લેબર પાર્ટી સરકારી પેન્શન માટેની વય ૬૬ વર્ષ કરશે

Monday 24th July 2017 10:40 EDT
 

લંડનઃ ટોરી સરકારે ૨૦૩૭ અને ૨૦૩૯ વચ્ચે સરકારી પેન્શન માટે નિવૃત્તિ વય ૬૭થી વધારી ૬૮ વર્ષ કરવા જાહેરાત કરી તેની સામે લેબર પાર્ટીએ ૨૦૪૫ સુધીમાં આ વય ઘટાડી ૬૬ વર્ષ કરવાનો મનસૂબો જાહેર કર્યો છે. જોકે, વર્ક અને પેન્શન્સ સેક્રેટરી ડેવિડ ગોકેએ જણાવ્યું હતું કે લેબર પાર્ટીના આ પ્રસ્તાવથી કરદાતાઓના શિરે ૨૫૦ બિલિયન પાઉન્ડનો બોજો આવશે. તેમણે લેબર પાર્ટીને આ બોજો કેવી રીતે સરભર કરાશે તે જણાવવા પડકાર ફેંક્યો હતો. લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે ટોરી પાર્ટીના નિર્ણયથી પેન્શનરને સરેરાશ ૧૦,૦૦૦ પાઉન્ડનું નુકસાન જશે.

અગાઉ ગોકેએ સરકારી પેન્શન માટેની વય વધારવા વર્ષ ૨૦૪૪ સુધી રાહ જોવાના બદલે સાત વર્ષ વહેલા ૨૦૩૭થી જ અમલ કરવાની જાહેરાત કરી હતી. આના પરિણામે, ચાલીસીની વય ધરાવતાં એટલે કે એપ્રિલ ૬, ૧૯૭૦થી એપ્રિલ ૫, ૧૯૭૮ વચ્ચે જન્મેલાં સાત મિલિયન (૩૯થી ૪૭ વયજૂથના) લોકોએ પેન્શન મેળવવા એક વર્ષ વધુ કામ કરવાનું થશે.

હાઉસ ઓફ કોમન્સની લાઈબ્રેરીના સંશોધન અનુસાર પેન્શન વયમાં વધારો કરવાથી ૭૪ બિલિયન પાઉન્ડની બચત થશે, જેનાથી ૭.૬ મિલિયન લોકોને વ્યક્તિદીઠ આશરે ૯,૮૦૦ પાઉન્ડનું નુકસાન જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter