વધતી જતી ઘરફોડ ચોરી-લૂંટથી બચવાનો ઉપાય કયો? આપણી સુરક્ષાનું શું ?!

કોકિલા પટેલ Thursday 04th April 2019 02:15 EDT
 

લંડન સહિત યુ.કે.ભરના શહેરો નગરોમાં રહેતા એશિયનો ખાસ કરીને ભારતીયોના ઘરોમાં ચોરી-લૂંટના બનાવોએ માઝા મૂકી છે. લૂંટારા ધોળે દહાડે કે મધરાતે ઘરના કાચના દરવાજા કે બારીઓ તોડી જે તે ઘરના સભ્યોને ડરાવી ધમકાવી કે શારીરિક નુકશાન પહોંચાડીને સોનાના ઘરેણાં સહિત રોકડ કેશની માગણી કરતા હોય છે. તાજેતરમાં ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયેલા સમાચાર મુજબ યુ.કે.માં પાંચ જ વર્ષમાં એશિયનો પાસેથી £૧૪૧.૩ મિલિયન જેટલા સોનાની ચોરી થઇ.
કયારેક લૂંટારા પાર્સલ સર્વિસ કે કોઇ કંપનીના અધિકારી હોય એવા સ્વાંગમાં ઘરના ડોરબેલ વગાડી ઘરમાલિક ડોર ખોલે કે તરત જ હુમલો કરી ઘરમાં ઘૂસી જઇ સોનાના ઘરેણાં અને રોકડ રકમની માગણી કરતા હોય છે.
તાજેતરમાં નોર્થવીક પાર્ક, ઇલીંગ (પાર્ક રોયલ), ક્રોયડન, ટૂટીંગ, કેન્ટન, હેરો, પ્રેસ્ટન રોડ, કીંગસબરી, વેમ્બલી વિસ્તારમાં તસ્કરોએ ઘરમાં ઘૂસી લૂંટ મચાવી હોવાના સમાચાર સાંપડ્યા છે.
આપણા એક વાંચક વિનુભાઇ સચાણિયાએ મોકલેલા ઇમેલમાં જણાવ્યું છે કે, એશિયનોના ઘરોમાં લૂંટારાઓ જે રીતે લૂંટ ચલાવી જાનહાનિ કરી રહ્યા છે અને સ્થાનિક પોલીસ એ બાબત કોઇ નક્કર પગલાં લઇ શકતી નથી એ અંગે પીટીશન કરી સરકારને જાગ્રત કરવા કટિબધ્ધ બન્યા છે. તેઓના જણાવ્યા મુજબ, હવે યુ.કે.માં પણ આપણી આફ્રિકા જેવી હાલત થતી જાય છે. ક્રોયડનમાં રહેતા એમના એક મિત્રના ધર્મપત્ની અને એમના દીકરાને ઘરમાં ઘૂસેલા લૂટારાઓએ બેરહેમીથી મારી સોનું અને રોકડ રકમ સહિત હજારો પાઉન્ડની કિંમતની લૂંટ કરી છે. ગંભીર ઇજા પામેલા એ બન્ને મા દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. સચાણિયા કહે છે, "આપણી સુરક્ષા માટે હવે કયો ઉપાય? શું આપણે હવે ગન કે કૂતરા રાખવા પડશે?”
આ બધા કારણનું મૂળ મોંઘુદાટ સોનું જ કહી શકાય. સોનાના ભાવ આસમાને હોવા છતાં આપણે સૌ સોનાનો મોહ છોડવાને બદલે વધારતા જઇએ છીએ. અહીં થતા લગ્નોમાં બહેનો ભરપૂર દાગીના સજ્જ જોવા મળે છે એટલું જ નહિ પણ રસ્તા ઉપર માથે વરધ લઇને નીકળે ત્યારે ભારે સાડી અને સોનાના ઘરેણાંથી સજ્જ બહેનોને જોઇ ચોરોની આંખૌ ચાર થતી હોય છે. બસોમાં થેલીઓ લઇ શોપીંગ કરવા જતી માતાઓ-બહેનો ગળામાં સોનાના બબ્બે અછોડા, કંઠીઓ ને હાથમાં ચાર-ચાર સોનાની બંગડીઓ પહેરીને જતી હોય છે. ચાકૂની અણીએ પેલો બે-પાંચ તોલાનાં ઘરેણાં લૂંટી જાય એટલે મોટી રકમની રોકડી થઇ જાય. આપણા ઘરોમાં સંતાડેલું સોનું જલદી હાથવગુ લાગે એ માટે લૂંટારાઓ સોનાનું મેટલ ડિટેકટર લઇને જ આવે છે. આપણા આ શણગાર જોઇને જ લૂંટારોઓએ એશિયનોને લૂંટવાનો કિમિયો અખત્યાર કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter