વન-જૈન દ્વારા સેન્સસ ગાલા ઇવેન્ટનું સફળતાપૂર્વક આયોજન

Tuesday 02nd March 2021 15:06 EST
 

છેલ્લાં ત્રણ વર્ષથી વન જૈન સંસ્થા દ્વારા સેન્સસ (વસ્તીગણતરી)માં જૈન કોમ્યુનિટીનો સમાવેશ કરવા માટે અને Q16માં જૈનધર્મને અલાયદા ધર્મ રૂપે બતાવવા માટેની જાગૃતિની ઝુંબેશના ફળસ્વરૂપ ઑનલાઈન ઇવેન્ટ યોજવામાં આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના પ્રયત્નોથી વન-જૈન નામની સંસ્થા બ્રિટનમાં સરકાર સાથેના મુદ્દાઓ, કોમ્યુનિટીની કલ્યાણકારી યોજનાઓ અને ઈન્ટરફેઇથ બાબતોમાં જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એની સેન્સસ અંગેની ઝુંબેશ જૈન સમાજની મહત્ત્વની ઝુંબેશ બની રહી. આ અગેના ઓનલાઈન કાર્યક્રમનો પ્રારંભ સમણી ડૉ. પ્રતિભા પ્રજ્ઞાની મંગળ સ્તુતિથી થયો. જ્યારે એના ઓનલાઈન હોસ્ટ મેહૂલ સંઘરાજકાએ ક્રમબદ્ધ રીતે બ્રિટન અને ભારતમાં એની વર્ચુઅલ રજૂઆત કરી, જેમાં બ્રિટનના વીસ જેટલાં જૈન સમાજના અગ્રણીઓ, જૈન આચાર્યો, આધ્યાત્મિક નેતાઓ, નેશનલ સ્ટેટેસ્ટીક્સના અધિકારી અને જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (એપીપીજી)ના એમ.પી.ઓએ ભાગ લીધો હતો.

આ ગાલા ઇવેન્ટનો પ્રારંભ હેરો વેસ્ટના પાર્લમેન્ટ મેમ્બર અને જૈન એપીપીજીના ચેરમેન ગેરથ થોમસે કર્યો એમણે વસ્તીગણતરીની બાબતમાં હાઉસ ઑફ કોમન્સમાં થયેલી ચર્ચાઓ અને 10 ડાઉન સ્ટ્રીટમાં કરવામાં આવેલી પીટીશનની વાત કરી હતી. એ પછી જૈન સમાજ માન્ચેસ્ટરના પ્રેસિડેન્ટ વિરેન વોરા, ઓશવાળ એસોશિએશનના પ્રેસિડેન્ટ નિલેશ શાહ, નવનાત વણિક એસોશિએશનના ચેતન અદાણી, મહાવીર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ યોગેશ રાયાણી, જૈન વિશ્વભારતીના ટ્રસ્ટી રાજેશ જૈન અને જૈન સમાજ લેસ્ટરના પ્રેસિડેન્ટ ઉષા મહેતાએ પોતાનાં મંતવ્યો પ્રગટ કર્યા હતા. સમાજના આ અગ્રણીઓએ ભારપૂર્વક સેન્સસ ફોર્મમાં જૈન પસંદ કરવાનું કહ્યું હતું અને જણાવ્યું કે એનાથી આપણા દેરાસરોને વિસ્તૃત કરવામાં, કેર હોમના કાઉન્સિલ પ્લાનિંગમાં, સ્મશનાગૃહોમાં અને હૉસ્પિટલના ભક્તિગૃહો(ચેપલન્સી)માં આ બાબત કેવી રીતે લાભદાયક બનશે.

નેશનલ સ્ટેટેસ્ટિકની ઑફિસના કમ્યુનિટિ એન્ગેજમેન્ટ મેનેજર સંજય જગતિયાએ જૈન સમાજની આ ઝુંબેશની તાકાત અને એની પાછળના વિઝનને દર્શાવીને જણાવ્યું હતું કે આનાથી ઘણી બાબતોમાં સામાજિક જાગૃતિ આવશે. હેરો ઇસ્ટના એમ.પી. અને જૈન ઓલ પાર્ટી પાર્લમેન્ટરી ગ્રુપના ડેપ્યુટી ચેરમેન બોબ બ્લેકમને ભારપૂર્વક જણાવ્યું હતું કે સેન્સસ ડેટાને પરિણામે જૈનો સરકારી સંસ્થાઓને પ્રભાવિત કરી શકશે અને 2031ને માટે આ પ્રકારની ઝુંબેશ વહેલાસર શરૂ કરવાનું જણાવ્યું હતું. કન્સલ્ટન્ટ સર્જન ડૉ. અભય ચોપાડાએ દર્શાવ્યું હતું કે હાલના સમયમાં હૉસ્પિટલો જૈન ભોજનની અને ભક્તિગૃહની આવશ્યકતા પૂરી પાડતી નથી. સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અમીત બખાઈએ ઉમેર્યું હતું કે કઈ રીતે સેન્સેસની માહિતી હૉસ્પિટલના પ્લાનિંગ અને ફંડિંગમાં મહત્તવની બની રહેશે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ટ્રસ્ટી શ્રી જયસુખ મહેતાએ જાહેર કર્યું હતું કે તેર વર્ષની સાન્વી હરિયા ચિલ્ડ્રન્સ સેન્સસ કમ્પિટિશનમાં વિજેતા બની છે અને અંતે ભાવિક હરિયાના મધુર કંઠે સ્તવનથી સમાપન કરવામાં આવ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter