લેબર મેનિફેસ્ટોમાં મફત બાળસંભાળ, NHSને વધુ ફંડ અને વાજબી ઈમિગ્રેશન કાયદાના વચનો

Monday 22nd May 2017 08:09 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને બ્રેડફર્ડમાં પાર્ટીનો જૂન ૮, ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો, જેમાં કેટલાક વચનો પણ આપવામાં આવ્યાં છે. કોર્બીને તેમનો પક્ષ સત્તા પર આવે તો બે થી ચાર વર્ષ સુધીના તમામ બાળકને મફત બાળસંભાળ, તગડાં પગાર આપતી બેન્કો અને ફૂટબોલ ક્લબ્સ પર ‘ફેટ કેટ ટેક્સ’ લાદવા, જળ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ, કામદારોના અધિકારોને રક્ષણ, વાર્ષિક ૮૦,૦૦૦ પાઉન્ડથી વધુની કમાણી માટે નવું ૪૫ ટકા ટેક્સધોરણ તેમજ રેલવે અને મેઈલનાં પુનઃ રાષ્ટ્રીયકરણ, યોગ્ય હાઉસિંગ, પેન્શન અને વેલ્ફેર નીતિ સહિતના પગલાંનું વચન આપ્યું છે. કોર્બીને કહ્યું હતું કે, ‘આ મેનિફેસ્ટો તમામ પેઢીઓને આશા અને તક પૂરી પાડવા માટે છે. અભિપ્રાયો બદલાઈને લેબરની તરફેણમાં આવી રહ્યાં છે.’

NHS અને સારસંભાળઃ NHSને દર વર્ષે નવા ટેક્સની આવકમાંથી વધારાના ૬ બિલિયન પાઉન્ડની ફાળવણી • ઈંગ્લેન્ડમાં NHSની તમામ હોસ્પિટલોમાં ફ્રી પાર્કિંગ • હોસ્પિટલોમાં ૨૨ બિલિયન પાઉન્ડના ભંડોળકાપ તત્કાળ અટકાવી તેની સમીક્ષા કરાશે • ૧૦ લાખ લોકોને વેઈટિંગ લિસ્ટમાંથી બહાર લાવી ૧૮ સપ્તાહમાં સારવારની સુવિધા પ્રાપ્ત કરવાની ખાતરી • બાળકોના આરોગ્ય માટે વાર્ષિક ૨૫૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ• NHSનું ખાનગીકરણ પાછું ખેંચાશે તેમજ • NHS એન્ડ સોશિયલ કેર એક્ટ ૨૦૧૨ નાબૂદ કરાશે • કેરર્સનું એલાવન્સ વધારીને જોબસીકર્સ એલાવન્સ દર જેટલું કરવામાં આવશે.

ટેક્સ અને ઈકોનોમીઃ દૈનિક ખર્ચ પરની ખાધ પાંચ વર્ષની અંદર નાબૂદ કરવામાં આવશે. • ૪૫pની ઈન્કમ ટેક્સ મર્યાદા ૧૫૦,૦૦૦ પાઉન્ડથી ઘટાડી ૮૦,૦૦૦ પાઉન્ડ કરવામાં આવશે • ૧૫૦,૦૦૦ પાઉન્ડ આવક માટે નવું ૫૦p બેન્ડ દાખલ કરવામાં આવશે • કમાણી કરનારા ૯૫ ટકાને નેશનલ ઈન્સ્યુરન્સ, ઈન્કમ ટેક્સ અથવા VATનો વધારો આપવો નહિ પડે • સ્ટાર સ્ટાફને તગડું વેતન આપતી કંપનીઓ પર એક્સેસિવ પે લેવી અથવા‘ફેટ કેટ ટેક્સ’ લાગુ કરાશે, જે ૩૩૦,૦૦૦ પાઉન્ડ અને ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ વેતન માટે અનુક્રમે ૨.૫ અને ૫ ટકા હશે • કોર્પોરેશન ટેક્સ ટોરી પાર્ટીના કાપને ઉલટાવી ૨૦૧૮-૧૯થી વધારી ૨૧ ટકા, ૨૦૧૯-૨૦થી ૨૪ ટકા અને ૨૦૨૦-૨૧થી ૨૬ ટકા કરાશે. ડોકે, સ્મોલ બિઝનેસીસ માટે નીચા દર પાછાં લવાશે • ખાનગી હેલ્થ પ્લાન્સ પર ઈન્સ્યુરન્સ પ્રીમિયમ ટેક્સ ૧૨ ટકાથી વધારી ૨૦ ટકા કરાશે• કેપિટલ ગેઈન્સ ટેક્સ અને ઈન્હેરિટન્સ ટેક્સ પર ટોરી પાર્ટીએ લગાવેલાં કાપ ઉલટાવાશે.

એજ્યુકેશન અને ચાઈલ્ડ કેરઃ વાર્ષિક ૫ બિલિયન પાઉન્ડના ખર્ચેતમામ પરિવારોના બે વર્ષના બાળકોને સાપ્તાહિક ૩૦ કલાકની મફત ચાઈલ્ડકેરનો લાભ અપાશે • યુનિવર્સિટી ટ્યુશન ફી સંપૂર્ણ નાબૂદ કરાશે અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે મેઈન્ટેનન્સ ગ્રાન્ટ તેમજ ૧૬-૧૮ વયજૂથ માટે એજ્યુકેશનલ મેઈન્ટેનન્સ એલાવન્સ પાછાં લવાશે • શિક્ષકો માટે ૧ ટકાથી વેતનમર્યાદા દૂર કરાશે • ખાનગી સ્કૂલ ફીઝ પર VAT ચાર્જ કરી મેળવેલાં ભંડોળથી તમામ પ્રાઈમરી સ્કૂલના બાળકો માટે ફ્રી સ્કૂલ મીલ્સની યોજના • સામાન્ય ચૂંટણી માટે મતદાન વય ૧૮થી ઘટાડી ૧૬ વર્ષ કરવામાં આવશે.

ઈમિગ્રેશનઃ માઈગ્રન્ટ ઈમ્પેક્ટ ફંડનું પુનઃસ્થાપન • સંખ્યાકીય લક્ષ્યાંક વિના જ ઈમિગ્રેશન માટે વાજબી કાયદા • બ્રિટન ઈયુ છોડે ત્યારે મુક્ત અવરજવરનો અંત• ૧૮,૬૦૦ પાઉન્ડની કમાણી ન હોય તો યુરોપ બહારથી જીવનસાથીને લાવવા પર બ્રિટિશ નાગરિકો પર પ્રતિબંધ દૂર કરાશે. આના બદલે બેનિફિટ પર આધાર નહિ રાખવાની જવાબદારી લવાશે • માઈગ્રન્ટ વર્કર્સના ઉપયોગથી ઓછું વેતન આપવાના પ્રયાસ કરતા એમ્પ્લોયર્સ સામે કડક પગલાં લેવાશે

બ્રેક્ઝિટઃ બ્રિટનમાં રહેતા ૩૦ લાખ ઈયુ નાગરિકોને બ્રેક્ઝિટ પછી વસવાટની ગેરન્ટી •ફાઈનલ બ્રેક્ઝિટ ડીલને ફગાવવા સાંસદોને પસંદગી મળશે • ટોરી પાર્ટીના બ્રેક્ઝિટ વ્હાઈટ પેપર અને ગ્રેટ રીપેલ બિલ રદ કરાશે • યોગ્ય વિકલ્પ તરીકે ‘નો ડીલ’ને ફગાવી દેવાશે • યુરોપિયન સંસ્થાઓ સાથે વર્તમાન સંબંધો જાળવી રાખવાની તૈયારી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter