લંડનઃ જો આગામી જનરલ ઈલેક્શનમાં લેબર પાર્ટી સત્તા પર આવશે તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લેબર પાર્ટી અને તેમના નેતા જેરેમી કોર્બીન દ્વારા ઉષ્માપૂર્ણ આવકાર અપાશે તેવી ખાતરી શેડો ફોરેન સેક્રેટરી એમિલી થોર્નબેરીએ ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ કોર્બીને એક પ્રસ્તાવ રજૂ કરી બ્રિટિશ હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણોમાં ભૂમિકા બદલ નરેન્દ્ર મોદી પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી. કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાને જ ઉકેલવો જોઈએ અને બ્રિટનની તેમાં કોઈ ભૂમિકા નથી તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાતચીતમાં ભારત અને નરેન્દ્ર મોદી તરફ લેબર પાર્ટીના વલણ સંબંધે થોર્નબેરીએ જણાવ્યું હતું કે, ‘મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતના લોતશાહી પદ્ધતિએ ચૂંટાયેલા નેતા છે. તેઓ વિવિધસંગત નેતા છે તેથી આપણે ત્યાંથી શરુઆત કરીશું. હું જેરેમી સાથે જેઓ અમારા મિત્રો હોય તેમજ જેઓ અમારા કુદરતી મિત્રો ન જણાતા હોય તેવા અનેક લોકો સાથેની બેઠકમાં હાજર રહી છું . જેરેમીનું વલણ એકસરખું જ રહે છે. જ્યાં ટીકા થવી જોઈએ તેમ માનતા હોય ત્યાં તેઓ હંમેશાં ટીકા કરે છે. તેઓ વ્યવહારુ નથી તેમ કહેવું યોગ્ય નથી. વિશ્વમાં સૌથી મોટા અને સૌથી મહત્ત્વના દેશોમાંના એક દેશ તરફ તેઓ પીઠ ફેરવવા ઈચ્છુક હોય તેમ કહેવું પણ સાચુ નથી. હું કલ્પના કરી શકું છું કે વડા પ્રધાન મોદી સાથે તેમની બેઠકોમાં તડાફડી થઈ શકે પરંતુ, સાચી મિત્રતા પ્રામાણિકતાના આધાર પર હોવી જોઈએ.’
આ પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, ‘બ્રિટિશ નાગરિકો સહિત સેંકડો મુસ્લિમ લોકોની હત્યા કરાઈ હતી તેવા ૨૦૦૨ના કોમી રમખાણોમાં ભૂમિકા બદલ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર બ્રિટનમાં પ્રવેશ લદાયેલો પ્રતિબંધ પુનઃ અમલી બનાવવો જોઈએ. હિંસામાં મોદી અને તેમના વહીવટીતંત્રની ભૂમિકા બદલ ૧૦ કરતા વધુ વર્ષનો પ્રતિબંધ લદાવો જોઈએ તેને અવગણી આર્થિક અને રાજદ્વારી કારણોસર પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે તેના વિશે ગૃહ ચિંતા વ્યક્ત કરે છે. અગાઉ, ધાર્મિક સ્વાતંત્ર્યના તીવ્ર ઉલ્લંઘનો બદલ જવાબદાર હોવા માટે મોદીને વિઝા આપવા ઈનકાર પણ કરાયો હતો.’
નવેમ્બર ૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તેમની સાથે માનવ અધિકારનો મુદ્દો ઉઠાવવા જણાવતી અર્લી ડે મોશન પર સહી કરનારા ૪૦ બ્રિટિશ સાંસદોમાં કોર્બીનનો પણ સમાવેશ થયો હતો. આ પ્રસ્તાવમાં ભારતમાં રાજકીય કેદીઓની અટકાયતમાંથી મુક્તિ, ભારતીય ગ્રીનપીસ કર્મશીલ પ્રિયા પિલ્લાઈને યુકે મુલાકાત લેવા પર પ્રતિબંધ, બીબીસીની ડોક્યુમેન્ટરી ‘ઈન્ડિયાઝ ડોટર’ પર પ્રતિબંધ સહિતના મુદ્દા ઉઠાવાયા હતા.
વડા પ્રધાન મોદીએ બ્રિટિશ પાર્લામેન્ટને સંબોધન કર્યું ત્યારે કોર્બીન રોયલ ગેલેરીમાં હાજર રહ્યા ન હતા. આ મુદ્દે લેબર પાર્ટીના બ્રિટિશ ઈન્ડિયન સાંસદ કિથ વાઝે નિરાશા વ્યક્ત કરતા સન અખબારને જણાવ્યું હતું કે,‘જો બ્રિટિશ વડા પ્રધાન ભારતના વડા પ્રધાન મોદીને સાંભળવાનો સમય કાઢી શકતા હોય તો જેરેમી પણ તેમ કરી શકતા હતા.’
શેડો ફોરેન સેક્રેટરી એમિલી થોર્નબેરી ઈન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સભ્યોને શુક્રવાર ૨૦ ઓક્ટોબરે સેન્ટ જેમ્સ હોટેલમાં મળ્યાં હતાં અને તેમની સાથે ભારત-યુકે વેપારી સંબંધો, ઈમિગ્રેશન, યુકેમાં અલગ વંશીય ઓળખની શીખોની માગણી, ક્લાઈમેટ ચેન્જ સહિતના મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાને જ ઉકેલવો જોઈએ અને બ્રિટનની તેમાં કોઈ ભૂમિકા નથી. અમારું સ્થાન તો આ નિરાકરણ શાંતિપૂર્ણ રીતે લાવવું જોઈએ તેમ કહેતા રહેવાનું જ છે. આ સામાન્ય બુદ્ધિની વાત છે.’ જોકે, તેમણે ઉમેર્યું હતું કે, ‘કાશ્મીર પરત્વે અમારું વર્તમાન વલણ માનવ અધિકારની ચિંતામાંથી ઉદ્ભવ્યું છે. અમને વિવિધ વાતો સાંભળવા મળે છે. કાશ્મીરીઓના માનવ અધિકારોની વાત ઉખળતી જ રહે છે. મેં આ અંગે ભારતીય હાઈ કમિશન સાથે પણ વાત કરી છે.’