લંડનઃ બળજબરીથી કરાતાં લગ્નના વિરોધમાં કેમ્પેઈન ચલાવતાં જસવિન્દર મને બેરોનેસ બનાવવાની લાલચ આપી તેમની સાથે સેક્સ માણવાની માગણી કરનારા લિબ ડેમ પાર્ટીના ૮૨ વર્ષીય લોર્ડ લેસ્ટર ઓફ હર્ને હિલને વર્તન આચારસંહિતાના ઉલ્લંઘન બદલના રિપોર્ટમાં પાર્લામેન્ટમાંથી જૂન ૨૦૨૨ સુધી વિક્રમી સમયગાળા માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી છે. ગુરુવારે લોર્ડ્સમાં રિપોર્ટ પર મતદાન કરવામાં આવશે. મિસ સંઘેરે વેસ્ટમિન્સ્ટર સેક્સ હેરેસમેન્ટ કૌભાંડ પછી ગત નવેમ્બરમાં લોર્ડ લેસ્ટર વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.
ચેરિટી ‘કર્મ નિર્વાણ’ના સ્થાપક જસવિન્દર સંઘેરે કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ સમક્ષ નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ૨૦૦૬ની એક ઘટનામાં લોર્ડ લેસ્ટરે તેમને પાછળથી જકડવા જેવી અશ્લીલ હરકતો અને તેમના કિચનમાં તેમને પકડવા દોડાદોડી કરી હતી. લોર્ડ લેસ્ટરે કેમ્પેઈનરના આક્ષેપોને અસત્ય ગણાવી ફગાવી દીધા હતા. લિબ ડેમ પાર્ટીએ લોર્ડ લેસ્ટરને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ધ હાઉસ ઓફ લોર્ડ્સ પ્રિવિલેજીસ એન્ડ કન્ડક્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું છે કે મિસ સંઘેર તરફથી છ સાક્ષીએ અને લોર્ડ લેસ્ટર તરફથી ચાર સાક્ષીએ જુબાની આપી હતી.
ફોર્સ્ડ મેરેજ વિરુદ્ધ અભિયાનમાં ૨૦૦૬માં પાર્લામેન્ટમાં બિલ પસાર કરાયું ત્યારે મિસ સંઘેર તેમની સાથે મળીને કામ કરતા હતા. આ સમયે લોર્ડ ૭૦ વર્ષના અને જસવિન્દર ૪૧ વર્ષના હતાં. એક બેઠકમાં ભારે મોડું થઈ જતા જસવિન્દર ટ્રેન ચુકી જવાથી લોર્ડ અને તેમના પત્ની સાથે તેમના મકાનમાં રોકાવાં સહમત થયાં હતાં. ઘેર જતી વેળા લોર્ડ લેસ્ટરે તેમની કારના ગિયરસ્ટિકના બદલે અવારનવાર મિસ સંઘેરનાં સાથળો પર હાથ મૂકતા હોવાનું અને ‘જો મારી સાથે સુઈશ તો એક વર્ષમાં તને બેરોનેસ બનાવી દઈશ’ તેમ લાલચ આપી હોવાનું પણ આક્ષેપોમાં જણાવાયું હતું. લોર્ડના ઘરમાં ગેસ્ટ બેડરુમમાં સલામતીની ચિંતા થવાથી તેમણે દરવાજા પાસે ખુરશી મૂકી દીધાંનું પણ મિસ સંઘેરે જણાવ્યું હતું.
જોકે, બીજી સવારે લોર્ડ પાછળથી આવી તેમને કમરથી જકડી લીધા હતા. તેમને દૂર ધકેલ્યા તો તેમણે ફરીથી જકડી લઈ શરીર સાથે અડપલાં કર્યાનો આક્ષેપ પણ મિસ સંઘેરે લગાવ્યો હતો. પોતાનાથી ત્રણ દસકા નાની વયની મહિલાથી ભારે ઘેલા બનેલા લોર્ડ લેસ્ટરે વારંવાર સેક્સની માગણીઓ કરી હતી.
લોર્ડ લેસ્ટરે જાતીય સતામણીના આક્ષેપોને ફગાવી દેવા સાથે લોર્ડ્સના કમિશનર ફોર સ્ટાન્ડર્ડ્સ લ્યુસી સ્કોટ-મોન્ક્રિફ્ટની તપાસને ખામીપૂર્ણ ગણાવી હતી. મિસ સંઘેરે પોતાની ગુપ્તતા ફગાવી દેતાં ધ ટાઈમ્સને જણાવ્યું હતું કે લોર્ડ વિરુદ્ધ તેમના અવાજને હસી કાઢવામાં આવશે તેમ લાગવાથી તેમણે એ સમયે ફરિયાદ કરી ન હતી. (૩૮૦)


