લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ વણિક એસોસિયેશન ઓફ ધ યુકેના સત્તાવાર નામથી જાણીતી વણિક કાઉન્સિલ યુકેની સ્થાપના એપ્રિલ 1978માં થઈ હતી. સ્થાપનાકાળથી જ કાઉન્સિલ કોમ્યુનિટીના વ્યાપક લાભાર્થે વિવિધ સેવા પૂરી પાડતી આવી છે. વર્ષ 1982માં (42 વર્ષ અગાઉ) અન્ય સેવાઓમાં પાત્ર પરિચય (લગ્ન માટે કુંવારાઓનો પરિચયવિધિ)નો પણ ઉમેરો કરાયો હતો. આ સીમાચિહ્નની ઊજવણી કરવા હેરોમાં બ્લુ રૂમ સ્પોર્ટ્સ વેન્યુ ખાતે રવિવાર 28 જુલાઈએ પુનર્મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદપૂર્ણ પ્રસંગે કોમ્યુનિટીના 200 પાર્ટિસિપેન્ટ્સ એકત્ર થયા હતા અને સ્પીડ ડેટિંગનો ઈતિહાસ, સફળ દંપતીઓના કથાઓ અને ઉપસ્થિત દંપતીઓને સન્માનથી ભરપૂર દિવસ રહ્યો હતો.
દિવસનો આરંભ સવાર 10 વાગ્યે નાસ્તા સાથે થયો હતો. વણિક કાઉન્સિલ કમિટીઓની સ્ત્રી સભ્યો દ્વારા પ્રાર્થનાગાન સાથે સમારંભ શરૂ કરાયો હતો. ચેરમેન મનહરભાઈ મહેતાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ગત 40 વર્ષથી કોમ્યુનિટીમાં સ્પીડ ડેટિંગની સકારાત્મક અસરના ખાસ ઉલ્લેખ સાથે કાઉન્સિલનો ટુંકો ઈતિહાસ જણાવ્યો હતો. આ પછી મનહર મહેતા અને જનરલ સેક્રેટરી પૂર્ણિમાબહેન મહેતાએ વણિક કાઉન્સિલની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી.
સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ
• લગ્નવિષયક સેવા- રમેશ શાહની રાહબરી હેઠળ (સ્પીડ ડેટિંગ મેળાવડાઓ) અને મહેશ ગાંધી (મેટ્રિમોનિયલ રજિસ્ટર) • વણિક ડિરેક્ટરી - કોમ્યુનિટી અરસપરસ સંપર્કમાં રહી શકે તેમજ માહિતગાર રહે તે માટે મહત્ત્વનું સાધન છે. આધુનિક ટેકનોલોજીની મદદથી ડિરેક્ટરી અપડેટ કરવામાં પ્રગતિ સધાઈ છે. • મિત્રતા બાંધવી- એકલવાયા. અલગ પડેલા અને બીમાર લોકોની મદદ કરવાની સેવા પૂરી પાડવા વોલન્ટીઅર્સની ભરતી અને તાલીમની વ્યવસ્થા કરાય છે. • હેલ્થ સેમિનાર્સ - કોમ્યુનિટીની જરૂરિયાત અનુસાર કાઉન્સિલ દ્વારા સેમિનારોનું આયોજન સંલગ્ન એસોસિયેશનો અને મેડિકલ પ્રોફેશનલ્સ દ્વારા સંયુક્તપણે હાથ ધરાય છે. • હેલ્થ કેર ચેપલન્સી - હોસ્પિટલોમાં જૈન પેશન્ટ્સ માટે આધ્યાત્મિક સ્વાસ્થ્ય સંભાળ અનોખી સેવા છે જે સમગ્ર યુકેમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ અને NHS ના સહયોગ સાથે માત્ર વણિક કાઉન્સિલ દ્વારા જૈન કોમ્યુનિટીને પૂરી પાડવામાં આવે છે. વોલન્ટીઅર્સની તાલીમ તેમજ હોસ્પિટલો સાથે ચેપ્લિન્સની નિયુક્તિ બાબતે વાટાઘાટની કાઉન્સિલની ભૂમિકા સમજાવાઈ હતી. • પ્રિઝન ચેપલન્સી - જેલમાં રહેલા જૈનધર્મીઓ માટે પ્રિઝન ચેપલન્સીની સેવા અપાય છે. મનહર મહેતાએ પ્રિઝન સર્વિસને જૈન ફેઈથ એડવાઈઝર તરીકે પોતાની ભૂમિકા સમજાવવા સાથે જણાવ્યું હતું કે જૈન વ્યક્તિ જેલમાં હોય તેવો કિસ્સો ભાગ્યે જોવા મળે છે. • અંતિમ સંસ્કારઃ લંડન, લેસ્ટર અને માન્ચેસ્ટરમાં કાઉન્સિલના તાલીમબદ્ધ વોલન્ટીઅર્સ જૈન અંતિમ સંસ્કારની મહત્ત્વની સેવા પૂરી પાડે છે. અંતિમ સંસ્કાર ઘેર અને ક્રીમેટોરિયમમાં કરવામાં આવે છે. • ઓર્ગન ડોનેશન- અનુપ મહેતાએ અંગદાન વિશે તેમજ પસંદગી બાબતે જાગરૂકતા ઉભી કરવા NHSBT સાથે કાઉન્સિલના સહકાર વિશે માહિતી આપી હતી.
રમેશ શાહે કાઉન્સિલની લગ્નવિષયક સેવાઓ થકી લગ્ન થયાં હોય તેવા દંપતીઓનો પરિચય કરાવ્યો હતો. દંપતીઓ અને તેમના પરિવારોને તેમની યાત્રા અને અનુભવો વર્ણવવા આમંત્રિત કરાયા હતા. દરેક દંપતીને આ પ્રસંગની યાદગીરી માટે મેમેન્ટો અપાયા હતા.
હેરોના મેયર સલીમ ચૌધરી, મેયરેસ જાસ્મીન ચૌધરી, મેયર ઈલેક્ટ કાઉન્સિલર અંજના પટેલ, પૂર્વ મેયર નીતિન પારેખ અને કાઉન્સિલર વીપીન મીઠાણી સહિત મહત્ત્વના મહેમાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. મેયર, માનવંતા મહેમાનો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ દીપ પ્રગટાવી વણિક કાઉન્સિલને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.
મેયર સલીમ ચૌધરીએ પ્રવચનમાં વણિક કાઉન્સિલને તેમની પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કોમ્યુનિટીને મજબૂત બનાવવાના મક્કમ પ્રયાસોની સરાહના કરી હતી. મજબૂત કોમ્યુનિટી હેલ્થ, સ્વાસ્થ્ય, અને સામાજિક સંપર્કોને પ્રાધાન્ય આપે છે તેવી માન્યતા પ્રત્યે પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. અંગદાન વિશે તેમણે જણાવ્યું હતું કે વણિક કાઉન્સિલ ઓર્ગન ડોનેશનની પ્રખર હિમાયતી છે અને બીફ્રેન્ડિંગ સેવા પૂરી પાડીને એકલતાનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ છે.
ગત 12 વર્ષથી વણિક કાઉન્સિલ માટે ટ્રેઝરરની સેવા આપવા બદલ જયેશ શાહને સન્માનિત કરાયા હતા. તમામ ઉપસ્થિત લોકોને ટોક પહેલા અને ટોક પછી એમ બે હિસ્સામાં ઓર્ગન ડોનેશન સર્વે પૂર્ણ કરવા જણાવાયું હતું જેથી અનુપ મહેતા દ્વારા કરાયેલા સંબોધન પછી સમજના પ્રમાણને જાણી શકાય.
આ ઈવેન્ટની યાદગીરી રૂપે લગ્નવિષયક સેવાના ઈતિહાસ, સ્પીડ ડેટિંગ પાત્ર પરિચય થકી લગ્ન થયા હોય તેવા દંપતીની કથાઓ, બીફ્રેન્ડિંગ સર્વિસ વિશે માહિતી, ઓર્ગન ડોનેશન અને જૈનો માટે અંતિમ સંસ્કારની સેવા સહિતની વિગતો ધરાવતા સોવેનિયરને જારી કરાયું હતું. ગ્રાન્ડ ફિનાલે ડાન્સ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું જ્યાં દરેક લોકો એન્જલ ડાન્સ ગ્રૂપના ડાન્સર્સની સાથે જોડાયા હતા. બપોરના 2 કલાકે સ્વાદિષ્ટ ભોજન લઈને સહુ છૂટા પડ્યા હતા.


