લંડનઃ પ્રસિદ્ધ વિચારક અને રાજકીય વિશ્લેષકલોર્ડ ભીખુ પારેખે તેમની પાસે રહેલા દુર્લભ પુસ્તકોનો સંગ્રહ વડોદરાસ્થિત નવરચના યુનિવર્સિટીને દાનમાં આપવા નિર્ણય લીધો છે. આ માટે 14 ઓગસ્ટ 2025ના દિવસે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જુલાઈ મહિનામાં પ્રખ્યાત રાજકીય વિશ્લેષક, વિચારક, હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય તેમજ બહુસંસ્કૃતિવાદ અને રાજકીય વિચારધારાના પ્રણેતા લોર્ડ ભીખુ પારેખનું સન્માન વિશ્વભરના 11 અગ્રણી વિદ્વાનો સાથે આખા દિવસના સેમિનાર થકી કર્યું હતું.
પોતાના અલભ્ય પુસ્તકોના સંગ્રહાલય-લાઈબ્રેરીને યોગ્ય સંસ્થાને સુપરત કરવાનો નિર્ધાર ધરાવતા લોર્ડ ભીખુ પારેખે દાયકાઓના ગાળામાં સંગ્રહિત કરેલા 2,500 પુસ્તકો વડોદરાની નવરચના યુનિવર્સિટીને દાનમાં આપવા 14 ઓગસ્ટે સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. અગાઉ, આ પુસ્તકોનો સંગ્રહ વડોદરાની MS યુનિવર્સિટીને આપવાની યોજના હતી, પરંતુ તે ફળીભૂત થઈ ન હતી. આના પગલે તેમના મિત્ર અને નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીનના સૂચનને સન્માની આ નિર્ણય લેવાયો હતો.
પદ્મભૂષણ વિજેતા લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘મારા પુસ્તકો વડોદરા અને ગુજરાતમાં જ પરત પહોંચવા જોઈએ તે હું જાણતો હતો.’ તાકીદના નિર્ણય માટે પોતાની વય, પત્નીના નિધન અને ઘરના સ્થળાંતરની જરૂરિયાતને કારણભૂત ગણાવ્યા હતા. પુસ્તકોનો સંગ્રહ બહુસંસ્કૃતિવાદ, ગાંધી અને આધુનિક ભારત સંબંધિત રિસર્ચ સેન્ટર તરીકે કામ કરશે અને તેમના પરિવાર સહિતને સમાવતી કમિટી દ્વારા સુરક્ષિત રહેશે.


