લોકડાઉન નિયંત્રણો હળવાં બન્યાં તો ખરીદી માટે લોકોની પડાપડીઃ મૃત્યુઆંકમાં ભારે વિસંગતતા

Wednesday 17th June 2020 02:15 EDT
 
 

લંડનઃ કોરોના મહામારી લોકડાઉનના નિયમોમાં ૧૫ જૂનથી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોની જાળવણી સાથે ભારે ફેરફાર અમલી બન્યા હતા. ઘણી શાળાઓ, શોપ્સ, ટ્રાન્સપોર્ટ, હોસ્પિટલ્સ, ચર્ચ સહિતના ધર્મસ્થાનો થોડા ઘણા અંશે કાર્યરત બની ગયા હતા. જોકે, ઈંગ્લેન્ડના નિયમો વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં લાગુ પડતા નથી. કેટલાક ધોરણો માટે પ્રાઈમરી સ્કૂલ્સ ખોલવામાં આવી છે.  ત્રણ મહિના પછી બિનજરુરી ચીજવસ્તુઓના વેપાર, ડેન્ટિસ્ટ્સ, માર્કેટ્સ, કાર શો રુમ્સ સહિતના વેપારધંધા ખૂલી ગયા છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આશા વ્યકત કરી હતી કે સ્ટોર્સ અને બજારો ખોલવાથી ૩ મહિનાથી ડચકાં ખાતી ઈકોનોમીમાં નવો પ્રાણ ફુંકાશે. બીજી તરફ, યુકેમાં કોરોના વાઈરસથી થતાં મોતનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે

સોમવારથી સપોર્ટ બબલનો લાભ અપાયો છે જેનો અર્થ એ છે કે જે લોકો એકલા રહેતા હોય અથવા સિંગલ પેરન્ટ્સ હોય તેમને ઈંગ્લેન્ડમાં અન્ય એક પરિવાર સાથે સંપર્કની છૂટ મળશે. તેઓ તેમના ઘરમાં મળવા જઈ શકશે અને રાત્રિરોકાણ પણ કરી શકશે. લોકો છ વ્યક્તિના ગ્રૂપમાં પણ મળી શકશે.

હજારો લોકો ખરીદી કરવા ઉમટ્યા

કોરાના મહામારીના કેર વચ્ચે બ્રિટનમાં ૩ મહિના પછી સ્ટોર્સ ખોલવાની પરવાનગી મળવાથી હજારો લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા અને સ્ટોર્સ પર લાંબી લાઈનો લગાવી હતી. આના પરિણામે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું ન હતું અને ટોળાંને અંકુશમાં લેવા ગોઠવાયેલી પોલીસ પણ નિઃસહાય બની હતી. યુકેમાં લોકડાઉનના કારણે સ્ટોર્સમાં વેચાયા વિના પડી રહેલો ૧૫ બિલિયન પાઉન્ડનો સ્ટોક ખાલી કરવા જોહન લેવિસ અને ઝારા જેવા સ્ટોર્સે જંગી ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. પ્રિમાર્ક્સ સ્ટોર્સના દરવાજે તેમજ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં નાઈકીના સ્ટોર્સ સહિત અનેક સ્ટોર્સમાં જરુરી-બીનજરુરી ચીજવસ્તુઓ ખરીદવા લોકોએ પડાપડી કરી હતી. શોપિંગ માટે રઘવાયા લોકો મોડી રાત્રે અને વહેલી સવારે જ સ્ટોર્સના દરવાજે પહોંચી ગયા હતા. ઘણા લોકોએ ભાવતાલ કરવા ધક્કામુક્કી કરી હતી.

કોરોના મૃત્યુઆંકમાં ભારે વિસંગતતા

વિશ્વમાં કોરોના વાઈરસથી ૮.૧ મિલિયન લોકો સંક્રમિત થવા સાથે લગભગ ૪૪૦,૦૦૦ના મોત નીપજ્યા છે. આની સરખામણીએ યુકેમાં ૨૯૬, ૮૫૭ સંક્રમિત કેસ છે અને ૪૧,૭૩૬ના મોત થયા છે. જોકે, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઓછામાં ઓછાં ૪૭,૮૨૦ લોકોના મોત થયાનું જણાવે છે. સમગ્ર યુકેમાં ૫ જૂન સુધીનો આ આંકડો ૫૨,૫૯૪ ગણાવાયો છે જે, સત્તાવાર આંક કરતા ઘણો વધારે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા ત્યાં સુધીમાં ૪૦,૨૬૧ મોતની ગણતરી મૂકાઈ છે અને પરીક્ષણો કરાયા નથી તેવા ૧૨,૦૦૦થી વધુ લોકોના મોત ધ્યાને લેવાયા નથી. જોકે, ધ ટાઈમ્સનો અંદાજ જણાવે છે કે અત્યાર સુધી આશરે ૬૬,૮૦૦ લોકો કોરોના વાઈરસના લીધે મોતને ભેટ્યા છે. બીજી તરફ, ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ લંડન વિસ્તારમાં કોવિડ-૧૯ના મૃત્યુની સરેરાશ નીચે ગઈ છે. લંડનમાં ૩૦ મેથી ૫ જૂનના સપ્તાહમાં ૮૯૧ લોકોના મોત થયા હતા જે, તે સપ્તાહની રાષ્ટ્રીય સરેરાશ ૯૧૭ મોતથી ઓછાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter