લંડનઃ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ આલોક શર્માએ લઘુમતી જૂથોને રોજગારી મેળવવામાં મદદરૂપ થવા અને તેમની પ્રગતિ માટે કરેલા કાર્યોની માહિતી આપવા માટે ચેરિટીઝ, લોકલ ઓથોરિટી અને કોમ્યુનિટી ગ્રૂપ્સની બેઠક બોલાવી હતી. હાલ બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનિક (BAME)ની રોજગારીનો દર વિક્રમજનક ઉંચાઈએ છે તેનો ઉલ્લેખ કરતા શર્માએ જણાવ્યું હતું, ‘આપણે આ ગતિને જાળવી રાખીએ તે મહત્ત્વનું છે અને હું વ્યક્તિગત રીતે પ્રગતિને આગળ ધપાવવા માટે સમર્પિત છું.’
૨૦૧૦થી BAME ના રોજગારી દરમાં ૬.૪ ટકાનો વધારો થયો છે, જે અર્થતંત્રને મજબૂત બનાવવાની દિશામાં સરકારે કરેલી પ્રગતિ અને દરેકને તક અપાઈ હોવાનું દર્શાવે છે.
બ્લેક, આફ્રિકન અને કેરેબિયન, પાકિસ્તાની અને બાંગ્લાદેશી તેમજ ભારતીય એમ ત્રણ સૌથી મોટા લઘુમતિ જૂથના રોજગારી દરમાં અનુક્રમે ૯.૫, ૮.૫ અને ૬.૧ પર્સન્ટેજ પોઈન્ટનો વધારો નોંધાયો છે.
BAME રોજગારને વેગ આપવા માટે કાર્યરત સંસ્થાઓના મુખ્ય પ્રતિનિધિઓએ મિનિસ્ટર સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. તેમણે કુર્દિશ, મીડલઈસ્ટ અને સોમાલી બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો સહિત BME જૂથના યુવાનો અને મહિલાઓને તેઓ કેવી રીતે મદદ કરે છે તે સહિત તેમની વિવિધ યોજનાઓની ચર્ચા કરી હતી.
આલોક શર્માએ જણાવ્યું હતું કે લેબર માર્કેટમાં જેમનું પ્રતિનિધિત્વ ખૂબ ઓછું છે તેમના માટે તક ઉભી કરવાના એક સમાન ધ્યેયની દિશામાં આપણે સૌ કાર્ય કરીએ છીએ.
બેઠક બાદ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા દેશના ૨૦ પડકારજનક ક્ષેત્રમાં BAMEની રોજગારી વધારવાની વ્યૂહનીતિ રજૂ કરાઈ હતી.


