લેસ્ટરના જલારામ ટેમ્પલના સેવાકાર્યોની કિંગ્સ એવોર્ડ ફોર વોલન્ટીઅર સર્વિસથી કદર

Tuesday 28th November 2023 04:36 EST
 
 

લંડનઃ યુકેમાં સ્થાનિક વોલન્ટીઅર ગ્રૂપ માટે સર્વોચ્ચ સન્માન અને MBEની સમકક્ષ કિંગ્સ એવોર્ડ ફોર વોલન્ટીઅર સર્વિસ સાથે લેસ્ટરના જલારામ ટેમ્પલના કાર્યોને કદર કરાઈ હોવાની જાહેરાત જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરવ સાથે કરવામાં આવી છે. આ વર્ષે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી 262 સ્થાનિક ચેરિટીઝ અને વોલન્ટરી ગ્રૂપ્સમાં શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ સમાવેશ થયો છે. આ એવોર્ડ કોમ્યુનિટીની સેવામાં અસંખ્ય કલાકો સમર્પિત કરનારા ટ્રસ્ટના સ્વયંસેવકોના નિઃસ્વાર્થતા અને કરુણાના મૂલ્યોના પ્રતીક સખત મહેનતી કાર્ય અને સમર્પણનું પ્રતિબિંબ પાડે છે.

શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદ ઠક્કરે જણાવ્યું હતું કે,‘આ પ્રતિષ્ઠિત એવોર્ડથી અમારા બધા વોલન્ટીઅર ગ્રૂપ્સના કાર્યોને બિરદાવાયા છે તેનો મને આનંદ છે.કિંગ્સ એવોર્ડ ફોર વોલન્ટીઅર સર્વિસ અપાયા બદલ અમને ગૌરવ અને સન્માનની લાગણી થઈ છે. તમારી નિષ્ઠા એ જ અમારી પ્રેરણા છે.’

જલારામ બાપાના જરૂરિયાતોની સેવા કરવાના મહાન ઉપદેશને અનુસરી જલારામ ટેમ્પલનું વિઝન અને મિશન તમામ ધર્મો સાથે સારા સંબંધોનું સર્જન તેમજ શાળાના બાળકો મુલાકાત લઈ સમૃદ્ધ હિન્દુ સંસ્કૃતિ વિશે જાણે તેવા શ્રેષ્ઠ કેન્દ્ર બનવાનું છે. શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ બાલ વિકાસ, શિશુ વિકાસ, મંદિરોનાં ઈન હાઉસ વોલન્ટીઅર્સ ગ્રૂપ, ઓર્ગન ડોનેશન, વન રૂફ વિન્ટર સ્લીપિંગ, હનુમાન સેવા, રવિવારના ભજનો અને પ્રસાદી અને કોવિડ ટીફિન સર્વિસ સહિત ઘણી સ્થાનિક ચેરિટીઝને સક્રિય ટેકો અપાયો છે. હેલ્પિંગ હેન્ડ્ઝ વોલન્ટીઅર્સ દ્વારા દર ગુરુવારે 150થી વધુ ભોજનની સેવા અપાય છે. આ ઉપરાંત, જલારામ બાલ વિકાસ દ્વારા ગુજરાતી અને શિશુકુંજ ક્લાસીસ ચલાવાય છે. કોવિડ મહામારીના ગાળામાં હનુમાન સેવા વોલન્ટીઅર્સ અને સુનિલ દ્વારા ભોજન વિતરણ પ્રોગ્રામ ચલાવાયો હતો. જલારામ કોમ્યુનિટી સેન્ટર ખાતે પટેલ કેમિસ્ટ્સની ભાગીદારીમાં વેક્સિનેશન સેન્ટર સ્થપાયું હતું તેમજ સ્વર્ગસ્થ ભરત અને એવરિલના વડપણ હેઠળ વેક્સિનેશન અને અંગદાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

લેસ્ટરના મોર રેસ્ટોરાં તથા અન્ય સંસ્થાઓ સાથે સહયોગમાં ટ્રસ્ટ દ્વારા NHSસ્ટાફને 15,000થી વધુ ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. જલારામ ટેમ્પલના સખાવતી કાર્યો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરેલાં છે. ટ્રસ્ટ દ્વારા કેન્સર રિસર્ચ યુકે, LOROS, બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓને સપોર્ટ અપાય છે. ટ્રસ્ટ દ્વારા ભારતના અમદાવાદમાં માત્ર 11 દિવસના ગાળામાં એમ્બ્યુલન્સીસ મોકલી અપાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter