લંડનઃ યુકેમાં હિંસક ગુનાખોરીમાં ભારે વધારો નોંધાયો છે. હત્યાના દરમાં ૧૪ ટકા અને નાઈફ ક્રાઈમમાં ૧૨ ટકાનો વધારો થયાનું આંકડા દર્શાવે છે. બીજી તરફ, ઉકેલાયેલા અપરાધોની સંખ્યા ગત ત્રણ વર્ષમાં સૌથી ઓછી છે. વર્ષમાં કુલ ૧૧૩ હત્યા સાથે લંડન ક્રાઈમની રાજધાની બની ગઈ છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સે જાહેર કરેલા આંકડા અનુસાર રેકોર્ડેડ લૂંટ (૨૨ ટકા વધારો), સેક્સ્યુઅલ અપરાધ (૧૮ ટકા વધારો), વાહન ચોરી (૭ ટકા વધારો) અને ઘરફોડ ચોરી (૨ ટકા વધારો), નોંધાયો છે.
બીજી તરફ, હોમ ઓફિસના અલગ ડેટામાં જણાવાયું છે કે નોંધાયેલા ગુનાઓમાંથી માત્ર ૮.૭ ટકા જ આરોપ અથવા સમન્સમાં પરિણમ્યાં છે. ૪૬.૬ ટકા કેસમાં શંકમંદની ઓળખ થયા વિના જ તપાસ પૂરી થઈ હતી. જોકે, ગત વર્ષ કરતાં આ ટકાવારી ઘટી છે.
સપ્ટેમ્બર મહિનામાં લંડનમાં ૧૦૦મી હત્યા નોંધાઈ હતી. લંડનમાં હત્યાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ૫૫ હત્યા જાહેર સ્થળોએ થઈ હતી, જ્યારે ૨૨ હત્યા ગેન્ગ સાથે સંબંધ ધરાવતી હોવાનું મનાય છે. કુલ આંકડામાંથી ૬૪ મોત સ્ટેબિંગથી, ૧૦ મોત શૂટિંગથી અને ૧૮ હિંસક હુમલાના કારણે થયાં હતાં. મૃતકોમાંથી ૪૦ની વય ૨૫થી ઓછી જણાઈ હતી. બીજી તરફ, યુકેના બીજા સૌથી મોટા શહેર બર્મિંગહામમાં ગન ક્રાઈમ રેટ લંડન કરતાં પણ વધી ગયો છે.


