લંડનઃ ગયા વર્ષે ઈંગ્લેન્ડની ૧૩૩માંથી ૧૨૪ યુનિવર્સિટીઓએ તેમના વાઈસ ચાન્સેલરોને વડા પ્રધાન થેરેસા મે કરતાં વધુ એટલે કે ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધારે પગાર ચૂકવ્યો હતો. એક વાઈસ ચાન્સેલરને તો લગભગ કુલ ૫૦૦,૦૦૦ પાઉન્ડ ચૂકવાયા હતા. ઓફિસ ફોર સ્ટુડન્ટ્સ (OfS)ની માહિતી મુજબ આ ક્ષેત્રમાં ૧.૫ ટકા કરતાં વધુ સ્ટાફને વર્ષે ૧૦૦,૦૦૦ પાઉન્ડ કરતાં વધુ બેઝિક પગાર મળે છે, જે ૨૦૧૬-૧૭ના પગારમાં ૧.૩ ટકાનો વધારો સૂચવે છે.
સ્ટુડન્ટ લોન્સ અને ટેક્સપેયર ગ્રાન્ટ્સમાંથી યુનિવર્સિટી ફંડિંગ મારફતે તેમને પગાર ચૂકવાય છે. ૧૦૦,૦૦૦ પાઉન્ડ કરતાં વધુ બેઝિક પગાર મેળવતા વાઈસ ચાન્સેલરનું પ્રમાણમાં ૪૮ યુનિવર્સિટીમાં ઘટાડો થયો હતો.
આંકડાની દ્રષ્ટિએ આ યાદીમાં યુનિવર્સિટી ઓફ બાથ તેના હેડને ૪૭૦,૦૦૦ પાઉન્ડની ચૂકવણી સાથે ટોચ પર રહી હતી. જોકે, જ્યારે અન્ય બેનિફિટ્સ ધ્યાનમાં લેવાયા ત્યારે પગારની કુલ રકમ વધીને ૪૯૨,૦૦૦ પાઉન્ડ સુધી પહોંચી હતી. વાઈસ ચાન્સેલરને બેઝિક ૪૩૧,૦૦૦ પાઉન્ડ અને કુલ ૪૯૨,૦૦૦ના પગાર સાથે યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજ બીજા સ્થાને જ્યારે બેઝિક ૪૨૩,૦૦૦ પાઉન્ડ પગાર અને ૪૪૨,૦૦૦ પાઉન્ડ કુલ પગાર સાથે યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન ત્રીજા સ્થાને રહી હતી.
OfSના ચીફ એક્ઝિક્યુટિવ નિકોલા ડેન્ડ્રીજે જણાવ્યું હતું કે વાઈસ ચાન્સેલરનો પગાર OfS દ્વારા નક્કી કરાતો નથી. યુનિવર્સિટીનું સંચાલન મહત્ત્વપૂર્ણ અને જટિલ કાર્ય છે અને પોતાના કાર્યમાં કુશળ હોય તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ.

