લોકહૃદયમાં વસેલા કેપ્ટન ટોમ મૂરનું કોવિડ-૧૯ વિરુદ્ધ આખરી જંગમાં મૃત્યુ

Wednesday 03rd February 2021 03:59 EST
 
 

લંડનઃ દ્વિતીય વિશ્વ યુદ્ધના ૧૦૦ વર્ષીય વોર હીરો કેપ્ટન સર ટોમ મૂર આખરે કોરોના વાઈરસ સામેના જંગમાં મોતને શરણ થયા છે. બ્રિટિસ આર્મીના નિવૃત્ત કેપ્ટન મૂર કેટલાક સમયથી ન્યૂમોનિયાથી પીડાતા હતા અને ગત સપ્તાહે કોરોના વાઈરસ માટે પોઝિટિવ જણાયા હતા. તેમને રવિવારે રાત્રે શ્વાસની તકલીફ સાથે બેડફોર્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે કેપ્ટન મૂરે દેશના પ્રથમ લોકડાઉન સમયે NHS ચેરિટીઝ માટે લગભગ ૩૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું અને દેશ માટે હીરો બની ગયા હતા. તેમના અકલ્પનીય કાર્ય માટે ક્વીન દ્વારા નાઈટહૂડ ‘સર’ની પદવી એનાયત કરવામાં આવી હતી.

કેપ્ટન મૂરના પુત્રી હન્નાહ ઈન્ગ્રામ-મૂરે જણાવ્યું હતું કે કેપ્ટન મૂરની કેટલાક સમયથી ન્યૂમોનિયાની સારવાર ચાલતી હતી અને ગત સપ્તાહે કોરોના વાઈરસ માટે ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા. કેપ્ટન મૂર ૧૦૦ વર્ષના હોવાથી કોરોના વેક્સિન મેળવવાને પ્રથમ પાત્ર હતા પરંતુ, ન્યૂમોનિયાની દવાઓ લેતા હોવાથી તેમને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો ન હતો.વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દિવંગત કેપ્ટન મૂરને શ્રદ્ધાંજલિ આપતા તેમને ‘નેશનલ ટ્રેઝર’ સમાન ગણાવી તેઓ કોરોના મહામારીના કપરા કાળમાં દરેક માટે પ્રેરણા બની રહ્યા હોવાનું જણાવ્યું હતું.

એક નિવેદનમાં સર મૂરની પુત્રીઓ હન્નાહ ઈન્ગ્રામ-મૂર અને લ્યૂસી ટેઈક્સીરાએ  તેમના પિતાના અવસાનની જાહેરાત કરી જણાવ્યું હતું કે ‘પિતાના આખરી સમયમાં અમે તેમની સાથે રહ્યાં હતાં. તેમની સાથે અમારા બાળપણની અને અમારી માતા વિશે વાતો કરી હતી. અમે હાસ્ય અને આંસુની આપલે કરી હતી. અમારા પિતાનું આખરી વર્ષ અકલ્પનીય બની રહ્યું હતું. તેઓ થોડા સમયમાં અનેક લોકોનાં દિલમાં વસી ગયા હતા.’ તેમના અવસાનના સમાચાર ફેલાતા જ વડા પ્રધાન જ્હોન્સન, લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર સહિતના રાજકારણીઓ, સેલેબ્રિટીઝ અને સેંકડો સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ કેપ્ટન મૂર અને તેમના પરિવારને દિલસોજી પાઠવી હતી.

કેપ્ટન મૂર કોરોના મહામારીના સમયમાં સમગ્ર દેશ માટે લોકનાયક બની રહ્યા હતા. તેમણે જીવનનું શતક પાર કરતા પહેલા ફ્રેમની મદદથી પોતાના ગાર્ડનમાં ૧૦૦ લેપ્સ (૨૪.૮૫ માઈલ્સ) ચાલીને NHS ચેરિટીઝ માટે લગભગ ૩૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ એકત્ર કર્યું હતું. તેમણે વિશ્વને એ સંદેશો પાઠવ્યો હતો કે સૂર્યનો પુનઃ ઉદય થશે અને કાળાં વાદળો વિખરાઈ જશે. કેપ્ટન મૂર પ્રી-ક્રિસમસ બકેટ લિસ્ટના વિરામ પછી જાહેરમાં દેખાયા ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter