હોટેલમાં કામે જઈ રહી હતી ત્યારે તેના પર જાતીય હુમલો કરાયો હતો. આરોપ લગાવાયો છે કે રુસ્કુલ્સે મિસિસ કૌરના શરીરને ખેંચી જઈ જૂની સ્લીપિંગ બેગની હેઠળ ઢાંકી દીધું હતું અને તેના પર ડાળખીઓ પાથરી દીધી હતી. સોમવાર, ૧૭ ઓક્ટોબરની સવારે ૬.૩૩ કલાકે સીસીટીવી કેમેરામાં તેને છેલ્લે જોવાઈ ત્યારે તે બ્રિજ તરફ જઈ રહી હતી. મિસિસ કોરે બચાવમાં બૂમો પાડી હશે પરંતુ, ટ્રાફિકના અવાજમાં તે સંભળાઈ નહિ હોય તેમ ઓલ્ડ બેઈલી કોર્ટ સમક્ષ જણાવાયું હતું. અડધા કલાક પછી કેમેરાની ક્લીપમાં કોઈ વ્યક્તિ શરીરને ખેંચી જતી જોવા મળતી હતી.
મિસિસ કોર તેમના પતિ રછપાલસિંહ સાથે ભારતથી ૨૦૧૧માં બ્રિટન આવી હતી. તેમની પાંચ વર્ષની દીકરી ભારતમાં ગ્રાન્ડપેરન્ટ્સ સાથે રહે છે. પ્રદીપ કૌર ગુમ થયાં પછી પોલીસને પહેલી શંકા તેના પતિ પર ગઈ હતી.