લોકડાઉનની અસરઃ શરાબ, તમાકુનું વેચાણ વધ્યું, રેડી મીલ્સ, મેક-અપમાં ઘટાડો

Wednesday 30th December 2020 03:39 EST
 
 

લંડનઃ કોરોના મહામારીએ આપણી જીવનશૈલીમાં ભારે પરિવર્તન લાવી દીધું છે. સુપરમાર્કેટ્સના વેચાણના આંકડાઓ મુજબ પબ્સમાં રાત્રીઓ ગાળવી અને રેડી મીલ્સના બદલે ઘરમાં જ રંધાયેલાં ભોજન અને બાર્બેક્યુઝ પર ભાર મૂકાયો છે. બિયર સહિતના ડ્રિન્ક્સના વેચાણ વધી ગયા હતા પરંતુ, મેક-અપ અને ડીઓડરન્ટ્સ જેવી ચીજવસ્તુનું વેચાણ ઘટી ગયું હતું.

લોકડાઉનના કારણે ગ્રાહકોની શોપિંગની આદતો બદલાઈ હતી. ગ્રોસર મેગેઝિનના વાર્ષિક ટોપ પ્રોડક્ટ્સ સર્વે અનુસાર કોરોના વાઈરસ સંબંધિત નિયંત્રણોએ લોકોને બહાર મિત્રો સાથે મુલાકાતો અને રેડી મિલ્સ ખાવા પર અંકુશ મૂકી દીધો હતો. બ્રિટિશરોએ તેમની ટ્રોલીઝમાં બિયર, વાઈન, સ્પીરિટ્સ અને માંસ ખરીદવા વધારાના ૨.૫ બિલિયન પાઉન્ડ્સનો ધૂમાડો કર્યો હતો. જોકે, મેકઅપ, ડીઓડરન્ટ્સ અને ટૂથબ્રશના પણ વેચાણમાં ૧૮૦ મિલિયન પાઉન્ડ્સનો ઘટાડો નોંધાયો હતો. ૨૦૨૦માં વિવિધ બિયર સ્ટાર પરફોર્મર બની રહ્યા હતા અને તેના વેચાણમાં ૨૦ ટકાથી વધુ અથવા ૮૦૦ મિલિયન પાઉન્ડથી પણ વધુ વૃદ્ધિ જણાઈ હતી. સુપરમાર્કેટ્સમાં સિગારેટ્સ અને રોલિંગ ટોબેકોના વધારાના ૧ બિલિયન પાઉન્ડના વેચાણ પણ નોંધાયા હતા.

માર્કેટ રિસર્ચ ફર્મ સાથે મળી કરાયેલી સંશોધનમાં દેશની શોપિંગની આદતો અને આરોગ્ય પર કોરોના વાઈરસની અસરો પર ભાર મૂકાયો હતો. વિદેશ પ્રવાસ અને ડ્યૂટી-ફ્રી ખરીદારીના અભાવ સાથે ગત વર્ષોની સરખામણીએ બદલાવ જોવા મળ્યો હતો. યુકેના પબ્સ અને રેસ્ટોરાંના વેપારમાં કટોકટી સામે સુપરમાર્કેટ્સમાં વેચાણોમાં તેજી હતી. ઓટમ લોકડાઉન્સમાં લોકોને ઘરમાં રહેવાની ફરજ પડી ત્યારે ગ્રાહકો દ્વારા અંદાજે ૧૧ બિલિયન પાઉન્ડ્સના ખર્ચા સાથે નવેમ્બર મહિનો ગ્રોસરીના વેચાણોમાં સૌથી મોખરે રહ્યો હતો.

સામાજિક જીવન પર નિયંત્રણ અને હોમવર્કિંગ તેમજ પબ્સ, રેસ્ટોરાં અને શાળાઓ બંધ રહેવાના કારણે ઘરમાં જ રાંધવાના પરિણામે સોસેજીસ, બર્ગર્સ અને ચિકન પાછળ વધારાના ૪૪૦ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. બ્રિટિશરો પાસે ઘરમાં નહિ રાંધવાનું કોઈ બહાનું રહ્યું ન હોવાથી રેડી- મીલ્સના વેચાણમાં ૭૪ મિલિયન પાઉન્ડનો ઘટાડો નોંધાયો હતો. આનાથી વિપરીત, ૨૦૧૯માં તાજા માંસ અને ખાસ કરીને બીફના વેચાણોને માર પડ્યો હતો.

બીજી તરફ, કામના સ્થળે અથવા સામાજિક મેળમિલાપોમાં કોઈને પ્રભાવિત કરવાનું બંધ થતાં પર્સનલ કેર પર ધ્યાન રાખવાનું રહ્યું ન હતું. આના પરિણામે, કોસ્મેટિક્સ, હેરસ્ટાઈલિંગ પ્રોડક્ટ્સ, ટૂથબ્રશીસ અને ડિઓડરન્ટ્સના વેચાણોમાં ૩૦૦ મિલિયન પાઉન્ડ્સનો ખાડો પડ્યો હતો. પ્રવાસો બંધ રહેવાથી બોટલ્ડ વોટર અને ચ્યુઈંગ ગમ જેવી વસ્તુઓનાં વેચાણ પણ ઘટ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter