લંડનઃ કોરોના લોકડાઉન્સમાં લોકોની જાગવાની અને કાર્યક્રમો નિહાળવાની આદતોમાં ભારે બદલાવ આવ્યો હોવાનું રેગ્યુલેટર ઓફકોમના રિપોર્ટમાં જણાવાયું છે. ઓફકોમ કહે છે કે ૨૦૨૦માં જાગવાના કલાકોનો લગભગ ત્રીજો હિસ્સો ટેલિવિઝન અને ઓનલાઈન વીડિયો કન્ટેન્ટના સ્ટ્રીમિંગ નિહાળવા પાછળ વપરાયો હતો.
મહામારી લોકડાઉન્સના કારણે સ્ક્રીન ટાઈમ વધી દૈનિક સરેરાશ પાંચ કલાક અને ૪૦ મિનિટનો થઈ ગયો હતો જે, અગાઉના વર્ષ કરતાં ૪૭ મિનિટ વધુ હતો. સૌપ્રથમ વખત વધુ ઘર-પરિવારમાં કેબલ અથવા સેટેલાઈટ જેવાં પેઈડ ટીવી એકાઉન્ટની સરખામણીએ નેટફ્લિક્સના સબસ્ક્રિપ્શન્સ આવ્યા હતા. આશરે ૮૦ ટકા પરિવારોમાં તેમના ટેલિવિઝન ઈન્ટરનેટ સાથે જોડાયેલાં છે. ઓફકોમ દ્વારા દર વર્ષે સંપાદિત મીડિયા નેશન્સ રિપોર્ટમાં જણાયું હતું કે કોવિડ-૧૯ના નિયંત્રણો સ્ક્રીન ટાઈમ અને ખાસ કરીને ઓન ડિમાન્ડ કન્ટેન્ટમાં વધારા માટે વધુ કારણભૂત રહ્યા હતા. યુકેના પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર્સને પાંચ વર્ષના ગાળામાં ટીવી નિહાળવાના સૌથી વધુ આંકડા હાંસલ કરવામાં મદદ મળી હતી.
સૌથી ઊંચી વૃદ્ધિ વીડિયો-ઓન-ડિમાન્ડમાં જોવા મળી હતી તેમજ ૨૦૨૦માં નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયો જેવી સર્વીસીસ પર વપરાયેલો સમય લગભગ બમણો થઈને પ્રતિ દિન અને પ્રતિ વ્યક્તિ અંદાજે એક કલાક અને પાંચ મિનિટ જેટલો થયો હતો. ૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળા સુધીમાં યુકેના તમામ પરિવારોના ૬૦ ટકાએ આવી સર્વિસીસનો ઉપયોગ કર્યો હતો જે, અગાઉના વર્ષના ૪૯ ટકા કરતાં વધુ હતો.
યુટ્યૂબ સૌથી લોકપ્રિય ઓનલાઈન વીડિયો સર્વિસ રહી હતી અને લોકો તેની ચેનલ્સ પર પ્રતિ દિન અંદાજે ૪૧ મિનિટ ખર્ચતા હતા. જોકે, ચાઈનીજ માલિકીની વીડિયો એપ ટિકટોક પણ લોકપ્રિયતા હાંસલ કરી રહી છે અને માર્ચ ૨૦૨૧ સુધીમાં ૩૧ ટકા પુખ્ત ઈન્ટરનેટ વપરાશકાર દ્વારા તેનો ઉપયોગ કરાયો હતો.
ટીવી અને ઓનલાઈન વીડિયોઝ લોકડાઉનના સમયગાળામાં મહત્ત્વના એન્ટિડોટ બની રહ્યા હતા. લોકોએ ગયા વર્ષે તેમના જાગવાના કલાકોનો ત્રીજો હિસ્સો ન્યૂઝ અને મનોરંજન માટે સ્ક્રીન્સ સામે ચોંટી રહીને વીતાવ્યો હતો. યુકેના વિન્ટર લોકડાઉનમાં લોકો દિવસમાં ઓછામાં ઓછો એક કલાક કોમેડી પ્રોગ્રામ્સ નિહાળીને પોતાને ચીઅર-અપ કરતા હતા. દરરોજ પરંપરાગત ટીવી બ્રોડકાસ્ટ જોવા પાછળ સરેરાશ ત્રણ કલાકથી થોડો વધુ સમય ખર્ચાતો હતો પરંતુ, તે જોનારાઓમાં ૪૫ અને તેથી વધુ વયના લોકો મુખ્ય હતા. ૧૬-૨૪ વયજૂથનો યુવાવર્ગ મા૬ એક કલાક બ્રોડકાસ્ટ કન્ટેન્ટ નિહાળતો હતો.