લેસ્ટરની દીવાળી પાર્ટી ગોલ્ડન માઈલ પર જ રહેશેઃ BBAના અધ્યક્ષા નિશા પોપટ

Wednesday 25th June 2025 06:26 EDT
 
 

 લેસ્ટરઃ ગોલ્ડન માઈલ પરની દીવાળી પાર્ટી ચાલુ જ રહેશે તેમ બેલગ્રેવ બિઝનેસ એસોસિયેશન (BBA)ના અધ્યક્ષા નિશા પોપટે સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે લેસ્ટરની વિશ્વપ્રસિદ્ધ દીવાળી ઊજવણી બેલગ્રેવ રોડનો હિસ્સો જ છે. જોકે, સિટી મેયર સર પીટર સોલ્સબીએ અગાઉ જણાવ્યું હતું કે દીવાળીની ઊજવણી માટે હવે આ વિસ્તાર નાનો પડે છે અને કાઉન્સિલ આ વર્ષના ઈવેન્ટ માટે અન્ય સંભવિત સ્થળોની વિચારણા કરી રહેલ છે.

BBAના અધ્યક્ષા નિશા પોપટે BBCને જણાવ્યું હતું કે તેઓ ઊજવણી અન્યત્ર યોજાય તેમ ઈચ્છતાં નથી. ‘આ જ સ્થળે તેની શરૂઆત થઈ હતી, આ જ સ્થળે પરંપરા શરૂ થઈ હતી અને આ જ સ્થળે ઉત્સવ ઉજવાય છે અને ઉજવાતો રહેશે.’

લેસ્ટર સિટીના સેફ્ટી સલાહકારોએ ચિંતા દર્શાવ્યા પછી ઉત્સવને અન્યત્ર લઈ જવાની વિચારણા શરૂ કરાઈ છે. આસિસ્ટન્ટ સિટી મેયર ફોર કલ્ચર વિ ડેમ્પ્સ્ટરે જણાવ્યું હતું કે,‘બે વર્ષ અગાઉ મુખ્ય સ્ટેજની આસપાસ ચિંતા સર્જાઈ હતી. આ પછી ગયા વર્ષે રેથલે સ્ટ્રીટ પરથી લોકો 40 મિનિટ સુધી બહાર નીકળી શક્યા ન હતા. લોકો આતશબાજી પૂર્ણ થયા પછી એકસાથે બહાર નીકળવા માગતા હોઈ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ડેમ્પ્સ્ટરે જણાવ્યું હતું કે કાઉન્સિલે બેલગ્રેવ બિઝનેસ એસોસિયેશન તેમજ હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ સાથે આ ભારે સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા હાથ ધરી હતી. ડેમ્પ્સ્ટરે કહ્યું હતું કે ’ અમે પણ દીવાળી ગોલ્ડન માઈલ પર ઉજવાય તેમ ઈચ્છીએ છીએ, પરંતુ લોકોની સલામતી કેવી રીતે જાળવી શકાય તેના પર પણ ધ્યાન આપવું જોઈએ. સંભવિત પગલું ખર્ચા વિશે તે નથી જ. ઈવેન્ટ સલામત રહેવો જોઈએ અને આપણે સાથે મળીને કામ કરવું પડશે.’

દરમિયાન, નિશા પોપટે જણાવ્યું હતું કે,‘કાઉન્સિલ સાથે મીટિંગ પછી તેમને ખાતરી થઈ છે કે દીવાળીની ઊજવણી ભલે અલગ હોય પરંતુ, ખૂબ તેજસ્વી રહેશે અને ગોલ્ડન માઈલ પર જ યથાવત રહેશે. અમને પણ સલામતી વિશે ચિંતા છે અને દીવાળીની ઊજવણીમાં આવનારા તમામ સલામત રહે તેની ખાતરી રાખવા ઈચ્છીએ છીએ. જોકે, બધા મોટા ઈવેન્ટ્સમાં જોખમ તો હોય જ છે,પરંતુ જોખમને કેવી રીતે નિવારી શકાય તે જ જોવાનું હોય છે.’ 

મિસ પોપટે જણાવ્યું હતું કે દીવાળીની ઊજવણીને ખસેડવાથી બેલગ્રેવની કોમ્યુનિટી અને બિઝનેસીસને ભારે અસર થશે. ‘હું માનું છું કે બિઝનેસ એસોસિયેશન અને કોમ્યુનિટીને સંબંધ છે ત્યાં સુધી દીવાળી ગોલ્ડન માઈલ પર જ રહે તેવો એક માત્ર વિકલ્પ છે. આ ફેસ્ટિવલ 40 કરતાં વધુ વર્ષથી અહીં યોજાય છે.’ જો ઊજવણી ગોલ્ડન માઈલથી ખસેડાય તો મિસ પોપટ તેને ટેકો આપશે તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે,‘હું અંગત રીતે સાથ નહિ આપું અને કોમ્યુનિટી કે બિઝનેસીસ પણ સહકાર આપશે તેમ મને લાગતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter