લંડનઃ લોર્ડ રેમી રેન્જર અને તેમની કંપની સન માર્ક લિમિટેડ વિરુદ્ધ પૂર્વ કર્મચારી દ્વારા કરાયેલો 673,000 પાઉન્ડના ક્લેઈમનો લેબર કોર્ટનો કેસ લંડનના એમ્પ્લોયમેન્ટ અપીલ જજે નકારી કાઢતા તેમનો વિજય થયો છે. જજ હાયમ્સે ચુકાદામાં જણાવ્યું હતું કે પૂર્વ કર્મચારી રમણદીપ કૌરે અપ્રામાણિકતા આચરી હતી અને મહત્ત્વના પુરાવાનો નાશ કર્યો હતો. સન માર્ક લિમિટેડના બોર્ડે આ ચુકાદાને આવકારી જણાવ્યું છે કે આ ચુકાદાએ કંપનીની પોઝિશનને યોગ્ય ઠરાવી છે.
જજ હાયમ્સે દાવેદાર અને પૂર્વ કર્મચારી રમણદીપ કૌર વિરુદ્ધના જજમેન્ટમાં ઠરાવ્યું હતું કે દાવેદારે સદ્ભાવનાથી કામ કર્યું હોય તેમ માનવું અશક્ય છે અને લોર્ડ રેન્જરના સાથે કહેવાતી વાતચીતના છુપા ફોન રેકોર્ડિંગ, નોટબૂક અને સેકન્ડ ફોન સહિત કેસ સાથે સંકળાયેલા પુરાવાનો નાશ કરવાનું તેમનું કાર્ય તેમના વિવેકાનુસાર સ્પષ્ટપણે નિંદાત્મક, અનુચિત અને અફસોસજનક છે. આવું વર્તન એક કે વધુ બાબતે નહિ પરંતુ, સમગ્રતયા અનુચિત જ છે.
સન માર્ક લિમિટેડના સીઈઓ મિ.હરમીત આહુજાએ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલના ચુકાદાને આવકારતા નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ ચુકાદાએ કંપનીની પોઝિશનને ન્યાયસંગત ઠરાવી છે. અમારી પોઝિશનનું રક્ષણ કરવાના ચાર મુશ્કેલ વર્ષો પછી અમને આનંદ થયો છે કે લોર્ડ રેમી રેન્જર વિરુદ્ધ દાવેદાર મિસ રમણદીપ કૌરનો 673,000 પાઉન્ડનો સમગ્ર ક્લેઈમ ફગાવી દઈને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે યોગ્ય નિર્ણય આપ્યો છે.’
‘એક એમ્પ્લોયર તરીકે કંપની, ચેરમેન અને ડાયરેક્ટર્સ તેમની જવાબદારીઓને ગંભીરપણે લે છે, અમે અમારી કંપનીને સન માર્ક પરિવાર દ્વારા સંચાલિત એકમ માનીએ છીએ. ગત ચાર વર્ષ ધ રેન્જર અને સન માર્ક પરિવાર માટે અસહ્ય આફત સમાન રહ્યા હતા. આ કેસનું યોગ્ય પરિણામ આવતા અમને આનંદ થયો છે. ચાવીરુપ પુરાવાના નાશ સંદર્ભે મિસિસ કૌર દ્વારા તેનો નાશ કર્યાનું જૂઠું બોલવામાં ઈરાદાપૂર્વક કાર્ય કર્યાનું જજે યોગ્યપણે ચુકાદામાં ઠરાવ્યું છે. આ કેસની પ્રક્રિયા અને પરિણામને નોંધપાત્રપણે અસર કરી શકે તેવી સામગ્રી વિશે વિચારવામાં પ્રતિવાદીઓ અને ટ્રિબ્યુનલને અટકાવવાનો ઈરાદો હતો.’
દાવેદારે પોતાના એવિડન્સ વિશે વધારીને કહ્યું છે, વિકૃત રજૂઆતો કરી છે તેવા ફર્સ્ટ ટ્રિબ્યુનલના તારણોને સુસંગત રહેતા આ જજે પણ ઠરાવ્યું છે કે, પુરાવાના નાશની હકીકત અને તેની તારીખ બાબતે ‘ ક્લેઈમન્ટે ઈરાદાપૂર્વક જૂઠાણું કહ્યું છે. આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ક્લેઈમેન્ટનું વર્તન અપેક્ષાથી ઉણું ઉતર્યું હતું. જજમેન્ટમાં પુરાવાના નાશનો ઉલ્લેખ પણ કરાયો હતો. જજે ઠરાવ્યું હતું કે દાવેદારે પુરાવાના નાશ કરવા મુદ્દે મૌન જાળવ્યું હતું. તેણે પોતાના સોલિસિટરને પુરાવાનો નાશ કર્યાનું જણાવ્યું હતું અને તેઓ પણ પ્રતિવાદી અને /અથવા તેણીના કાઉન્સેલને આ હકીકતની જાણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.’ બોર્ડે તેમની લીગલ ટીમ અને મિસ સારાહ ગાર્થ અને મિસ સુસાન મેકી KC નો આભાર માન્યો હતો.
મિસિસ કૌરનો દાવો હતો કે તેણે 5 ઓક્ટોબર 2018ના દિવસે બીજા પ્રતિવાદી (લોર્ડ રેન્જર) સાથે ટેલિફોન પર વાત કરી હતી તેનું રેકોર્ડિંગ મુખ્ય પુરાવો હતો. આ રેકોર્ડિંગ બીજા પ્રતિવાદીની સંમતિ અને જાણકારી વિના કરાયું હતું. આ વાતચીત પંજાબી ભાષામાં થઈ હોવાનો દાવેદારનો દાવો હતો. સુનાવણીમાં એ મુદ્દો ઉઠાવાયો હતો કે દાવેદાર જે વાતચીત પર આધાર રાખે છે તેનું ટ્રાન્સલેશન ચોક્કસ હતું કે કેમ? જજે રેકોર્ડેડ વાતચીતનું નિષ્પક્ષ અર્થઘટન કરાવવા આદેશ આપ્યો હતો.
રેકોર્ડિંગ અનુસાર બીજા પ્રતિવાદી દ્વારા ભારપૂર્વક કહેવાયું હતું કે તે વેશ્યા છે અને લોર્ડ રેન્જર તેની હત્યા કરશે. જોકે, પ્રથમ ટ્રિબ્યુનલે લાયાબિલિટી ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું હતું કે આ બાબતો બીજા પ્રતિવાદી (લોર્ડ રેન્જર) દ્વારા કહેવાઈ જ ન હતી. જજે કહ્યું હતું કે,‘લોર્ડ રેન્જરે દાવેદારને મારી નાખવાની ધમકી આપી હોવાનું અમને જણાયું નથી... તેમણે તેને વેશ્યા પણ કહી નથી. આ બાબતે જે કથિત આક્ષેપો કરાયા તે 5 ઓક્ટોબર 2018ના દિવસે થયેલી વાતચીતના રેકોર્ડિંગના ટ્રાન્સલેશનના આધારે હતા જે, એટલાસ ટ્રાન્સલેશન્સ લિમિટેડ (એટલાસ) દ્વારા કરાયું હતું. ઉલટતપાસમાં બહાર આવ્યું હતું કેદાર અથવા તેના તત્કાલીન સોલિસિટર્સ દ્વારા આ બાબતો ટ્રાન્સલેશનમાં ઉમેરવા એટલાસ પર દબાણ કરવામાં આવ્યું હતું. 9 અને 10 જાન્યુઆરી 2023ની સુનાવણીમાં દાવેદારે આવી ઉલટતપાસ થયાનો ઈનકાર પણ કર્યો નથી. 24 એપ્રિલ 2020ના મારા આદેશ અનુસાર નિષ્પક્ષ ટ્રાન્સલેશન પુરુ પડાયું તેમાં દાવેદાર વેશ્યા હતી તેમજ બીજા પ્રતિવાદી (લોર્ડ રેન્જર) તેની હત્યા કરશે તેવા સ્ટેટમેન્ટ્સનો સમાવેશ થતો ન હતો.’


