લંડનઃ ધ ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિસ્ટ્સ દ્વારા ‘શાંતિ, સમૃદ્ધિ અને વૈશ્વિક ઐક્યના વિઝનેરી નેતા પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની 75મી વર્ષગાંઠની આંતરરાષ્ટ્રીય ઊજવણી’નો કાર્યક્રમ બ્રિટિશ પાર્લામેન્ટના ધ થેચર રૂમમાં યોજાયો હતો. વિવિધ દેશોના વિશિષ્ટ મહાનુભાવો વિશ્વના સૌથી આદરપાત્ર નેતાઓમાં એક નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવવા એકત્ર થવા સાથે આ કાર્યક્રમ ઐતિહાસિક બની રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ઊજવણીમાં રાજદૂતો, પાર્લામેન્ટના સભ્યો, લોર્ડ્સ, નિવૃત્ત જજીસ, બાર લીડર્સ, સામાજિક કર્મશીલો અને સમુદાયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને વૈશ્વિક દૃષ્ટિ પ્રત્યે તેમની પ્રશંસાના પ્રતીકરૂપ સૂત્રો અને સંદેશાઓ, ‘એ વિઝનરી સ્ટેટ્સમેન ફોર એ ન્યૂ ઈન્ડિયા’, ‘ફીઅરલેસ વોઈસ ઓફ સોવરિન ઈન્ડિયા’, ‘ગ્લોબલ લીડર, નોટ એ ફોલોઅર’, ‘વોઈસ ઓફ 1.4 બિલિયન ઈન્ડિયન્સ’ અને ‘બિલ્ડિંગ બ્રીજીસ અક્રોસ નેશન્સ’, સાથેના પ્લેકાર્ડ્સ પણ લહેરાયાં હતાં.
સાંસદ અને પૂર્વ બ્રિટિશ મિનિસ્ટર બેરી ગાર્ડનરે ‘મોદી એટ 75 - એ રિસ્ટ્રોસ્પેક્ટિવ ઓન પોલિટિશિયન એન્ડ ધ મેન’ મથાળા સાથેના પોતાના ચિંતનાત્મક સંબોધનમાં મોદીની મક્કમતા, સંગઠનાત્મક કૌશલ્ય અને હિંમતવાન વહીવટની પ્રશંસા કરી હતી. તેમણે RSS સાથે તેમના આરંભના વર્ષોથી ગુજરાતના મુખ્ય પ્રધાન અને તે પછી ભારતના વડા પ્રધાન બનવા સુધીની યાત્રા વિશે જણાવ્યું હતું. ગાર્ડિનરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેનિટેશન, આર્થિક સુધારા, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ કનેક્ટિવિટી ક્ષેત્રોમાં સિદ્ધિ પર પ્રકાશ પાથરવા સાથે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ અને ગ્લોબલ ગ્રીન ઈનિશિયેટિવ જેવા ગ્લોબલ ક્લાઈમેટ ઈનિશિયેટિવ્ઝમાં નિર્ણાયક ભૂમિકાની પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે મોદીની નેતાગીરી હેઠળ ભારત અગાઉ કદી ન થયું હોય તેમ એકસંપ થઈ અરસપરસ સંપર્કમાં આવી રહ્યું છે. મોદી માત્ર ભારતના રાષ્ટ્રીય નેતા જ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય રાજપુરુષનો મોભો ધરાવે છે.
ધ ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ જ્યુરિસ્ટ્સના પ્રેસિડેન્ટ ડો. આદિશ સી. અગરવાલાએ તેમના સંબોધનમાં વડા પ્રધાન મોદીને ભારતની આઝાદી પછી સૌથી કરિશ્માઈ અને લોકપ્રિય સમૂહનેતા ગણાવ્યા હતા. વિનમ્ર પશ્ચાદભૂથી વૈશ્વિક દરજ્જાના રાજપુરુષ બનવા સુધીની મોદીની પ્રેરણાદાયી યાત્રા વિશે જણાવવા સાથે ડિજિટલ ઈન્ડિયા, તળિયાસ્તરની લોકશાહી, મહિલા સશક્તિકરણ અને રિન્યુએબલ એનર્જી વિસ્તરણ જેવાં લેન્ડમાર્ક ઈનિશિયેટિવ્ઝની સરાહના કરતા ડો. અગરવાલાએ ઉમેર્યું હતું કે જેમ સત્ય અને અહિંસાના મૂલ્યો માટે ઈતિહાસ મહાત્મા ગાંધીનું સ્મરણ કરે છે તેમ ભાવિ પેઢીઓ શાંતિ, સમૃદ્ધિ અને વિશ્વએકતા માટે નરેન્દ્ર મોદીને યાદ કરશે.
આંતરરાષ્ટ્રીય મેળાવડો માત્ર જન્મદિનના અભિનંદન વિશે જ ન હતો, પરંતુ સરહદોને વટાવી વિઝનરી નેતા તરીકે મોદીની પ્રભાવક ભૂમિકા પ્રસ્થાપિત કરવા માટે પણ હતો. વક્તાઓએ ક્લાઈમેટ ચેઈન્જ, ટેરરિઝમ, મહામારીઓ અને અસમાનતા જેવાં વૈશ્વિક પડકારો સંદર્ભે મોદીના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમ્ પર પણ પ્રકાશ પાથર્યો હતો. લોર્ડ રેમી રેન્જરે વડા પ્રધાન મોદીનું સારું સ્વાસ્થ્ય અને પ્રભાવક નેતાગીરી સતત વિસ્તરતી રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.


