લોકડાઉનમાં કિશોર બાળકોનાં શારીરિક શોષણનું વધુ પ્રમાણ

Friday 04th September 2020 03:20 EDT
 
 

લંડનઃ પોલીસમાં નોંધાયેલા ગુનાના રેકોર્ડ્ઝ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોરોના વાઈરસ લોકડાઉનના સમયગાળામાં નાના બાળકોની સરખામણીએ ૧૧-૧૮ વયજૂથના બાળકોનાં શારીરિક શોષણની ઘટનાઓ ચાર ગણી જોવાં મળી છે. નેશનલ સોસાયટી ફોર ધ પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ ચીલ્ડ્રન (NSPCC)ના રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૧૪-૧૫થી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મોટાં બાળકો સામે શારીરિક શોષણ-દુરુપયોગની નોંધાયેલી સંખ્યા અને દરમાં વધારો થતો રહ્યો છે.

ઈંગ્લેન્ડમાં ૨૦૧૮-૧૯માં કિશોરાવસ્થાના બાળકો સામે શારીરિક શોષણના ૯૯,૧૩૯ ગુના નોંધાયા હતા. પ્રતિ ૧૦,૦૦૦ કિશોર સામે ૧૯૭.૪ના દરથી શારીરિક શોષણના ગુના થયા હતા જ્યારે, ૧૧ વર્ષથી ઓછી વયના પ્રતિ ૧૦,૦૦૦ બાળક સામે શારીરિક શોષણનો દર ૪૮.૭ હતો. આ જ રીતે, વેલ્સમાં ૧૧-૧૮ વયજૂથના બાળકોમાં શારીરિક શોષણનો દર પ્રતિ ૧૦,૦૦૦ કિશોર સામે ૨૪૦.૧નો હતો જે, ૧૧ વર્ષથી ઓછી વયના બાળકોમાં પ્રતિ ૧૦,૦૦૦ સામે ૭૦.૫નો જણાયો હતો.

કોરોના લોકડાઉનના સમયગાળામાં NSPCC સમક્ષ શારીરિક શોષણના રિપોર્ટ્સમાં ૫૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં NSPCCની હેલ્પલાઈનને શારીરિક શોષણના માસિક સરેરાશ ૧૦૬૬ની ફરિયાદ સાથે સંપર્ક કરાયો હતો. લોકડાઉન અગાઉ માસિક સરેરાશ ૬૯૬ની હતી.

ચેરિટીના ‘How Safe Are Our Children? 2020’ અનુસાર ગયા વર્ષે ૧૩થી ૧૫ વર્ષના બાળકો સાથે બળાત્કાર અને શારીરિક છેડછાડની ઘટનાના ગુનાઓ અનુક્રમે પાંચ અને આઠ ટકા વધ્યા હતા. બીજી તરફ, નાના બાળકોની સરખામણીએ કિશોરાવસ્થાના બાળકો સાથે ઓનલાઈન ગ્રૂમિંગના ગુનાઓનો દર નવ ગણો ઊંચો હતો.

NSPCCએ લોકડાઉન દરમિયાન બાળકોના આપઘાતથી મૃત્યુની ઘટનાઓ વધી હોવાની આશંકા વ્યક્ત કરી છે પરંતુ, આ વલણ વિશે કહેવું વહેલું જણાશે તેમ પણ કહ્યું છે. લોકડાઉન અગાઉના ૮૨ દિવસમાં સંભવિત ૨૬ બાળઆપઘાત ઘટનાઓ સામે ઈંગ્લેન્ડમાં લોકડાઉનના પ્રથમ ૫૬ દિવસમાં જ વધુ ૨૫ ઘટના નોંધાઈ હતી. લોકડાઉન પછી ૨૫માંથી ૧૨ મૃત્યુમાં કોરોના વાઈરસ અથવા લોકડાઉનમાં શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો, સંભાળ અને સપોર્ટ સર્વિસીસ ખોરવાઈ જવી, ઘરમાં તણાવ અને એકલતા સહિતના કારણોએ કોઈ ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter