વંશીય લઘુમતી પેન્શનરને ઓછું પેન્શન

Wednesday 05th February 2020 05:04 EST
 

લંડનઃ યુકેમાં શ્વેત પેન્શનરની સરખામણીએ વંશીય લઘુમતી પેન્શનરને ઓછું પેન્શન મળતું હોવાનું ધ પીપલ‘સ પેન્શનના નવા વિશ્લેષણમાં જણાવાયું હતું. આ રિપોર્ટમાં યુકેમાં નિવૃત્તિકાળની આવકમાં અસમાનતા છતી કરાઈ છે. સામાન્ય વૃદ્ધ શ્વેત પુરુષ કરતા વંશીય લઘુમતી મહિલા પેન્શનરને મળતા પેન્શન વચ્ચે સરેરાશ ૫૧ ટકાની ખાઈ જોવાં મળે છે. લગભગ પાંચ મિલિયન સભ્ય ધરાવતા પ્રોવાઈડર ધ પીપલ‘સ પેન્શનના રિપોર્ટ અનુસાર વંશીય લઘુમતી પેન્શનરને વર્ષે સરેરાશ માત્ર ૨૪ ટકા અથવા તો ૩,૩૫૦ પાઉન્ડનું પેન્શન મળે છે, જે તેમની વયના અન્ય લોકો કરતાં ખૂબ ઓછું છે.

પેન્શન પ્રોવાઈડર્સના રિપોર્ટ ‘મેઝરિંગ ધ એથનીસીટી પેન્શન ગેપ’માં વંશીય લઘુમતીના સરેરાશ પેન્શનરને તેમના સમકક્ષ શ્વેત પેન્શનર કરતાં ૨૪.૪ ટકા ઓછું પેન્શન મળે છે એ બાબત પર ભાર મૂકાયો હતો. આ તફાવત મહિલાઓમાં ખૂબ વધુ છે. વંશીય લઘુમતીની મહિલા પેન્શનરને શ્વેત મહિલા પેન્શનર કરતાં વાર્ષિક ૫૧.૪ ટકા ઓછું પેન્શન મળે છે.

વંશીય પેન્શન તફાવતના કારણોમાં સરેરાશ ઓછી આવક, એમ્પ્લોયમેન્ટના અલગ અલગ રેટ્સ સહિતના લેબર માર્કેટના પરિબળો તેમજ વંશીય લઘુમતી વર્કરોની સેલ્ફ-એમ્પ્લોઈડ થવાની વધુ શક્યતા છે. આ તફાવત નાબૂદ કરવા ઓક્યુપેશનલ પેન્શન સ્કીમના સભ્યપદ માટેના અવરોધો દૂર કરવા અત્યંત જરૂરી છે કારણકે વંશીય લઘુમતી કર્મચારીઓ નીચી આવક ધરાવતા હોવાની વધુ શક્યતા હોવાથી તેઓ ઓટો-એનરોલમેન્ટમાં બાકાત રહે છે.

આ તફાવતને ઓછો કરવા માટે પીપલ્સ પેન્શને ઓટો - એનરોલમેન્ટના ધારાધોરણોમાં સુધારા કરવા સરકારને અનુરોધ કર્યો હતો. તેના દ્વારા કરાયેલા સૂચનોમાં ૧૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવનાર વર્કપ્લેસ પેન્શન માટે લાયક ગણાય તેને ઘટાડીને નેશનલ ઈન્સ્યોરન્સ માટે ૬,૧૩૬ પાઉન્ડ કરવી જેથી વધારાના ૧.૨ મિલિયન વર્કરો ઓટો-એનરોલમેન્ટ હેઠળ આવરી લેવાય. તેમાં ૧૫ ટકા વર્કરો વંશીય લઘુમતીના હશે. પેન્શન યોગદાનની હાલની મર્યાદા ૬,૧૩૬ પાઉન્ડથી ઉપરની છે તે કર્મચારીની આવકના પહેલા પાઉન્ડથી જ લાગુ થવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter