લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા લોર્ડ્સની પદવી માટે બે બ્રિટિશ એશિયન સહિત ૩૬ નોમિનેશન્સ જાહેર કરાયા છે, જેમાં બિલિયોનેર યેવજેની લેબેડેવ, વડા પ્રધાન બોરિસના ભાઈ જો જ્હોન્સન, ક્રિકેટર સર ઈઆન બોથામ, પૂર્વ સ્કોટિશ ટોરી નેતા રુથ ડેવિડસન, બે પૂર્વ ચાન્સેલર ફિલિપ હેમન્ડ અને કેન કલાર્ક. ભારતીય મૂળના શિક્ષણવિદ્ પ્રેમ સિક્કા તથા પાકિસ્તાની મૂળના સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર આમેર એ. સરફરાઝનો સમાવેશ થયો છે. આ ઉપરાંત, પૂર્વ વડા પ્રધાન થેરેસા મેના પતિ ફિલિપ મે અને ટોરી નેતા રે પડીફૂટને નાઈટહૂડ માટે નેમિનેટ કરાયા છે.
ભારતીય મૂળના શિક્ષણવિદ્ અને નોર્ધર્ન ઈંગ્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ ખાતે એકાઉન્ટિંગના એમેરિટસ પ્રોફેસર પ્રેમ સિક્કા તથા પાકિસ્તાની મૂળના સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર અને વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર આમેર એ. સરફરાઝનો નવા ઉમરાવપદમાં સમાવેશ કરાયો છે. યુનિવર્સિટી ઓફ એસેક્સના પણ એમેરિટસ પ્રોફેસર પ્રેમ સિક્કા ૨૦૧૮માં ટોપ એક્ઝિક્યુટિવ્ઝના પગારનું વિશ્લેષણ કરવા લેબર પાર્ટી દ્વારા નિયુક્ત કમિશનના વડા હતા. તેમણે ભલામણ કરી હતી કે ૭,૦૦૦ મોટી કંપનીઓમાં ઉચ્ચ સ્તરે રહેનારાના પગારો વાર્,ક બંધનકર્તા મતદાનને આધીન રહેવા જોઈએ.
પાકિસ્તાની મૂળના આમેર એ. સરફરાઝ સોશિયલ એન્ટ્રેપ્રીન્યોર અને વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર છે. તેઓ અગ્રણી સિલિકોન વેલી વેન્ચર કેપિટલ ફંડ ડ્રેપર એસોસિયેટ્સમાં પાર્ટનર છે. હાલમાં તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીના નેશનલ ટ્રેઝરર છે અને નાના ખેડૂતોના કલ્યાણના પ્રખર હિમાયતી છે. તેમનો એગ્રીટેક બિઝનેસ ‘બેટર ગ્રેઈન’ એશિયામાં હજારો સીમાંત ખેડૂતોનું સમર્થન કરી રહ્યો છે.
ઈવનિંગ સ્ટાન્ડર્ડ અને ઈન્ડિપેન્ડન્ટ અખબારોના માલિક અને રશિયામાં જન્મેલા બિલિયોનેર યેવજેની લેબેડેવ વડા પ્રધાન જ્હોન્સનની લોર્ડ્સ નોમિનેશન યાદીમાં આશ્ચર્યજનક નામ છે. જ્હોન્સન ફોરેન સેક્રેટરી હતા ત્યારે ઈટાલીમાં લેબડેવની પાર્ટીમાં હાજરી આપી હતી. ટોરી પાર્ટીમાં વિખવાદને શાંત રાખવાના પ્રયાસરુપે વડા પ્રધાને બે પૂર્વ ચાન્સેલર ફિલિપ હેમન્ડ અને કેન કલાર્કને પણ યાદીમાં સ્થાન આપ્યું છે.
આ ઉપરાંત, બોરિસ જ્હોન્સનના ચીફ સ્ટ્રેટેજિક એડવાઈઝર સર એડવર્ડ લિસ્ટર, પૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટ સ્ટાર સર ઈઆન બોથામ, પૂર્વ લેબર સાંસદો કેટ હોય, ઈઆન ઓસ્ટિન અને ગિસ્લા સ્ટુઅર્ટ સહિતના જાણીતા બ્રેક્ઝિટીઅર્સ, ટોરી ડોનર માઈકલ સ્પેન્સર, ડેઈલી ટેલીગ્રાફના પૂર્વ એડિટર ચાર્લ્સ મૂર, ઈવનિંગ સ્ટાન્ડર્ડના પૂર્વ એડિટર વેરોનિકા વાડલે, ઓરિયલ કોલેજ ઓક્સફર્ડના પ્રોવોસ્ટ નીલ મેન્ડોઝા, બોરિસ સરકારમાંથી રાજીનામું આપનારા તેમના નાના ભાઈ જો જ્હોન્સન પણ લોર્ડ્સમાં સ્થાન મેળવશે. જોકે, કોમન્સના પૂર્વ સ્પીકર જ્હોન બેર્કો અને લેબર પાર્ટીના પૂર્વ ડેપ્યુટી લીડર ટોમ વોટ્સન દેખીતી રીતે જ યાદીમાંથી ગાયબ છે.
પીઅરેજની નવી યાદીથી વિવાદ પણ સર્જાયો છે. લોર્ડ સ્પીકર લોર્ડ ફાઉલરે ચેતવણી આપી છે કે નવી નિમણૂકો પર નિયંત્રણ રાખવાની ખાતરી છતાં, હાઉસ ઓફ લોર્ડ્સમાં સંખ્યાબળ ૬૦૦ સુધી ઓછું થવાના બદલે લગભગ ૮૩૦ સુધી પહોંચી જશે જે હાઉસ ઓફ કોમન્સ કરતાં ૨૦૦ જેટલું વધુ હશે. ઈલેક્ટોરલ રિફોર્મ સોસાયટીના ચીફ એક્ઝિક્યુટિવ ડેરેન હ્યુજીસના કહેવા અનુસાર ઉમરાવ દ્વારા કરાતા સરેરાશ ક્લેઈમના આધારે નવા ૩૬ લોર્ડ્સ દ્વારા વાર્ષિક ૧.૧ મિલિયન પાઉન્ડનો ખર્ચ વધી જશે.