લંડનઃ રાજકારણમાં ઘણાં ચહેરા જાણીતા હોય તેમ અજાણ્યા પણ હોય છે. કેબિનેટના સભ્યો પણ જાણીતા હોઈ શકે અને તેમને કોઈ ઓળખતું પણ ન હોય તેવું પણ બની શકે. મિનિસ્ટરો જ્યારે પોતાના મહત્ત્વ વિશે વાણીવિલાસ કરતા હોય અને રાજીનામું ધરી દેવાની ચીમકી આપતા હોય ત્યારે દેશના મોટાભાગના લોકોને તો તે કોણ છે તેનો ખ્યાલ સુદ્ધાં હોતો નથી.
યુગવ દ્વારા ૧૫ મે અને ૩૧ ઓક્ટોબર વચ્ચે કરાયેલા સર્વેમાં લોકોને સિનિયર રાજકારણીઓને ક્રમાંક આપવા જણાવાયું હતું. પરંતુ, તેમાના મોટાભાગના લોકોએ કેબિનેટના મોટાભાગના સભ્યો વિશે ક્યારેય સાંભળ્યું જ ન હતું. સૌએ થેરેસા મે વિશે સાંભળ્યુ હતું. જ્યારે જેરેમી હન્ટ, ફિલિપ હેમન્ડ, માઈકલ ગોવ અને સાજિદ જાવિદને ઘણાં લોકો જાણતા હતાં. જોકે, તે તમામને સારા નહીં પણ ખરાબ ગણાવાયા હતા.
૨૦ ટકાથી ઓછાં લોકોએ જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગોક, સ્કોટિશ સેક્રેટરી અથવા ટોરી ચેરમેન બ્રેન્ડન લુઈસ વિશે સાંભળ્યું હતું. માત્ર ૧૫ ટકા લોકો વેલ્શ સેક્રેટરી એલન કેર્ન્સ કોણ છે તે જાણતા હતા.
લેબર પાર્ટી માટે તો ખૂબ ખરાબ હાલત હતી. જેરેમી કોર્બીનને ૯૮ ટકા અને ડાયન એબોટને ૮૬ ટકા લોકો જાણતા હતા. ૫૧ ટકા લોકો શેડો ચાન્સેલર જહોન મેકડનેલથી પરિચિત ન હતા.
થેરેસા મેને સૌથી વધુ લોકપ્રિય અને સૌથી ઓછા અપ્રિય હયાત વડા પ્રધાન ગણાવાયા હતા. નં. ૧૦માં રહી ચૂકેલા તમામ વડા પ્રધાનોના પોઝિટિવ અને નેગેટિવ રેન્કિંગની ટકાવારીમાં થેરેસા મેને (-૧૪), સર જહોન મેજરને (-૧૫), ટોની બ્લેરને (- ૪૫) ટકા મળ્યા હતા.


