લેસ્ટરની જાણીતી સંસ્થા ‘શાંતિધામ’ દ્વારા આયોજિત સનાતન મંદિર ખાતે ચાલી રહેલી ‘શ્રીમદ ભાગવત કથા’ માં વક્તા પૂજ્ય શ્રી આચાર્ય રામાનુજ જી એ કહયું, ‘ પ્રાણી માત્ર ઉપર કરુણાનો ભાવ રાખવો એ માનવ માત્રની ફરજ છે, કિન્તુ જગ દેખાડો કરવા માટે જીવદયાના નાટક કરવા એ આપણને શોભા નથી દેતા. તેમણે કહયું કે લેસ્ટરમાં તેઓ દસ વર્ષ પછી કથા કરવા માટે આવ્યા છે અને એટલા વર્ષોમાં અહીં લોકોની સત્સંગ પ્રત્યે રુચિ વધી છે, અહીં ઘણાં યુવાનો પોતાના ધર્મ અને સંસ્કારો માટે જિજ્ઞાસુ છે.
‘શાંતિધામ’ સંસ્થા દ્વારા જીવદયાના પવિત્ર ઉદેશથી યોજાયેલી આ કથામાં આચાર્ય શ્રી મુખ્યરૂપે સાત દિવસની કથામાં જીવદયાના વિષય ઉપર મુખરીત થશે. એ સંદર્ભમાં તેમણે કહ્યું, ‘ભારતથી હજારો કિલોમીટર દૂર ગાયો પ્રત્યે કે વન્ય જીવો પ્રત્યે દયાભાવથી શાંતિધામ સંસ્થા જીવદયાના ઉદ્દેશ્યથી આવા પ્રકલ્પ સંચાલિત કરે છે તે ખૂબ જ સરાહનીય છે. આપણે સૌએ આ સંસ્થામાં પોતાના તન, મન, ધનથી સહયોગ કરવો જોઇએ.
શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય બતાવતા એમણે કહ્યું કે ભાગવત જ એક માત્ર એવું શાસ્ત્ર છે જે મુક્તિ આપવાની ગર્જના કરે છે. કિન્તુ ફક્ત સાંભળી લેવાથી નહીં, એને પોતાના હૃદય માં સ્થાપિત કરી તેમાં બતાવેલા સિદ્ધાંતો મુજબ આચરણ કરવાથી મુક્તિ સંભવ છે.મીરાં, નરસિંહ મહેતા, સ્વામી વિવેકાનન્દ અને અનેક સંતો અને મહાપરુષોએ મુક્તિને પોતાના હાથમાં રમકડાંની જેમ રાખી છે. એનો મતલબ કે આપણે પણ એ મુક્તિ ને જીવદયાના માધ્યમથી, જિજ્ઞાસાના માધ્યમથી પ્રાપ્ત કરી શકીએ છીએ.


