લોર્ડ જિતેશ ગઢિયાએ શ્રી સત્ય સાઈ બાબાની જન્મ શતાબ્દીએ અંગત સ્મરણો વાગોળ્યા

Wednesday 17th December 2025 05:13 EST
 
 

લંડનઃ ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની જન્મ શતાબ્દીને ઉજવવા યુનાઈટેડ કિંગ્ડમના આશરે 1,000 ભક્તો શનિવાર1નવેમ્બર 2025ના રોજ વેમ્બલીના ધ ડ્રમ ખાતે એકત્ર થયા હતા. એકતા અને સમર્પણની ભાવના સાથે વિવિધ પશ્ચાદભૂ સાથેના અનુયાયીઓએ આ ઈવેન્ટને વધાવી લીધો હતો. લોર્ડ જિતેશ ગઢિયાએ ભક્તો અને ઉપસ્થિતો સમક્ષ સંબોધનમાં પ્રેમ, સેવા અને તમામ ધર્મોની એકતા સંદર્ભે બાબાના શાશ્વત સંદેશાને હાઈલાઈટ કર્યો હતો.

બાબાના ‘સહુને પ્રેમ કરો, સહુની સેવા કરો’ ના હાર્દરૂપ ઉપદેશો અને પાંચ માનવ મૂલ્યોને યાદ કરતા લોર્ડ ગઢિયાએ નિઃશુલ્ક હેલ્થકેર, પીવાના પાણીના પ્રોજેક્ટ્સ અને મૂલ્ય આધારિત શિક્ષણ સહિત શ્રી સત્ય સાઈ ઓર્ગેનાઈઝેશનની વૈશ્વિક અસર વિશે જણાવ્યું હતું. અંગત પારિવારિક સંબંધને યાદ કરતા લોર્ડ જિતેશ ગઢિયાએ કહ્યું હતું કે તેમના દાદા ડો. ધીરુભાઈ ગઢિયા સમર્પિત અનુયાયી હતા જેમણે યુકેમાં પિન્નેર ખાતે સૌપ્રથમ સત્ય સાઈ સેન્ટર સ્થાપવામાં મદદ કરી હતી. તેમણે 1968ની ઐતિહાસિક પળને પણ યાદ કરી હતી જ્યારે શ્રી સત્ય સાઈ બાબા તેમની એક માત્ર વિદેશ મુલાકાતમાં યુગાન્ડા આવ્યા હતા. ડો. ધીરુભાઈ ગઢિયાએ મુખ્ય કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી બજાવી હતી અને તેઓ ઈસ્ટ આફ્રિકામાં સૌથી પ્રારંભિક અને સૌથી અગ્રેસર ભક્તોમાં એક હતા. તેમના સમગ્ર પરિવારને શ્રી સત્ય સાઈ બાબાના અંગત આશીર્વાદ પ્રાપ્ત થવાની આ યાદગાર પળ હતી.

સંબોધનના સમાપનમાં લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે નિઃસ્વાર્થ સેવા થકી તેમના સંદેશાને જીવવામાં જ સત્ય સાઈ બાબાને સાચી અંજલિ બની રહેશે. તેમણે ઓડિયન્સને યાદ અપાવી હતી કે ‘પ્રાર્થના કરનારા હોઠો કરતાં મદદ કરનારા હાથ વધુ પવિત્ર હોય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter