લો પ્રોફાઈલ રહેવાના નિર્ણયથી ટોચનું સ્થાન ગુમાવ્યુંઃ હિંદુજા

Friday 25th May 2018 06:25 EDT
 
 

લંડનઃ મૂળ ભારતીય બિલ્યોનેર બિઝનેસમેન અને હિંદુજા ગ્રૂપના કો-ચેરમેન જી પી હિંદુજાએ એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ સમારોહ દરમિયાન ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે લો પ્રોફાઈલ રહેવા માટે પરિવારે લીધેલા નિર્ણયને કારણે ‘સન્ડે ટાઈમ્સ રીચ લિસ્ટ’ માં ટોચનું સ્થાન ગુમાવ્યું હતું. તેમના સ્થાને લંડનના કેમિકલ્સ આંત્રપ્રિનિયોર જીમ રેટક્લીફ બ્રિટનના અતિ ધનવાનોની યાદીમાં પર્થમ ક્રમે રહ્યા હતા.

મૂળ બ્રિટિશ આંત્રપ્રિનિયોર અને ટીવી પર્સનાલિટી સૈયદ એહમદ સાથેની મુલકાતમાં હિંદુજાએ જણાવ્યું હતું, ‘તેમને મારા ફોટોગ્રાફ્સ જોઈતા હતા અને મારો ઈન્ટરવ્યુ લેવો હતો. પરંતુ લો પ્રોફાઈલ રહેવા શીખી ગયેલા મારા સંતાનોએ મને જણાવ્યું કે આપણે કોઈ પણ મેગેઝિન કે પેપરમાં ચમકવું નથી. અમારા પેરન્ટ્સે અમને એક વાત શીખવાડી હતી તે તમે જ્યારે પણ સમાજ માટે અથવા માનવતા માટે કોઈ કાર્ય કરો તો તે કરો અને ભૂલી જાવ. તેની જાહેર પ્રસિદ્ધિ કરવી નહીં.’

હજુ પણ યુકેના અતિ ધનવાન વ્યક્તિ રહેલા જી પી હિંદુજાએ તેમની જીવન ગાથા, સફળતા સુધીની તેમની સફર, ખાસ કરીને તેમના પિતા પાસેથી શીખેલા જીવનના પાઠ, પડકારો અને તેમના ભારતીય મૂળના ગોરવ અને સંસ્કૃતિ વિશે વાત કરી હતી. પરંતુ, સફળતાની વ્યાખ્યા તરીકે ભૌતિક સિદ્ધિ અથવા ફાયદાને ગણાવવાની વાતને તેમણે વખોડી કાઢી હતી. તેમમે કહ્યું, ‘ હું સફળતાની વ્યાખ્યા સંપત્તિ અથવા સત્તા સાથ કરતો નથી અથવા સફળતાને ભૌતિકવાદી જગત સાથે કોઈ નિસ્બત હોવાનું કહેતો નથી.’

ચેરિટી અને સખાવતના મહત્ત્વ વિશે હિંદુજાએ ઉમેર્યું હતું, ‘ કોઈને પણ એક વખત મદદ કરવી એ ચેરિટી છે. હકીકતે તો આપણે સૌએ સખાવત કરવી જોઈએ અને કેવી રીતે સંસ્થાઓ ઉભી કરી શકીએ, આરોગ્ય અને શિક્ષણ પર વધુ ધ્યાન કેવી રીતે આપી શકીએ તે જોવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે મૃત્યુ બાદ આપ જે સંપત્તિ સાથે લઈ જઈ શકશો તે શિક્ષણ છે. ચેરિટીને લીધે સફળતા મળે છે તે કહેવું પણ ગેરમાર્ગે દોરનારું છે અને સખાવત કર્યા પછી તેના બદલામાં અપેક્ષા રાખવી તે ખોટું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter