લંડનઃ યુ-ગવ એજન્સી દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે અનુસાર લોકો ૯ વાગે જવાની, ૫ વાગે છૂટવાની નોકરીની રોજિંદી ઘરેડથી કંટાળી રહ્યા છે. સર્વેમાં ૯૪ ટકા કર્મચારીએ કહ્યું હતું કે રોજ એક જ સમયે ઓફિસ જવું-આવવું નથી ગમતું, ફ્લેક્સિબલ વર્કિંગ ટાઇમ વધુ પસંદ રહેશે. માત્ર બ્રિટનમાં જ નહીં, અન્ય દેશોમાં પણ આ નવું વર્ક કલ્ચર પસંદ કરાઈ રહ્યું છે.
બ્રિટનમાં કર્મચારીઓ નોકરીએ આવવા-જવાનો સમય પોતાની અનુકૂળતા પ્રમાણે નક્કી કરી શકે તેવી વ્યવસ્થા ઈચ્છે છે. યુ-ગવ એજન્સી દ્વારા પાંચ હજારથી વધુ કર્મચારીઓ પર સર્વે કરાયો હતો તેના તારણો જણાવે છે કે લોકોને ઓફિસમાં પૂરા ૮ કલાક આપવામાં કોઈ વાંધો નથી. માત્ર ૬ ટકા લોકો જ ફિક્સ કલાકોમાં કામ કરવાનું પસંદ કરે છે. બાકીના ૯૪ ટકા ઇચ્છે છે કે તેઓ દિવસમાં કોઈ પણ સમયે આવીને તેમની ૮ કલાકની નોકરી પૂરી કરી શકે.
બ્રિટનમાં ૯થી ૫ વાગ્યાનો ઓફિસ ટાઇમિંગ આદર્શ ગણાય છે. જોકે, ૩૭ ટકા લોકો ૮ વાગ્યે ઓફિસ પહોંચીને ૪ વાગે છૂટવાનું પસંદ કરે છે. બ્રિટનમાં તો લેબર લો પણ કહે છે કે નોકરીમાં ૨૬ વીક પૂરા કર્યા બાદ કર્મચારી ફ્લેક્સિબલ વર્કિંગ ટાઇમની માગ કરી શકે છે.
૧૮૧૭થી ૮ કલાક કામનો નિયમ ઘડાયો
કામ કરવાના સમયે લઈને ૧૮૧૦ સુધી તો દુનિયામાં કોઈ નિયમ જ નહોતા. ૧૮૧૦માં બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કામના કલાકો મર્યાદિત કરવાની માગના પરિણામે કર્મચારી ૧૦ કલાક જ કામ કરશે તેમ નક્કી કરાયું હતું. આ પછી, ૧૮૧૭માં આ સમયગાળો ઘટાડીને ૮ કલાક કરી દેવાયો હતો. ૧૮૫૬ સુધી આ નિયમ માત્ર બ્રિટનમાં હતો. ધીમે-ધીમે વિશ્વના અન્ય ભાગોમાં પણ ૮ કલાક કામનો નિયમ શરુ કરાયો હતો.
હેન્રીફોર્ડે ૯થી ૫ સુધી કામના કલાકો આપ્યા
ફોર્ડ કાર કંપનીના માલિક હેન્રી ફોર્ડે ૧૯૨૨માં તેમની કંપનીમાં ૯થી ૫ વાગ્યા સુધી કામ કરવાનો નિયમ સૌથી પહેલા લાગુ કર્યો હતો. હેન્રીનું માનવું હતું કે સાંજે ૫ વાગ્યે ઓફિસમાંથી છૂટી જવાથી કર્મચારીઓ પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવશે, જેની હકારાત્મક અસર કામ પર દેખાશે. આ પછી ૧૯૨૬માં પાંચ દિવસ કામનો ખયાલ આપનારી કંપની ફોર્ડ જ હતી.


