લંડનઃ લિબરલ ડેમોક્રેટ લોર્ડ નવનીત ધોળકિયાએ પ્રખ્યાત તેજસ્વી વિદ્વાન, વિચારક, અર્થશાસ્ત્રી, લેખક લોર્ડ મેઘનાદ દેસાઈના નિધન વિશે અંગત દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાસુમન અર્પ્યા હતા તેમજ તેમના પત્ની અને પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી. લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે તેમણે અંગત મિત્ર ગુમાવ્યો છે. લોર્ડ ધોળકિયાની હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્તિ થઈ તે પહેલાથી તેઓ લોર્ડ દેસાઈને જાણતા હતા. LSE ખાતે વિવિધ મીટિંગ્સ વેળાએ તેમની સાથે મુલાકાત થઈ હતી.
લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે લોડ મેઘનાદ સારા જાહેર વક્તા અને તેજસ્વી વિદ્વાન હતા. લેબર પાર્ટી માટે ઘેર ઘેર પ્રચાર થકી તેઓ વધુ પ્રખ્યાત બનવા સાથે લેબર લીડર જ્હોન સ્મિથના મિત્ર બની ગયા હતા જેમણે ઈકોનોમિક્સ પ્રવક્તા તરીકે નિયુક્તિ કરી હતી. તેઓ લોર્ડ્સ સંબંધિત કોઈ પણ મુદ્દા પર બોલવામાં ગભરાતા ન હતા અને પોતાના વિશાળ શબ્દભંડોળથી સહુને પ્રભાવિત કરી દેતા હતા.
લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે,‘અગ્રણી લેબર સાથીઓ ઉપરાંત,એક માત્ર લિબરલ ડેમોક્રેટ તરીકે મને તેમના લગ્ન રિસેપ્શનમાં મળવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. લોર્ડ મેઘનાદ ભારત અને યુકેના જર્નાલિસ્ટ્સમાં ભારે લોકપ્રિય હતા. મને તેમની ભારે ખોટ સાલશે અને તેઓ જે વિરાસત છોડી ગયા છે તેને ભરવાનું કાર્ય મુશ્કેલ રહેશે. તેઓ સિદ્ધાંતપ્રિય વ્યક્તિ હતા અને લેબર પાર્ટી છોડી ક્રોસબેન્ચર સાથે જોડાયા હતા.’