૨જી નવેમ્બરને શનિવારે જલારામ જયંતીની પૂર્વસંધ્યાએ લેસ્ટરમાં જૈન એન્ડ હિંદુ ઓર્ગન ડોનેશન સ્ટીયરીંગ ગ્રૂપ (JHOD)ના ચેરમેન કિરીટ મોદીએ ઈંગ્લેન્ડમાં ઓર્ગન ડોનેશનના કાયદામાં થનારા ફેરફાર વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં ૪૫૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે આ ફેરફારો પાછળના કારણો જણાવ્યા હતા અને ઓર્ગન ડોનર્સ બનવા માટે રજિસ્ટ્રેશન કરાવીને હિંદુ કોમ્યુનિટી કેવી રીતે લોકોની જીંદગી બચાવી શકે તે સમજાવ્યું હતું. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટ બોર્ડના ચેરમેન પ્રમોદ ઠક્કરે જણાવ્યું હતું,‘ હું કહું છું કે અંગ દાન એ સેવાનો જ એક ભાગ છે અને દરેક હિંદુએ તેમાં ભાગ લેવો જોઈએ. અંગ દાન કરવા માટે હું તમામ હિંદુઓને અનુરોધ કરું છું. આવો અને માનવજાતની સેવામાં અમારી સાથે જોડાઓ.’
યુકેમાં એશિયન પશ્ચાદભૂમિકાના લગભગ ૧,૦૦૦ લોકો ઓર્ગન ટ્રાન્સ્પ્લાન્ટની પ્રતિક્ષામાં છે અને ૨૦૧૮-૧૯માં મૃત્યુ બાદના ૫૬ ઓર્ગન ડોનર હતા અને ૮૩ જીવતા કિડની ડોનર હતા. જેમાંના કેટલાંક ડોનરને જલારામ બાપાના ભક્તોએ પ્રેરણા આપી હતી.
’જલારામ બાપા લીડ્સ ધ વે ઓન હિંદુ ઓર્ગન ડોનેશન’ના સૂત્ર હેઠળ ચાલી રહેલી આ ઉમદા કામગીરીને આગળ ધપાવવા માટે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટે તાજેતરમાં જ NHSBT પાસેથે ફંડ મેળવ્યું હતું અને આગામી ૧૨ મહિનામાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે.

