લંડનઃ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રિટનમાં રંગભેદના અન્યાય વિરુદ્ધ યોજાએલી ચળવળો પછી કરાયેલા એક પોલમાં બે તૃતીઆંશ વંશીય લઘુમતી બ્રિટિશરોએ દેશની પોલીસ અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ તેમના પ્રતિ પૂર્વગ્રહ ધરાવતા હોવાનું જણાવ્યું છે. ચેરિટી Hope Not Hate ના પોલમાં લઘુમતી જૂથોમાં પોલિસીંગમાં પૂર્વગ્રહ વિશે ચિંતા વ્યક્ત કરાઈ હતી. ૧૦માંથી ૮ અશ્વેત બ્રિટિશર અને બાંગલાદેશી બ્રિટિશરને ભય છે કે પોલીસ તેમની પશ્ચાદભૂ અને વંશીય જૂથના લોકો પ્રતિ તટસ્થ નથી અને સમગ્રતયા ૬૫ ટકા વંશીય લઘુમતી સમૂહો તેની સાથે સંમત છે.
આ પોલમાં એમ પણ જણાયું છે કે વંશીય લઘુમતી જૂથોના ૧૦માંથી ચાર લોકોએ ગત ૧૨ મહિનામાં વંશીય હિંસા અથવા શોષણના સાક્ષી બન્યાનું કે અનુભવ્યાનું પણ જણાવ્યું છે. આના પરિણામે, બ્રિટનમાં રંગભેદ બાબતે કોઈ સમસ્યા ન હોવાના મતને પડકાર મળ્યો છે. આ મતદાન સરકાર અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અગ્રણીઓને વંશીય લઘુમતીઓમાં વિશ્વાસની સમસ્યા બાબતે ચેતવણી સમાન છે.
પરિવારનો સભ્ય પોલીસમાં જોડાય તો ગૌરવ થશે તેવા પ્રશ્ને ૫૨ ટકાએ હકારમાં, ૧૮ ટકાએ નકારમાં અને ૩૦ ટકાએ તટસ્થ હોવાનો ઉત્તર આપ્યો હતો. અશ્વેત લોકોમાં ૪૭ ટકાએ ગૌરવ થશે તેમ જણાવ્યું હતું. પોલીસ દળોમાં ૨૦,૦૦૦ ઓફિસરની ભરતી કરવાની છે ત્યારે સર્વસમાવેશી બનાવવાની મોટી તક છે. વંશીય લઘુમતી ઓફિસરોમાં એશિયન કોમ્યુનિટીઝનું પ્રમાણ વધ્યું છે પરંતુ, અશ્વેત ઓફિસરોમાં વધારો થયો નથી.
અન્ય તારણોમાં પણ જણાયું હતું કે પોલીસને મળતું ભંડોળ ઘટાડી યુવાનો માટે કામગીરી, સોશિયલ કેર અને માનસિક આરોગ્ય સેવાઓના ક્ષેત્રોને ભંડોળ વધારવા ૫૪ ટકાએ સમર્થન આપ્યું હતું. વંશીય લઘુમતી લોકોમાંથી ૬૪ ટકાનો મત એવો રહ્યો કે સામાન્ય રીતે પોલીસ સારી છે પરંતુ, કેટલીક વ્યક્તિઓ જ સમસ્યા સર્જે છે. ૬૫થી વધુ વયના ૮૧ ટકાને પોલીસદળો સામાન્યતઃ સારા જણાયા હતા જ્યારે ૧૬-૨૪ વયજૂથના ૫૫ ટકા જ આવો મત ધરાવતા હતા.
અશ્વેત અને એશિયન લોકો દૈનિક જીવનમાં ભેદભાવનો સામનો કરતા હોવાનું ૭૨ ટકાએ કહ્યું હતું અને માત્ર ૯ ટકા સંમત ન હતા. અડધાથી વધુ લોકોઅ કહ્યું હતું કે તેમણે ગત ૧૨ મહિનામાં પ્રેસ, સોશિયલ મીડિયા અથવા જાહેરમાં રેસિઝમ નિહાળ્યું છે કે અનુભવ્યું છે. રેસિઝમ અનુભવનારામાં યુવાનોનું પ્રમાણ વધુ હતું. નેશનલ બ્લેક પોલીસ એસોસિયેશનના નેતા ઈન્સ્પેક્ટર એન્ડ્રયુ જ્યોર્જે કહ્યું હતું કે આ રિપોર્ટમાં જણાવાયેલા પુરાવા સ્વીકારવાનો તેમજ અશ્વેત, એશિયન્સ અને વંશીય લઘુમતી કોમ્યુનિટીઓનો વિશ્વાસ વધારવા લાંબા ગાળાની રણનીતિઓ ઘડવાનો સમય પાકી ગયો છે.